Gujarat News Fatafat : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે

Bipin Prajapati
| Edited By: | Updated on: Jun 03, 2021 | 11:13 PM

Gujarat News Fatafat : આજે 3જી જૂન 2021ને ગુરુવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.

Gujarat News Fatafat : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે
ગુજરાતભરના આજના સમાચાર સંક્ષિપ્તમા

Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 3જી જૂન 2021ને ગુરુવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jun 2021 10:30 PM (IST)

    Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે

    રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 3 જૂન ના રોજ 1300 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3018 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને 25 હજારથી પણ નીચે થઇ ગઈ છે.

    Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે

  • 03 Jun 2021 09:06 PM (IST)

    Ahmedabad: સરખેજ પોલીસે ઝડપ્યું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, 4 આરોપીઓ 5 મહિનાથી કોલસેન્ટર ચલાવી અમેરીકન નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા

    Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડીમાંથી કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં ચાર આરોપીઓની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આ ચારેય શખ્સોએ પેન્ટ હાઉસ ભાડે લઈને કોલસેન્ટરનો વેપલો ચલાવતા હતા. ઉપરાંત આરોપી ગાડી અને રીક્ષામાં ફરીને પણ કોલસેન્ટર ચલાવતા હતા.

    Ahmedabad: સરખેજ પોલીસે ઝડપ્યું ઈન્ટરનેશનલ કોલ સેન્ટર, 4 આરોપીઓ 5 મહિનાથી કોલસેન્ટર ચલાવી અમેરીકન નાગરિકો પાસેથી પડાવતા હતા રૂપિયા

  • 03 Jun 2021 08:44 PM (IST)

    Ahmedabad: લોકો AMTS અને BRTS બસ ફરી શરૂ થાય તેની રાહમાં, તો આ તરફ મ્યુનિસિપલ તંત્ર મૂંઝવણમાં છે

    રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ધંધા રોજગાર માટે આંશિક રાહત આપ્યા બાદ હવે લોકો AMTS અને BRTS બસ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. મધ્યમવર્ગના લોકો માટે તો પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ ધંધા રોજગાર નથી તો બીજી બાજુ કામ પર જવા લોકોએ ડબલ રૂપિયા ચૂકવીને રીક્ષામાં જવાનો વારો આવ્યો છે.

    Ahmedabad: લોકો AMTS અને BRTS બસ ફરી શરૂ થાય તેની રાહમાં, તો આ તરફ મ્યુનિસિપલ તંત્ર મૂંઝવણમાં છે

  • 03 Jun 2021 07:02 PM (IST)

    VADODARA: અવારનવાર નિયમોની ઐસીતૈસી કરતી 5 હોસ્પિટલો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી, નવા દર્દીઓને દાખલ ન કરવા પણ ટકોર

    ફાયર સેફટીના નિયમોનું પાલન નહીં કરતી વડોદરાની 5 હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડ (Vadodara Fire brigade) દ્વારા ફાયર સેફ્ટીને લઈને 5 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે. તેમજ નવા દર્દીઓને પણ દાખલ ન કરવા સૂચના આપાઈ છે.

    VADODARA: અવારનવાર નિયમોની ઐસીતૈસી કરતી 5 હોસ્પિટલો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી, નવા દર્દીઓને દાખલ ન કરવા પણ ટકોર

  • 03 Jun 2021 05:43 PM (IST)

    Surat: પશુઓને બેક્ટેરિયાથી ફેલાતા ગળસૂંઢાના રોગથી બચાવવા માટે રસીકરણનો પ્રારંભ

    Surat : કોરોના મહામારીથી બચવા માટે આજે દરેક વર્ગ રસી લેવા તત્પર છે. રસીકરણ કેન્દ્રો પર લોકો રસી માટે લાઈન લગાવીને બેઠા છે. એવામાં ચોમાસા દરમિયાન પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે આ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે સુમુલ ડેરીના (Sumul Dairy) સહયોગથી પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 5,17,200 પશુઓને અત્યારથી જ રસીનું સુરક્ષાકવચ આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

    Surat: પશુઓને બેક્ટેરિયાથી ફેલાતા ગળસૂંઢાના રોગથી બચાવવા માટે રસીકરણનો પ્રારંભ

  • 03 Jun 2021 03:45 PM (IST)

    ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતા માર્કસ

    આ વર્ષો કોરોનાને કારણે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને અપાયેલા માસ પ્રમોશનમાં, સરકાર દરેક વિદ્યાર્થીઓને માર્કસ આપવાનું વિચારી રહી છે. જેમાં ચાર પ્રકારે માર્કસ આપવાની ફોર્મ્યુલા ઘડાઈ રહી છે. (1) ધોરણ 8,9 અને 10ની એકમ કસોટીના માર્કસની સરેરાશ લેવી (2) ધોરણ 9 અને 10ની એકમ કસોટી ધ્યાનમાં લેવી (3) અઢી મહિનાના પ્રત્યક્ષ શિક્ષણમાં વિધાર્થીઓનું શાળા દ્રારા કરવામાં આવેલા મૂલ્યાંકન (4) માત્ર 10ની એકમ કસોટી અને શાળા દ્રારા પ્રત્યક્ષ શિક્ષણ દરમિયાન  કરાયેલા  વિધાર્થીઓના મૂલ્યાંકન ધ્યાને લેવુ. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે, ગુજરાત સરકારને સીબીએસસીના મૂલ્યાંકન પર આધારીત ન રહેવા અપીલ કરી છે.

  • 03 Jun 2021 03:38 PM (IST)

    કેરળમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ, 20 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસુ

    દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે વિધિવત્ત રીતે કેરળમાં બેસી ગયુ હોવાની જાહેરાત ભારતીય હવામાન વિભાગે કરી છે. આ વર્ષે ચોમાસુ પહેલી જૂનના રોજ બેસી જશે તેવી આગાહી અગાઉ હવામાન વિભાગે કરી હતી. જેની તારીખ પાછળથી 3 જૂને ચોમાસુ બેસસે તેવી જાહેરાત કરી હતી. જો કે, પહેલી જૂનને બદલે ત્રીજી જૂનના રોજ ચોમાસુ બેસી ગયુ છે.

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા બે દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ, કેરળથી આગળ વધીને તામિલનાડુ, પોડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, રાયલસીમાના વિસ્તારમાં બેસી જશે. અનુકુળ વાતાવરણ સાપડતા જ ચોમાસુ ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશ તરફ તરફ આગળ વધશે.

  • 03 Jun 2021 02:19 PM (IST)

    Ahmedabad : જજ ઉપર ચપલ ફેકનારને 18 મહિનાની કેદ

    ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી ઉપર ચપ્પલ ફેંકનાર આરોપીને, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 18 મહિનાની સજા ફટકારી છે.

    આરોપી ભવાનીદાસ માયારામ બાવાજી માર્ગીએ, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી ઉપર ચાલુ કોર્ટે ચપ્પલ ફેંકી સરકારી કામમાં રુકાવટ ઊભી કરવાનો કેસ ચાલતો હતો. આ કેસના નવ વર્ષ બાદ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ભવાનીદાસ બાવાજીને 18 મહિનાની કેદની સજા ફટકારી છે.

  • 03 Jun 2021 01:26 PM (IST)

    Surat : ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ, સ્કુલ, ટેક્સટાઈલ માર્કેટની દુકાનો સીલ

    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને, ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતી, હોસ્પિટલ, શાળા અને ટેકસટાઈલ માર્કેટની દુકાનોને સીલ કરી દેવાઈ છે. ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન વિનાની ઈમારતો સામે દાખવેલી કડકાઈ બાદ વિવિધ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરાય છે. જેના ભાગરૂપે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને, એકતા ટેક્સટાઈલ માર્કેટની 102 દુકાનો સીલ કરી નાખી છે. તો નાનપુરા વિસ્તારની જીવનભારતી અને સૈયદપુરા વિસ્તારમાં આવેલ એ એમ મીર સ્કુલને સીલ કરી દેવાઈ છે.

  • 03 Jun 2021 01:20 PM (IST)

    Kutch : ખાવડા નજીક આવેલા ભૂંકપથી કચ્છની ઘરતી ધણધણી ઉઠી

    કચ્છ જિલ્લાની ધરતી ફરી એકવાર ભૂંકપથી ધણધણી ઉઠી છે. કચ્છ જિલ્લાના ખાવડા નજીક ભૂંકપનો આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂંકપની તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ નોંધાઈ હતી. ખાવડાથી 22 કિલોમીટર દૂર ભૂંકપનું કેન્દ્ર બિદુ નોંધાયુ છે. આ ભૂંકપનો આંચકો વહેલી પરોઢના 3.54 કલાકે આવ્યો હતો.

