Gujrat New CM Bhupendra Patel: રાજકારણમાં સરપ્રાઈઝ કિંગ બન્યા પીએમ મોદી

ગુજરાતની રાજનીતિમાં વિજય રૂપાણીના(Vijay Rupani) રાજીનામા બાદ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત તમામને અચંબામાં મૂકી દેનારી હતી.

Gujrat New CM Bhupendra Patel: રાજકારણમાં સરપ્રાઈઝ કિંગ બન્યા પીએમ મોદી
Gujarat CM Bhupendra Patel

અમદાવાદના બોપલમાં ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરી રહ્યાં હતા, તે સમયે તેમને વિચાર્યુ પણ નહીં હોય કે દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પરથી તેમનું નામ મુખ્યમંત્રી તરીકે પસંદ થઈ ગુજરાત (Gujarat) આવી ચૂક્યું છે.

 

ગુજરાતની રાજનીતિમાં વિજય રૂપાણીના(Vijay Rupani) રાજીનામા બાદ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત તમામને અચંબામાં મૂકી દેનારી હતી. પીએમ નરેન્દ્ર મોદીને રાજનીતિના સરપ્રાઈઝ આપવામાં માહેર માનવામાં આવે છે. જે નામ સૌથી વધારે ચર્ચામાં હોય તેનાથી અલગ અચાનક એક એવું નામ સામે આવે છે, જે નામ ટોપ 20માં પણ સંભવિત નામની સૂચિમાં પણ નહતું.

 

પીએમ મોદીનું સરપ્રાઈઝ 

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાથી એ બાબત સ્પષ્ટ છે કે દેશની કમાન સંભાળી રહેલા વડાપ્રધાન મોદી પોતાના ગૃહ રાજ્યને લઈને કેટલા સતર્ક છે. ગુજરાત પર પીએમ મોદીની મજબૂત પકડ યથાવત છે. ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારી તેમણે એક તીરથી અનેક નિશાન લગાવ્યા છે.

 

પાટીદાર પાવર

નરેન્દ્ર મોદીના સમયમાં પણ પટેલ સમાજના એક વર્ગે ભાજપ સામે બળવો કર્યો હતો. જો કે ગુજરાતની નાડીથી વાકેફ નરેન્દ્ર મોદીએ સરળતાથી તેનો ઉકેલ લાવ્યા હતા. એટલું જ નહીં દિલ્હી ગયા બાદ અને આનંદીબેન પટેલને સીએમ પદેથી દૂર કર્યા બાદ ઉભા થયેલા પાટીદાર આંદોલનની આગને તેમને ઠંડી પાડી દીધી હતી.

 

લોકસભા ચૂંટણીઓમાં રાજ્યની તમામ બેઠકો ભાજપના ખાતામાં આવવી નરેન્દ્ર મોદીની પટેલ સમાજમાં  લોકપ્રિયતા યથાવત હોવાનો પુરાવો છે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં મોદી ફેક્ટરે જ પટેલ આંદોલનની અસરો વચ્ચે પક્ષની નાવને બચાવીને સત્તાના કિનારે લગાવી હતી.

 

ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે તો આઈન્સટાઈન નરેન્દ્ર મોદી જ છે. પટેલ સમાજ પરંપરાગત રીતે છેલ્લા અઢી દાયકાથી ભાજપ સાથે રહ્યો છે. પાર્ટીના પ્રથમ સીએમ કેશુભાઈના સમયગાળામાં સંગઠન નરેન્દ્રભાઈના ગણિતના લીધે સરકાર બનાવવાનો લક્ષ્ય હાંસલ કરી શક્યું. ભાજપનું કરોડરજ્જુ મનાતા આ સમાજનું 15-20 ટકા મત પર પ્રભુત્વ છે. રાજકીય રીતે જાગૃત પટેલ સમાજ અનામતની માંગને લઈને અડગ રહ્યો અને તેના ભાજપના સાથેના સંબંધો બગડવાની શરૂઆત થઈ.

 

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગુસ્સાનો સામનો કરવો ભારે પડી શકે તેમ છે. જ્યારે હાલ કોરોનાનો પડકાર અને કાર્યકર્તાઓના અધિકારી રાજને લઈને કચવાટ વધી રહ્યો છે. તેવા સમયે પીએમ મોદીએ કથિત મોટા પાટીદાર નેતાઓની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને સામાન્ય કાર્યકરથી પ્રથમવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી.

 

ભૂપેન્દ્ર પટેલ સીએમ મોદીના કાર્યકાળ દરમ્યાન અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ તેઓ બે વાર મેમનગર નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો પક્ષના નેતાઓની વાત માનીએ તો વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલની ઈમેજ આમ આદમી જેવી રહી છે. પટેલ સમાજની મહત્વની સંસ્થાઓ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. તેમની પસંદગી પીએમ મોદી તરફથી પાટીદાર સમાજને મળેલી ભેટ છે.

 

જુથવાદ અને ખેંચતાણ

રાજ્યમાં ભાજપમાં એક સમયે પીએમ મોદીના નજીકના નેતાઓ અમિત શાહ અને આનંદીબેન પટેલના સમર્થકો વચ્ચે જુથવાદ અને ખેંચતાણની ચર્ચા ચાલતી હતી. ભૂપેન્દ્ર પટેલની પસદંગી કરીને પીએમ મોદીએ જુથબંધી પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

 

અમિતભાઈના જૂના વિધાનસભા વિસ્તાર ઘાટલોડિયાથી વર્ષ 2017માં જીતીને આવેલા ભૂપેન્દ્ર પટેલને અમિત શાહની સહમતિ મળી છે સાથે જ તેમને આનંદીબેન પટેલના નજીકના પણ માનવામાં આવે છે. આનંદીબેન પટેલ સીએમ હતા, ત્યારે ભૂપેન્દ્ર પટેલને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (Auda)ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. સત્તાની ગલીઓમાં તેમની પસંદગી પીએમ મોદીની કોઠાસૂઝને માનવામાં આવે છે.

 

પડકાર

ભૂપેન્દ્ર પટેલ સામે ભાજપને પાટીદાર સમાજનો સાથ સુનિશ્ચિત કરવાનો મોટો પડકાર છે. તેમણે સંગઠન સાથે પણ તાલમેલ રાખવો પડશે. તેમજ સીધા પીએમ મોદીની પસંદગીથી આવેલા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલ અનુભવ અને રાજનીતિમાં તેમના સિનિયર છે. તેમજ પાર્ટીઓના સિનિયર નેતાઓને પણ સાથે લઈને ચાલવું તેમની માટે પડકાર છે.

 

રાજ્ય સ્તર પર વહીવટી અનુભવની કમીને જોતા ગુજરાતમાં અધિકારી રાજની છબીને નાબૂદ કરીને કેવી રીતે કડક પ્રશાસક બનશે તે જોવું રહ્યું. પીએમ મોદીના આશીર્વાદ તો મળ્યા છે, પરતું પીએમ મોદીના લક્ષ્યોને હાંસલ કરવા સૌથી મોટી પરીક્ષા હશે.

 

વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતનું સીએમ કોણ તેના સવાલ પર નેતાઓ અને રાજકીય પંડિતોએ અનુમાનમાં રચ્યા પચ્યા રહેવું પડ્યું. તેમજ આ દરમ્યાન પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલનું નામ આગળ કરીને એ સાબિત કરી દીધું કે સરપ્રાઈઝ આપવામાં તેમનો કોઈ હરીફ નથી.

 

( લેખક -કલ્પક કેકરે ટીવી9 ગુજરાતીના ચેનલ હેડ છે )

Click on your DTH Provider to Add TV9 Gujarati