સુરતમાં ભાજપના સંસદસભ્યનો કાર્યકરોએ કર્યો વિરોધ, કોરોનાના કેસ ઘટતા બહાર નિકળ્યાનો વ્યક્ત કરાયો આક્રોશ

હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થઈ છે ત્યારે ભાજપના સાંસદ ( BJP MP) ઘરની બહાર નીકળ્યા હોવાનો ભાજપના જ કાર્યકરો જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

  • Updated On - 8:25 pm, Wed, 12 May 21 Edited By: Bipin Prajapati
સુરતમાં ભાજપના સંસદસભ્યનો કાર્યકરોએ કર્યો વિરોધ, કોરોનાના કેસ ઘટતા બહાર નિકળ્યાનો વ્યક્ત કરાયો આક્રોશ
સુરતમાં ભાજપના સંસદસભ્યનો પ્રજાએ કર્યો વિરોધ

રાજ્યભરમાં કોરોના મહામારીએ લોકોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે કોરોનાની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. દર્દીઓની સંખ્યા સામે ઉપલબ્ધ મેડિકલ સહાય ટાંચી પડી છે. જેના કારણે લોકોમાં કંઈક અંશે રોષ પણ જોવા મળી રહ્યો છે.

સરકાર સમક્ષ હોસ્પિટલોમાં ઓછા બેડ, પૂરતી દવાઓનો જથ્થો, મેડિકલ સ્ટાફ, ઓક્સિજનની સમસ્યા સહિત રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં લોકોની ફરિયાદો પર પૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી.

ચૂંટણી સમયે લોકોની પાસે વોટ માંગવા લોકોની વચ્ચે જતા કેટલાક નેતાઓ કોરોનાના સમયમાં ગાયબ થઈ ગયા હોય તેવી પણ ફરિયાદો સામે આવી હતી. લોકો જ્યારે કોરોનાથી મરી રહ્યા હોય ત્યારે તેમની મદદે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર આગળ ન આવ્યા હોવાની પણ બૂમ ઉઠવા પામી છે.

આજે સુરતના પુણા વિસ્તારમાં આવો જ એક લોક આક્રોશ જોવા મળ્યો હતો બારડોલીના સાંસદ પરભુ વસાવા સામે. પુણા વિસ્તારમાં પટેલ સમાજની વાડીમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આજે બારડોલીના સાંસદ પરભુ વસાવા પહોંચ્યા હતા ત્યારે તેમને ખુદ ભાજપના જ કાર્યકરો અને સમર્થકોનું ખરું ખોટું સાંભળવાનો વારો આવ્યો હતો.

ભાજપ સંગઠન મંત્રી મહેશ હિરપરાના જણાવ્યા પ્રમાણે તેમને પોતાના સંબંધીને કોરોનાની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શનની જરૂર હતી. જે માટે તેમણે પોતાના વિસ્તારના સ્થાનિક નગરસેવક, ધારાસભ્યથી લઈને સાંસદને પણ ફોન કર્યા હતા. પણ તેમને ફોન ઊંચકવાની તસ્દી લીધી ન હતી.

હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થઈ છે ત્યારે સાંસદ ઘરની બહાર નીકળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આવી તો લોકોની અસંખ્ય ફરિયાદો છે જેનો ઉભરો આજે સાંસદ પરભુ વસાવા સામે નીકળ્યો હતો. ભાજપના જ કાર્યકરો અને સમર્થકોએ જાહેરમાં સાંસદ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. જેના કારણે સાંસદે નીચું મોઢું કરીને સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.