25 ઓકટોબરના મહત્વના સમાચાર : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, કહ્યું 48 કલાક ભારે, ખેડૂતોને સાવધાન રહેવા સૂચના

Gujarat Live Updates આજ 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 ઓકટોબરના મહત્વના સમાચાર : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા  બોલાવશે ધડબડાટી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, કહ્યું 48 કલાક ભારે, ખેડૂતોને સાવધાન રહેવા સૂચના
| Edited By: | Updated on: Oct 25, 2025 | 9:14 PM

આજે 25 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.samachar,

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Oct 2025 09:00 PM (IST)

    ગુજરાતમાં આગામી સાત દિવસ માવઠાની આગાહી

    આમ તો માહોલ શિયાળાનો જામી રહ્યો છે પણ તોય તમને વરસાદ એટલે કે કમોસમી વરસાદની વાત કરવી પડશે કેમકે હવે આગામી સાત દિવસ ગુજરાતમાં માવઠું કમઠાણઆ મચાવવાનું છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી પ્રમાણે આગામી 72 કલાક ભારે વરસાદ પડી શકે છે. જે સ્વાભાવિક જ ખેડૂતો માટે મુશ્કેલ સાબિત થશે.

  • 25 Oct 2025 08:46 PM (IST)

    જુનાગઢ: માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ

    જુનાગઢ: માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. શહેર સહિત આસપાસના ગામોમાં માવઠાએ કેર વરસાવ્યો. અણધાર્યા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ સૂકવવા મૂકેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.  માંગરોળ નજીક ચોરવાડ તેમજ આસપાસના પંથકમાં ભારે વરસાદ વરસ્યો. હાલ ખેતરમાં મગફળની પાથરા મૂકેલા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. કમોસમી વરસાદ વરસતા મગફળીના પાકને નુકસાનની ભીતિ છે.


  • 25 Oct 2025 08:30 PM (IST)

    અંબાજીમાં દર્શન પથ પર નજીવી બાબતે જાહેરમાં મારામારી

    અંબાજીમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા. દર્શન પથ પર યાત્રિકોને ચાંદલા કરવા જેવી નજીવી બાબતે બાખડ્યા. 3 યુવતીઓ અને એક વૃદ્ધ જાહેરમાં મારામારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો આ યુવતીઓએ આધેડને બચકા ભર્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યો. જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

  • 25 Oct 2025 08:15 PM (IST)

    વલસાડમાં મોગરાવાડી વિસ્તારમાં બંધ મકાનમાં થઈ ચોરી

    વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સાંઈ પાર્ક સોસાયટીમાં વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો. તસ્કરોએ 4 મકાનમાં તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણ મકાનોમાં તેઓને નિષ્ફળતા મળી. જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા. તસ્કરોની આ સમગ્ર ગતિવિધિ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ સોસાયટીના રહેવાસીઓને થતાં, તેમણે તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેના આધારે ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઈને સ્થાનિકોએ વલસાડ સિટી પોલીસને જાણ કરતા પોલીસે તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી.

  • 25 Oct 2025 07:55 PM (IST)

    ભાવનગર : સિહોરના ભાણગઢ ગામે કોઝવે તૂટતાં લોકોને હાલાકી

    ભાવનગર : સિહોરના ભાણગઢ ગામે કોઝવે તૂટતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભાણગઢથી પાળીયાદ જવાના માર્ગ પરનો કોઝવે તૂટ્યો છે. કોઝવે પર કાળુભાર નદીનું પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. ગ્રામજનો લાંબા સમયથી બોટ મારફતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે, પાળીયાદ, દેવળીયા, વલભીપુર જવા માટે ફક્ત બોટનો જ સહારો બચ્યો છે.
    તંત્રએ ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ કરવાની ખાતરી આપી છે.

