સમુદ્રકાંઠા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ, સિતપોણમાં વીજળી પડતા 43 પશુઓના મોત નીપજયાં

કાળઝાળ ગરમી વચ્ચે શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાં તેજ ફૂંકાતા પવન સાથે વરસાદી ઝાપટાં રૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

સમુદ્રકાંઠા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ, સિતપોણમાં વીજળી પડતા 43 પશુઓના મોત નીપજયાં
તેજ પવન સાથે વરસેલા વરસાદમાં વૃક્ષ ધરાશાયી થવાથી ચકાજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

કાળઝાળ ગરમી વચ્ચે શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાં તેજ ફૂંકાતા પવન સાથે વરસાદી ઝાપટાં રૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચ તાલુકાના સિતપોણ ગામે આકાશી વીજળી પડતા 43 બકરાંઓના મોત નિપજ્યા હતા.

છેલ્લા દશેક દિવસથી ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી રહે છે સાથે તાજેતરમાંજ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યા બાદ શનિવારે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત ગરમી બાદ દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ફરી વરાવરણમાં શનિવારે બપોરે પલટો આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામા સુસવાટા મારતા પવનો સાથે ધોધમાર માવઠું વરસી પડયું હતું તો જંબુસર અને આમોદ તાલુકામાં પણ કેટલાક સ્થળે ભારે પવન સાથે હવાથી ભારે ઝાપટા વરસ્યા હતા.

 

 

ભરૂચ તાલુકાના સિતપોણ ગામે 5 જેટલા આદિવાસી પરિવારો તેમના બકરાં ચરાવી રહ્યા હતા ત્યારે એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીમડાના ઝાડ નીચે બકરાંઓનું ઝુંડ ઉભું હતું ત્યાં જ આભમાંથી જ વીજળી ત્રાટકતા 43 બકરાંના મૃત્યુ થયા હતા. સરપંચ જાવેદ ઉઘરાતદારે જણાવ્યું હતું કે સાંજે 4 કલાક આસપાસ આ ઘટના બની હતી. સાગમટે 43 બકરાંઓ ના મોતથી આદિવાસી પરિવારોનું પશુધન છીનવાઈ જતા તેઓની સ્થિતિ દારુણ બની હતી.

આ ઉપરાંત વાગરાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ચક્કાજામની સ્થિતિ સર્જાતા તંત્રએ વૃક્ષોને હટાવી ટ્રાફિક શરૂ કરવા જહેમત શરૂ કરી હતી. બીજીતરફ કમોસમી વરસાદના કારણે ધરતીના તાતનાં લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ હતી.

એક સપ્તાહમાં બીજી વખત સતત ઊંચા તાપમાન વચ્ચે દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.