
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. જો કે આગામી 3 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી 5 દિવસ બાદ કમોસમી વરસાદથી રાહત મળી શકે છે. ગુજરાતના તમામ બંદર ઉપર LC3 સિગ્નલ યથાવત્ છે.
આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
માત્ર હવામાન વિભાગ જ નહીં, પરંતુ આગાહીકારો પણ માની રહ્યા છે કે આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. જે બાદ જ વરસાદના પ્રહારથી ગુજરાતને રાહત મળવાની શકયતાઓ છે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી 2 દિવસ સુધી માવઠાની તીવ્ર અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજુ પણ પડી શકે છે ભારે વરસાદ ખાબકી શકે છે. જો કે આગામી 2 દિવસ બાદ માવઠાના કહેરથી રાહત મળવાની શકયતાઓ છે.
અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે 2 નવેમ્બરથી જ માવઠાના કહેરથી રાહત મળવાની શરૂઆત થઇ જશે. આ પછી વરસાદનું જોર ઘટી જશે. તેમજ 7 નવેમ્બરથી ઠંડીનું જોર વધી શકે છે.
સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે આગામી 24 કલાક બાદ આકાશી આફતથી રાહત મળવાના અણસાર છે.