વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓનો ધમધમાટ, મોદી-શાહ બાદ હવે ગાંધી આવશે ગુજરાત

રાહુલ ગાંધીની (Rahul Gandhi ) આદિવાસી સત્યાગ્રહ સંમેલન બાદ ગુજરાતમાં ઝોન વાઇસ કોંગ્રેસની સભાઓ યોજાવાની છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ઝોનમાં તબક્કાવાર કોંગ્રેસની સભાઓ યોજાવાની છે.

વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓનો ધમધમાટ, મોદી-શાહ બાદ હવે ગાંધી આવશે ગુજરાત
Rahul Gandhi (File Image )
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Jun 01, 2022 | 9:31 AM

ગુજરાત (Gujarat ) વિધાનસભાની ચૂંટણીને  લઇને રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોનો (Political Party ) ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિવિધ પક્ષો મતદારોને (Voters ) આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને કેન્દ્રિય નેતાઓ એક પછી એક પોતાની ગુજરાત મુલાકાત વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ હવે કોંગ્રેસને મજબુત બનાવવા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી તારીખ 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાની મુલાકાત લેશે અને વિશાળ આદિવાસી જનસભાને સંબોધશે.

રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા  છે. રાહુલ ગાંધી 12 જૂને દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાના ચારણવાડા ગામમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધવાના છે. વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી વોટ બેંકને મજબુત કરવા માટે કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા સતત કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને કોંગ્રેસ તરફ આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ સંમેલન બાદ ગુજરાતમાં ઝોન વાઇસ કોંગ્રેસની સભાઓ યોજાવાની છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ઝોનમાં તબક્કાવાર કોંગ્રેસની સભાઓ યોજાવાની છે. કોગ્રેસનું ચોમાસા પહેલા આ કાર્યક્રમો અને સભાઓ યોજવાનું આયોજન છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ ઓછી બેઠકના માર્જીનથી સરકાર બનાવી શકી ન હતી ત્યારે ક્યા ક્ષેત્ર વિસ્તારમાં કેટલા મતોથી આ બેઠકો મળી શકી ન હતી તેનો સર્વે કરીને આ વિસ્તારોમાં વધુ મહેનત કરી શકાય તે માટે કોંગ્રેસ પ્રયાસો કરી રહી છે.

નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર નથી થઇ પણ તમામ રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચીખલી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે. તે પછી રાહુલ ગાંધી તારીખ 12 જૂનના રોજ વાંસદા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે. અને તે બાદ આ જ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો પ્રવાસ પણ ગોઠવાય તેવી સંભાવના છે. આમ શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારના મતદારોને આકર્ષવા માટે હવે રાજકીય પાર્ટીઓએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati