AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 ઓકટોબરના મહત્વના સમાચાર : હવામાન વિભાગની આગાહી: સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ રહેશે વરસાદી વાતાવરણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2025 | 9:17 PM
Share

Gujarat Live Updates આજ 26 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 ઓકટોબરના મહત્વના સમાચાર : હવામાન વિભાગની આગાહી: સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ રહેશે વરસાદી વાતાવરણ

આજે 26 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Oct 2025 09:00 PM (IST)

    છોટાઉદેપુરઃ કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન

    છોટાઉદેપુરઃ કમોસમી વરસાદથી ખેતીને પારાવાર નુકસાન થયુ છે. નસવાડી તાલુકામાં ડાંગરના પાકને ભારે નુક્સાન પહોંચ્યુ છે. ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે છોડ પરથી ફૂલ ખરી પડ્યા છે. માવઠાથી તૈયાર થયેલા ડાંગરના પાકમાં નુક્સાન ગયુ છે. કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે.

  • 26 Oct 2025 08:37 PM (IST)

    ભાવનગર: રસાલા કેમ્પમાં એક યુવકની કરાઈ હત્યા

    ભાવનગર: રસાલા કેમ્પમાં એક યુવકની હત્યા કરી દેવાઈ છે. ખેતા ખાટલીના ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના જ બે મિત્રએ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરિવારજનોએ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકના મિત્રોની આકરી પૂછપરછ હાથ ધરી છે.

  • 26 Oct 2025 08:15 PM (IST)

    ગીર સોમનાથ: પ્રશાસનના પરિપત્રનો ઉલાળીયો

    ગીર સોમનાથ: પ્રશાસનના પરિપત્રનો ઉલાળીયો જોવા મળ્યો, દરિયામાં નાહવા પર પ્રતિબંધ છતાં પ્રવાસીઓએ નિયમ ભંગ કરી નહાવા પડ્યા હતા, અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે હાલ દરિયો તોફાની બન્યો છે, ત્યારે દરિયામાં કરંટ છતાં કેટલાંક પ્રવાસીઓ દરિયાની અંદર પહોંચ્યા હતા.  હાલ ગીર સોમનાથના કાંઠે દરિયામાં મોજા ખૂબ ઊંચા ઊછળી રહ્યા છે. તેમ છતાં પ્રવાસીઓ તંત્રના પરિપત્રનો ભંગ કરી દરિયામાં નાહવા પડતા અનેક સવાલ ઊઠ્યા છે.

  • 26 Oct 2025 07:50 PM (IST)

    સાબરકાંઠામાં ચેકિંગ દરમિયાન 80 લાખનુ ડ્રગ્સ ઝડપાયુ

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન 79 લાખ 21 હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રેલવે પોલીસની તપાસ દરમિયાન અજાણ્યો શખ્સ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મુકીને ફરાર થયો હતો. ઈન્દોરથી અમદાવાદના અસારવા જઈ રહેલી વિરભૂમી એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સના જથ્થાની આરોપી હેરફેરી કરાતો હતો. થેલામાં કપડાની નીચે સંતાડીને ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી રેલવે પોલીસે સીસીટીવી અને ટિકિટ આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપવા કાર્યવાહી હાથ ધરી

  • 26 Oct 2025 07:25 PM (IST)

    ભાવનગરમાં બુટ ભવાની મંદિરમાંથી દાનપેટીની ચોરી

    ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલા બુટ ભવાની માતાના મંદિરમાં પહેલા ચોર માતાજીના પગે લાગ્યો અને ત્યારબાદ કરી દાનપેટીમાં રહેલા રોકડની ચોરી. બેસતા વર્ષના દિવસે તસ્કરો મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરો દાનપેટીમાં રહેલી આશરે ₹45,000 થી ₹50,000 રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં એક તસ્કર દાનપેટી સાયકલ પર લઈને જતો જોવા મળ્યો. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

  • 26 Oct 2025 07:07 PM (IST)

    30 ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની આગાહી

    અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 30 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાના એંધાણ છે. આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.  કચ્છ સહિત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે.  દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • 26 Oct 2025 06:47 PM (IST)

    હાલોલના શિવરાજપુર પાસે ST અને કાર વચ્ચે અકસ્માત

    પંચમહાલઃ હાલોલના શિવરાજપુર પાસે ST અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સુરતથી બારિયા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો.

  • 26 Oct 2025 06:30 PM (IST)

    જામનગર: બાળકી સાથે શારીરિક અડપલાં કરનારો વૃદ્ધ ઝડપાયો

    જામનગર: બાળકી સાથે શારીરિક અડપલાં કરનારો વૃદ્ધ ઝડપાયો છે. પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી છે. પંચેશ્વર ટાવર રોડ પર બાળકી સાથે વૃદ્ધે અડપલાં કર્યા હતા. CCTV વાયરલ થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

  • 26 Oct 2025 06:16 PM (IST)

    નવસારીમાં શેરડીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોને પડતા પર પાટુ

    કમોસમી વરસાદને પગલે. શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો પડતા પર પાટુંની જેમ દિવાળી દરમિયાન શેરડી પકવતા અનેક ખેડૂતોના ખેતર આગની ઝપેટમાં આવ્યાની ઘટના ઘટી. એક તરફ શેરડીમાં નુકસાનીએ ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી તરફ સુગર ફેક્ટરીઓને પણ મોટાપાયે નુકસાનની ભીતિ છે. ગુજરાતમાં 22 જેટલી ખાંડ મંડળીઓ આવેલી છે. જેમાંથી 13 હાલ કાર્યરત છે. ગુજરતામાં 1.34 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. જેનું ટર્ન ઓવર 4 હજાર કરોડ છે. અને લગભગ સાડા ચાર લાખ ખેડૂતો સુગર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ, વરસાદી માહોલને પગલે હાલ ખેતરથી શેરડી ફેક્ટરીઓ સુધી પહોંચાડવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

  • 26 Oct 2025 06:00 PM (IST)

    છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાની

    માવઠાની આગાહીએ ચિંતા વધારી છે. સતત 2 દિવસથી વિવિધ જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છોટાઉદેપુરમાં પણ 2 દિવસથી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયુ છે. લણણી સમયે જ ખાબકી રહેલા વરસાદને કારણે ડાંગર, સોયાબીન, અડદ સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂતો નુકસાની સામે સરકાર મદદ કરે તેવી માગ કરી રહ્યા છે.

  • 26 Oct 2025 05:30 PM (IST)

    ગુજરાતના માથે વધુ એક સંકટ, આગામી 5 દિવસ માવઠાની આગાહી

    ગુજરાતમાં બદલાતી આબોહવાની પેટર્નના કારણે કમોસમી વરસાદ થવાની પૂરી શક્યતા છે..જો કે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને ઘણી જગ્યા પર તેની અસર પણ વર્તાવવાની શરૂઆત થઇ ગઇ છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે.. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

    આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે.

  • 26 Oct 2025 05:10 PM (IST)

    રાજકોટ: દુર્લભ પ્રાણી પેંગોલિનની તસ્કરીનો થયો પર્દાફાશ

    રાજકોટ: દુર્લભ પ્રાણી પેંગોલિનની તસ્કરીનો થયો પર્દાફાશ થયો છે. શિડ્યુલ-1ના પ્રાણી પેંગોલિનનો સોદો કરવા ટોળકી નીકળી હતી. જો કે વનવિભાગે અને પોલીસે સમયસૂચક્તા દાખવી પેંગોલિનનો સોદો થાય તે પહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ગીર સોમનાથના ઘાંટવડ ગામેથી પેંગોલિનનું રેસ્ક્યૂ કરાયુ છે. જંગલ વિસ્તારમાંથી શખ્સોએ પેંગોલિનની તસ્કરી કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પેંગોલિનની કરોડો રૂપિયા કિંમત છે. એક પેંગોલિનની કિંમત અંદાજે કિલો દીઠ એક થી દોઢ કરોડ રૂપિયા હોય છે. ત્યારે રેસક્યુ કરાયેલા 18 કિલોના પેંગોલિનની કરોડો રૂપિયામાં કિંમત છે.

  • 26 Oct 2025 04:45 PM (IST)

    જુનાગઢના ઝાંઝરડામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન

    કારતકમાં “અષાઢી” માહોલ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠાના મારને લીધે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢના ઝાંઝરડા ગામમાં મગફળી અને સોયાબીનના ઊભા પાક ઢળી પડ્યા છે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ ટેકાના ભાવે મગફણીની ખરીદી અંગે પણ અસમંજસ છે. જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે.

  • 26 Oct 2025 04:14 PM (IST)

    દિયોદરમાં ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર દેખાયા

    દિયોદરમાં ઠાકોર સમાજના કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા. ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ એકબીજાના હાથ પકડીને બતાવી રાજકીય એક્તા બતાવી. આ તકે અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, કેસાજી ચૌહાણ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર, અને અમૃતજી ઠાકોર પણ બેઠકમાં હાજર હતા. અલ્પેશ ઠાકોર સમાજના રાજકારણમાં સક્રિય હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ તકે અલપેશ ઠાકોરે જણાવ્યુ કે હાલમાં ભલે એક પ્રધાન હોય, આગામી સમયમાં આપણી સરકાર આવશે, વધુમાં તેમણે ઉમેર્યુ કે કોઈને પણ તમારા ખભાનો ઉપયોગ કરવા દેતા નહીં. આગામી સમયમાં સમાજમાંથી દૂષણો દૂર કરવા ભેગા મળીને પ્રયાસ કરાશે.

  • 26 Oct 2025 04:11 PM (IST)

    ગોધરામાં ખેડૂતોએ કાપીને સુકવવા મુકેલ ડાંગર માવઠામાં પલળી જતા મોટુ નુકસાન

    પંચમહાલના ગોધરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. શનિવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માવઠાને પગલે ખેડૂતોનો કાપીને સુકવવા મુકેલો ડાંગરનો પાક પણ પલળી ગયો છે. તો બીજી તરફ કાપણી વગરનો ઊભો પાક પણ ઢળી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં લગભગ 49 હજાર 123 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ, હાલ ખેડૂતોને જાણે માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. પશુઓ માટેનો ઘાસચારો પણ સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.

  • 26 Oct 2025 04:10 PM (IST)

    અમદાવાદના વારણા ગામે મહિલાઓ દેશી દારૂનું વેચાણ કરતી જોવા મળી

    અમદાવાદ: દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણનો વીડિયો વાયરલ થયો છે. જેમા વારણા ગામે મહીલાઓ દેશી દારૂનું વેચાણ કરતી નજરે પડી.  વટામણ પોલીસ ચોકીથી 2 કિમીના અંતરે આવેલા વારણા ગામનો વીડિયો સામે આવ્યો છે. ધોળકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે.  દારૂબંધીના ધજાગરા ઉડતા કોઠ પોલીસ સામે સવાલ ઉઠ્યા છે. ખુલ્લેઆમ દારૂના વેચાણથી દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે.

  • 26 Oct 2025 02:51 PM (IST)

    નવસારીમાં લૂંટ કરતા પકડાયેલા આરોપીઓએ કરી કબૂલાત, ગીર ગઢડાના બંધારડા ગામની વૃદ્ધાનીં લૂંટના ઈરાદે હત્યા કરી 

    ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામે 80 વર્ષીય ગુમ થયેલ વૃદ્ધાનો અપહરણ, લૂંટ વિથ મર્ડરનો ગુન્હો નોંધાયો છે. ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના જીવીબેન રામભાઈ બાબરીયા નામના વૃધ્ધા ગત તા.8 ઓગસ્ટથી બેંકથી પૈસા ઉપાડીને પરત થતા ગુમ થયેલ હતા. ગુનેગારો દ્વારા નવસારી જિલ્લામાં લૂંટ કરતા પકડાતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. તા.8 ઓગસ્ટના રોજ વૃદ્ધાને લૂટના ઇરાદે કારમાં બેસાડી મોત નિપજાવી જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ખાડીમાં અવાવરૂ જગ્યાએ નાખી દીધેલ હતા. 1 સપ્ટેમ્બરના જાફરાબાદ પોલિસે ખાડીમાંથી વૃધ્ધાનુ હાડપીંજર મેળવી ગાંધીનગર DNA માટે મોકલી આપેલ છે.  પરિવારના સભ્ય સાથે DNA મેચ થતા આજ રોજ ગીર ગઢડા પોલીસ મથકે અપહરણ, હત્યા અને લૂંટનો ગુન્હો નોંધ્યો છે. હત્યામાં સામેલ 2 આરોપી હાલ નવસારી જેલમાં છે, જ્યારે એક આરોપીની ગીર ગઢડા પોલીસે અટક કરી છે. જ્યારે એક બાળકિશોર છે…અને એક હિસ્ટ્રી શીટર આરોપી ફરાર છે.

  • 26 Oct 2025 02:35 PM (IST)

    વડોદરાના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

    વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. ગોત્રી, સયાજીગંજ, ન્યૂ અલકાપુરી, ફતેગંજ, ગોરવા, નિઝામપુરા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતાં રોગચાળો વધવાની શક્યતા રહેલી છે.  ધીમેધીમે વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું છે.

  • 26 Oct 2025 02:18 PM (IST)

    બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની ત્રીજીવાર બીન હરીફ વરણી

    બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની ત્રીજીવાર બીન હરીફ વરણી થવા પામી છે. વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. આજે મળેલ બનાસડેરીના નિયામક મંડળની બેઠકમાં ચેરમેનપદે શંકર ચૌધરી પર પસંદગી ઢોળી હતી. ચેરમેન પદની વરણી પહેલા, ડેરીના  16 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી.  શંકર ચૌધરી 2015 ત્યારબાદ 2020 અને 2025 ની આ ત્રીજી ટર્મમાં બિનહરીફ બનાસડેરીના ચેરમેન બન્યા છે. બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16 માંથી 15 બેઠકો થઈ હતી બિનહરીફ.

  • 26 Oct 2025 02:16 PM (IST)

    ડિપ્રેશનના પગલે તોફાની બનેલા દરિયામાં, માછીમારની બોટ નવાબંદર નજીક ડૂબી, 8 ખલાસીઓને બચાવાયા

    ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદરની બોટે મધદરિયે જળસમાધિ લીધી છે. બોટમાં સવાર આઠ ખલાસીને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. નવાબંદરની “સુરજ સલામતિ”નામની બોટ 13 નોટીકલ માઈલ દૂર મધદરિયે ડૂબી હતી. અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસરને લઈને દરિયો ભારે તોફાની બન્યો છે. 24 તારીખના ગયેલ બોટ તોફાની દરિયામાં હોવાથી પરત ફરી રહી હતી. ગત સાંજે 25 તારીખના 5 વાગ્યે આ ઘટના ઘટી. ભારે ઉછળતાં મોજાની થપાટે નવાબંદરથી 13 નોટીમાઈલ દુર દરિયામાં બોટ પલ્ટી મારી ગઈ. કાનાભાઇ બાવાભાઈ સોલંકીની માલિકીની બોટ “સુરજ સલામતિ” નંબર GJ 14 MM 2010 દરિયામાં જળસમાધિ લીધી.

  • 26 Oct 2025 02:02 PM (IST)

    હવામાન વિભાગની આગાહી: સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ, જ્યારે બાકીના ગુજરાતમાં ચાર દિવસ રહેશે વરસાદી વાતાવરણ

    અરબી સમુદ્રમાં ડિપ્રેશન આકાર પામતા, હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જયારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

  • 26 Oct 2025 01:31 PM (IST)

    છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપને ફટકો, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે આપ્યું રાજીનામું

    છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે. તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી. ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપ છોડવાના આપી રહ્યા હતા સંકેત. આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં છે કાર્યક્રમ. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

  • 26 Oct 2025 01:19 PM (IST)

    ખોડલધામ ખાતેથી કોંગ્રેસ મંગળવારથી શરૂ કરશે ચૂંટણી અભિયાન

    કોંગ્રેસ ખોડલધામથી કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. મંગળવારે કોંગ્રસ પ્રમુખ, પ્રભારી સહિત નેતાઓ ખોડલધામ જશે. ખોડલધામ મંદિરે ધ્વજા ચડાવી આર્શિવાદ લેશે. નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ ખોડલધામથી કરશે. ધ્વજા ચડાવી બોટાદમાં ખેડૂત સંમેલન યોજશે. કોંગ્રેસ વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન પણ ત્યાંથી જ શરૂ કરશે. સૌરાષ્ટ્રની તમામ જિલ્લા પંચાયત બેઠકો દીઠ કાર્યક્રમો યોજવામાં આવશે. ખોડલધામ મંદિર પાટીદાર સમાજ માટે છે આસ્થાનું કેન્દ્ર.

  • 26 Oct 2025 01:17 PM (IST)

    આજે શંકર ચૌધરી બનશે બનાસડેરીના ચેરમેન

    બનાસકાંઠામાં આવેલ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન પદે આજે થશે વરણી.  બનાસ ડેરી ખાતે નિયામક મંડળની બેઠકમાં લેવાશે નિર્ણય. 16 ડિરેક્ટરોની બેઠકમાં લેવાશે નિર્ણય. બનાસ ડેરીની ડિરેક્ટર પદની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો થઈ હતી બિનહરીફ. ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન પડે શંકર ચૌધરી બને તેવી શક્યતાઓ છે.

  • 26 Oct 2025 01:13 PM (IST)

    વરસાદી વાતાવરણ-તેજ પવનને કારણે ગિરનાર રોપ વે સેવા બંધ કરાઈ

    જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણને લઇને ગિરનાર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વરસાદી વાતાવરણ અને ફુંકાતા તેજ પવનને પગલે લેવાયો નિર્ણય. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપ વે સેવા બંધ કરાઇ છે.

  • 26 Oct 2025 11:43 AM (IST)

    સવારના 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ કવાંટમાં દોઢ ઈંચ વરસાદ

    અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર હેઠળ આજે રવિવારે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 53 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. સંખેડામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં પણ સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • 26 Oct 2025 11:39 AM (IST)

    આજે લાભ પાંચમથી ધમધમતુ થઈ રહેલ સુરત

    આજે લાભ પાંચમના દિવસથી ધીમે ધીમે ફરી સુરત ધમધમતું થઈ રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ દુકાનદારો મૂહર્ત કરીને ઓફિસો, દુકાનો ખોલી રહ્યા છે.  લાભ પાંચમના શુભ દિને વેપારીઓ નવા હિસાબી ચોપડા ખોલી તેના પર સ્વસ્તિક અને લાભ શુભનું ચિહ્ન કરી ભગવાની પૂજા અર્ચના કરી રહ્યા છે. શરૂ થઈ રહેલ આખા વર્ષ દરમિયાન વેપાર – ધંધામાં લાભ, પ્રગતિ અને સૌભાગ્ય વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સુરત શહેરનો કાપડ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.

  • 26 Oct 2025 11:38 AM (IST)

    પાવાગઢ ડૂંગર તળેટી વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ

    યાત્રાધામ પાવાગઢમાં વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડૂંગર તળેટી વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. વરસાદને પગલે મંદિર તરફ જવાના રસ્તા થયા પાણી પાણી.

  • 26 Oct 2025 11:09 AM (IST)

    વાસ્તુ પ્રસંગે છાસ પીધા બાદ 60ને થયું ફુડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં લોકોને મોડી રાત્રે ફુડ પોઈઝનિંગની અસર થતા અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગામમાં અંદાજે 60 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી ગઈ છે. ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ પરિવારજનો સહિત પ્રસંગમાં આવેલ લોકોની તબિયત લથડી. ભોગ બનનાર લોકોને લીંબડી તેમજ વઢવાણ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. આ બનાવને પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓ સહિતનાઓએ હોસ્પિટલ તેમજ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી.

  • 26 Oct 2025 11:05 AM (IST)

    ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ

    ગીર સોમનાથના સુત્રાપાડામાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાત્રે બે કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્તા ભારે નુકશાન થયું છે. અત્યારે પણ ધીમીધારે જિલ્લા ભરના અનેક વિસ્તારો માં વરસાદ વરસી રહ્યો છે.

  • 26 Oct 2025 09:16 AM (IST)

    આજે લાભપાંચમે, ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાન પ્રવીણ માળી, મનીષા વકીલ સંભાળશે ચાર્જ

    ભૂપેન્દ્ર સરકાર 2.0ના મંત્રીઓ આજે સંભાળશે ચાર્જ. આજે લાભ પાંચમના પવિત્ર દિવસે, ઓફિસ પૂજન કરી કરશે વિધિવત પ્રવેશ કરશે. દિવાળી બાદ આજથી જ ધંધા – રોજગારની પણ થાય છે શરૂઆત. પ્રવીણ માળી, મનીષા વકીલ સહિતના મંત્રીઓ સંભાળશે ચાર્જ. દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણમાં મનીષા વકિલ અને પ્રવિણ માળીએ મંત્રી તરીકેના શપથ.

  • 26 Oct 2025 09:13 AM (IST)

    રાજસ્થાનના DyCMના કહેવાથી, ગુજરાતી પ્રવાસીઓને રાજસ્થાનમાં ગોંધી રખાયા- અમિત ચાવડા

    ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાનના કહેવાથી આરટીઓમાં કેદ કરી લીધી હોવાનો કિસ્સો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રકાશમાં લાવ્યા છે. અમિત ચાવડાએ, તેમના સોશિયલ મીડિયા X પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે, રાજસ્થાનમાં ગુજરાતીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. એક તરફ રાજસ્થાન સરકાર પધારો મ્હારે દેશ કહીને પ્રવાસન અંગે જાહેરાતો કરે છે ત્યારે બીજી બાજુ રાજસ્થાનમાં પ્રવાસ માટે જતા ગુજરાતીઓને બંધક બનાવી દેવાય છે. “રાજસ્થાનના ડેપ્યુટી સીએમ ડો પ્રેમ બૈરવાના કાફલાને સાઈડ ના મળી તો ગુજરાતની આખી બસને પ્રવાસીઓ સાથે ચોમુ આરટીઓમાં બંધ કરી દેવામાં આવી છે, આવી તાનાશાહી નહીં ચાલે, મુખ્યમંત્રી ભજનલાલ તાત્કાલિક ગુજરાતી પ્રવાસીઓને મુક્ત કરો – અમિત ચાવડા”

  • 26 Oct 2025 08:02 AM (IST)

    મોરબીની મચ્છુ નદીમાં એકે ઝંપલાવ્યું, બચાવવા પડેલ મિત્ર પણ ડૂબ્યો, 40 કલાક બાદ મળ્યા બન્નેના મૃતદેહ

    મચ્છુ નદીમાં આપઘાત કરવા એક શખ્સે ઝંપલાવ્યુ હતું. જેને બચાવવા માટે તેનો મિત્ર પણ નદીમાં પડતા તે પણ ડૂબ્યો હતો. મચ્છુ નદીમાં સતત 40 કલાક સુધી શોધખોળ કર્યાં બાદ, બન્નેના મૃતદેહ મળી આવ્યા છે. મોરબી, રાજકોટની ફાયર ટીમ અને SDRF સહિતની ટીમના 50 જેટલા જવાનોએ સતત 40 કલાક સુધી શોધખોળ કરી હતી.

  • 26 Oct 2025 07:34 AM (IST)

    અમરેલી જિલ્લાના દરિયાકાંઠે કમસોમી વરસાદ વરસ્યો

    અમરેલી જિલ્લાના દરિયાકાંઠે કમસોમી વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. કમોસમી વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. અસહ્ય ગરમી બફારા બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી જવા પામી હતી.

  • 26 Oct 2025 07:23 AM (IST)

    પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમને સંબોધિત કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના 127મા સંસ્કરણને સંબોધશે, જેમાં વિવિધ સ્થળોએથી ભાજપના કાર્યકરો અને નેતાઓ સક્રિય રીતે ભાગ લેશે.

  • 26 Oct 2025 07:20 AM (IST)

    દીવમાં જોવા મળી ડિપ્રેશનની અસર, પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

    દીવના દરિયા કિનારાના ગામડાઓ નાગવા, ડાંગરવાડી, કેવડી, વણાંકબારા, સાઉદવાડી, બુચરવાડા, ફુદમ, ધોધલા વાડી વિસ્તારોમાં પવન સાથે કમસોમી ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરિયામાં કરંટ સાથે ઊંચા ઊંચા મોજાઓ ઉછળ્યાં છે.

Published On - Oct 26,2025 7:19 AM

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">