
ગેરકાયદેસર વિદેશ જતા 4 ગુજરાતીઓને ઈરાનમાં બંધક બનાવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે ગેરકાયદેસર વિદેશ મોકલનારા એજન્ટો સામે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ચારેય ગુજરાતીઓને હેમખેમ મુક્ત કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ગાંધીનગર LCB સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. LCB દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ અને નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પીડિતોના નિવેદનના આધારે આ ગેરકાયદેસર પ્રવાસન રેકેટમાં સામેલ એજન્ટો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ચારેય ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને તેઓ દિલ્હીના એક એજન્ટ બાબા ખાનના સંપર્કમાં આવ્યા હતા. આ દિલ્હીના એજન્ટનો સંપર્ક ગાંધીનગરના એક સ્થાનિક એજન્ટ મારફતે થયો હતો. જ્યારે તેઓ ઈરાનના તહેરાન પહોંચ્યા, ત્યારે તેમનું અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પોતાનું નામ વારંવાર બદલ્યું હતું અને બંધકોના પરિવારો પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણીની માંગણી કરી હતી. જેમાં 50 લાખથી પણ વધુની રકમ ચૂકવવામાં આવી હતી. બાબા ખાન નામના શખ્સે જ પોતાના પરિવાર પાસેથી આ ખંડણીની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
Iran Hostage Case; LCB investigates Delhi based agent#Gandhinagar #IranHostage #Gujarat #TV9Gujarati pic.twitter.com/EWjy8ovZBL
— Tv9 Gujarati (@tv9gujarati) October 29, 2025
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હીના જે એજન્ટો આ રેકેટમાં સામેલ હતા, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. LCB હાલ સ્થાનિક ગાંધીનગરના એજન્ટો તેમજ દિલ્હીના એજન્ટો, જેમાં ખાસ કરીને બાબા ખાનનો સમાવેશ થાય છે, તેમની તપાસ કરી રહી છે. LCB અધિકારીઓનું કહેવું છે કે, આ કેસમાં સંડોવાયેલા તમામ એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના આવા કિસ્સાઓમાં એજન્ટો ફરતે ગાળીયો કસવામાં આવશે. ગાંધીનગર LCB દ્વારા આ સમગ્ર કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં જ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે ગેરકાયદેસર વિદેશ જવાની લાલચ વધુ ચાર યુવાનો ભારે પડી ગઈ. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકોને ગેરકાયદેસર ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવવામાં આવ્યા, જે બાદ તેમને માર મારતા વીડિયો મોકલીને પરિવાર પાસેથી ખંડણી પણ માંગવામાં આવી. જો કે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ બાદ આ ચારેય યુવકોને મુક્ત કરાવી દેવામાં આવ્યા છે.