  • 03 Jun 2021 01:14 PM (IST)

    Bardoli - Surat : બારડોલી નગરપાલિકાના  ભાજપના કોર્પોરેટરનો બિભત્સ વિડીયો વાયરલ, પક્ષે કર્યા સસ્પેન્ડ

    સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો બિભત્સ વિડીયો વાયરલ થતા નગરમાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર એકના કોર્પોરેટરનો બિભત્સ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેને લઈને સુરત જિલ્લા ભાજપના પ્રમુખે, ચૂંટાયેલા કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પન્ડ કર્યા છે. દરમિયાન એવી હકીકત સામે આવી છે કે, કોર્પોરેટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. બારડોલીમાં આ પ્રકારે અનેક લોકો હનીટ્રેપનો શિકાર બન્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

  • 03 Jun 2021 12:44 PM (IST)

    Ahmedabad : BU મુદ્દે 44 હોસ્પિટલને AMC એ આપેલી નોટીસ રદ નહી થાય- હાઈકોર્ટ

    બિલ્ડીગ યુઝ પરમીશન વિના જ ધમધમતી અમદાવાદ શહેરની 44 હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ ફટકારી છે. આ નોટીસ રદ કરવા માટે, હોસ્પિટલ દ્વારા હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે, એએમસીએ આપેલી નોટીસ રદ કરવા ઈન્કાર કર્યો છે. કોરોનાના દર્દીઓ દાખલ હોય તેવી હોસ્પિટલોને, દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં મોકલી આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.

  • 03 Jun 2021 12:26 PM (IST)

    Ahmedabad : સરખેજમાંથી ગેરકાયદે ધમધમતુ કોલ સેન્ટર ઝડપાયુ

    અમદાવાદમાંતી ગેરકાયદે ઘમઘમતુ કોલ સેન્ટર ઝડપાયુ છે. અમદાવાદના સરખેજ પોલીસ મથકની હદમાં આવેલ ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતુ હતું. ગેરકાયદે કોલ સેન્ટરમાંથી  વિદેશી નાગરિકોને લોન આપવા કોલ કરવામાં આવતા હતા. પોલીસે, ગેરકાયદે ચલાવાતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર અંગે ચાર આરોપીની ધરપકડ કરી છે.

  • 03 Jun 2021 12:23 PM (IST)

    સુરતમાં લાગ્યા પોસ્ટર, રોડની જેમ કોર્પોરેટરો ગયા ખાડામા

    સુરતમાં સ્થાનિક નાગરિકોએ ચૂટાયેલા કોર્પોરેટરો સામે અનોખો વિરોધ કર્યો છે.  ચાર મહિનાથી ખોદી કાઢવામાં આવેલ રોડ ફરીથી ના બનાવતા, સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરના નામ અને ફોટા સાથે પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં લખ્યુ હતુ કે, આ રોડની જેમ ચૂંટાયેલા કોર્પોરેટર ખાડામા ગયા છે.

    પોતોના પોસ્ટરો લાગ્યા હોવાના સમાચાર જાણીને કોર્પોરેટરોએ રાતોરાત પોસ્ટરો દૂર કરાવી દીધા છે. અને રોડ બનાવવા માટે મનપામાં જાણ કરી હતી. જો કે, રોડ ના બનતા સ્થાનિકોમાં હજુ પણ રોષની લાગણી છે.

    સુરતમાં રોડના મુદ્દે કોર્પોરેટર વિરુધ્ધ લાગ્યા પોસ્ટર

  • 03 Jun 2021 12:11 PM (IST)

    Ahmedabad : શહેરમાં AMC બનાવશે જંગલ

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ( AMC ) અમદાવાદ શહેરમાં જંગલ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઓગણજ ગોતા રોડ ઉપર 40 હજાર વાર જમીનમાં, AMC દ્વારા 20,000 વૃક્ષ વાવીને જંગલ બનાવાશે. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને AMC દ્વારા 113 લાખ છોડ રોપવાનો લક્ષ્યાંક AMCએ નક્કી કર્યો છે. ગયા વર્ષે AMC એ 10 લાખ છોડ રોપ્યા હતા. જો કે વાવેલા છોડમાંથી કેટલા છોડ જીવી ગયા તેનો આકડો જાહેર નથી કરાતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ જોરશોરથી યોજે છે પરંતુ વાવેલા વૃક્ષનું જતન થાય અને તે ઝાડમાં ફેરવાય તેવા પગલા ઓછા લેવાય છે.

  • 03 Jun 2021 12:07 PM (IST)

    Ahmedabad : પશ્ચિમ અમદાવાદની 10 બિલ્ડીગના 259 યુનીટને કરાયા સીલ

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બીયુ પરમીશન વિનાની 10  બિલ્ડીગના 259 યુનીટ અને રામોલ તથા ગેરતપૂરની  શાળાને સીલ કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફટી અને બીયુ પરમીશન વિનાની ઈમારતો અંગે આપેલા દિશા નિર્દેશને પગલે, AMC ના એસ્ટેટ વિભાગે બીયુ વિનાની ઈમારતો સામે પગલા ભરવાની કામગીરી ચોથા દિવસે પણ  યથાવત રાખી છે.

    અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 10 ઈમારતોના 259 યુનીટ ઉપરાંત, ગેરતપુર અને રામોલ વિસ્તારની બે શાળાઓને પણ સીલ કરી દેવાઈ છે. જેમાં રામોલની નવરચના સ્કૂલના 23 જ્યારે ગેરતપુરની માતંગી સ્કૂલમાં  6 યુનિટ એમ કુલ 29 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. નિટ એમ કુલ 29 યુનિટ સીલ કરવામાં આવ્યા

  • 03 Jun 2021 10:09 AM (IST)

    Surat : મ્યુકરમાઈકોસીસથી એક દર્દીનુ મોત, પાંચ દર્દીની આંખ કાઢવામાં આવી

    સુરતમાં મ્યુકરમાઈકોસીસના એક દર્દીનું મોત નિપજ્યુ છે. જ્યારે પાંચ દર્દીનું ઓપરેશન કરીને આંખને દૂર કરવામાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં, મ્યુકરમાઈકોસીસના 53 દર્દીઓ, સુરત સિવીલ હોસ્પિટલમાં 141 દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી  ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 565 દર્દીઓએ મ્યુકરમાઈકોસીસની સારવાર લીધી છે. જેમાં 30 દર્દીઓના મોત નિપજ્યા છે.

  • 03 Jun 2021 10:02 AM (IST)

    Rajkot : વાલી મંડળે કરેલી રજૂઆત બાદ, 20 શાળાઓ સામે તપાસના આદેશ

    રાજકોટ શહેરમાં નામાકિંત શાળાઓ દ્વારા ફિ લેવા અને વેકેશન હોવા છતા ધોરણ 11ના વર્ગ શરૂ કરી દેવાના મુદ્દે વાલી મંડળે, જિલ્લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરી હતી. જેના આધારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ, મોદી, ધોળકિયા, રાજકોટ પબ્લિક સ્કુલ,  ઉડાન ઉત્કર્ષ સહીતની શાળાઓ સામે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં શાળાઓની ગેરરીતિ કે વાલીઓએ કરેલી ફરીયાદ અંગે સત્યતા સામે આવશે તો, શાળાઓ સામે કાનુની પગલા લેવાશે.

  • 03 Jun 2021 09:29 AM (IST)

    Surat : કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલી- વિદ્યાર્થીઓમાં રોષ

    કોરોનાકાળને કારણે, ગુજરાતમાં આ વર્ષે પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. ધોરણ 1થી 8ને પ્રાથમિક શાળામાં અને 9થી 12ને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરે સમાવેશ કરાયો હોવાથી, કેટલીક શાળાઓ માટે માસ પ્રમોશને કફોડી સ્થિતિ સર્જી છે. પ્રાથમિકમાંથી માધ્યમિકમાં પ્રવેશ સામે નવા વર્ગ ના હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સંકટ ઉભુ થયુ છે.

  • 03 Jun 2021 08:18 AM (IST)

    Aravalli : મોડાસા, મેઘરજ, ભિલોડા, ધનસુરા વિસ્તારમાં વરસ્યો વરસાદ

    ઉતર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાની માફક જ, અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના  મોડાસા, મેધરજ, ભિલોડા, ધનસુરા તાલુકાના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે, આજે વહેલી સવારે વરસાદ વરસ્યો છે.

  • 03 Jun 2021 07:59 AM (IST)

    Panchmahal : ગોધરા દાહોદ બાયપાસ રોડ પર બાઈક-કાર વચ્ચે અકસ્માત, 3ના મોત

    પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદ બાયપાસ હાઈવે પર, કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યકિતઓના મોત નિપજ્યા છે. ગોધરા દાહોદ બાયપાસ હાઈવે પર અમીન પેટ્રોલ પંપ નજીક થયેલા અકસ્માતમાં, ગોધરાના નવા બહારપુરા વિસ્તારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

  • 03 Jun 2021 07:55 AM (IST)

    Banaskantha : ડીસા, કાંકરેજ, દિયોદર, લાખણી તાલુકામાં વરસાદ

    બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફુકાતા, કેટલાક  કાચા મકાન અને ઝુપડાઓને નુકસાન થયુ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

  • 03 Jun 2021 07:51 AM (IST)

    Sabarkantha : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસાદ

    સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી પરોઠે, સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલીમાં અચાનક જ વરસાદ તુટી પડ્યો હતો. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે કાળઝાળ ગરમીમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Published On - Jun 03,2021 10:30 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">