  • 25 Oct 2025 07:30 PM (IST)

    પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો

    પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો. ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ડાંગરની ખરીદી સમયે વરસાદ શરૂ થતા કાંકણપુર APMCમાં દોડધામ મચી ગઈ હતી. માર્કેટ યાર્ડમાંથી જણસી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી, પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો છે. શહેરા તાલુકાના મોરવા રેણા, માતરીયા વ્યાસ, ગાગડીયા, મીરાપુર સદનપુર, સરાડીયા,ધામણોદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. એક તરફ ખેતરમાંથી ડાંગરનો પાક તૈયાર થઈ રહ્યો છે અને બીજી તરફ વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

  • 25 Oct 2025 07:10 PM (IST)

    દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા- અંબાલાલ પટેલ

    રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ નવેમ્બર માસની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે, જ્યારે 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  • 25 Oct 2025 06:50 PM (IST)

    જાફરાબાદ બંંદર પર લગાવાયુ 3 નંબરનું સિગ્નલ

    અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દરિયા કાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઈટ હાઉસ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત કાંઠાના વિસ્તરમાં એલર્ટ કરી તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. તમામ બોટ એસોસિએશન વિભાગના હોદેદારોને લેખિત જાણકરી એલર્ટ કરવામા આવ્યા છે. તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા આદેશ આપવામાં આવ્યો છે.

  • 25 Oct 2025 06:30 PM (IST)

    ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ

    ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા અને મુખ્ય રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વેરાવળ સાથે સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું હતું. ખાંભા, પ્રાચી, ટીંબી અને કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારમાં ચિંતા જોવા મળી છે. ખાસ કરીને મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 25 Oct 2025 06:15 PM (IST)

    ઊંઝા અને બહુચરાજીમાં ખાબક્યો કમોસમી વરસાદ

    મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  • 25 Oct 2025 05:50 PM (IST)

    ડાંગ અને આહવામાં ધોધમાર વરસાદ

    હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી તૈયાર થયેલો ડાંગરનો પાક બગડવાનું જોખમ ઊભુ થયું છે. તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે શીવઘાટ ફરી સક્રિય થયો છે અને વરસાદના કારણે ડાંગમાં પ્રકૃતિનો નજારો ખિલ્યો છે.

  • 25 Oct 2025 05:30 PM (IST)

     જેતપુરમાં આયોજીત ફનફેરમાં રાઈડ થઈ ધરાશાયી

    જેતપુરમાં આયોજીત ફનફેરમાં રાઈડ થઈ ધરાશાયી થઈ છે. મંડલી પરિવાર મેળાની મોજ માટે જેતપુરમાં આયોજીત ફનફેરમાં પહોંચ્યો હતો. પણ, તેમણે સ્વપ્નમાં પણ વિચાર નહીં કર્યો હોય કે આ મજા તેમના માટે સજા બનવાની છે. મંડલી દંપતી તેમના ભાણિયા સાથે “બ્રેક ડાન્સ” નામની રાઈડમાં બેઠું હતું. અને ચાલુ રાઈડ એકાએક તૂટી પડતા દંપતી ઘાયલ થયું. જેમાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. જો કે ત્યાં હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

    ર્ઘટના બાદ પોલીસે ફનફેર બંધ કરાવી તપાસ હાથ ધરી છે. ફનફેર રોટરી ક્લબ દ્વારા આયોજીત છે. અને સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે દુર્ઘટના સર્જાયાના આક્ષેપ છે. જો કે સમગ્ર મામલે ક્લબના પ્રમુખ લૂલો બચાવ કરતાં નજરે પડ્યાં.

     

  • 25 Oct 2025 05:20 PM (IST)

    મહેસાણા: પ્રેમ લગ્નના કાયદામાં સુધારા અને સહી ઝુંબેશની માગ બની તેજ

    મહેસાણા: પ્રેમ લગ્નના કાયદામાં સુધારા અને સહી ઝુંબેશની માગ તેજ બની છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે પણ માંગણીને સમર્થન આપ્યું છે. “પ્રેમ લગ્નના બહાને સમાજની દીકરીઓને ફસાવવામાં આવે છે”, “લવ જેહાદ જેવા બનાવો અટકાવવા માટે સહી ઝુંબેશની માગ ઉગ્ર બની છે”, “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ  લેખિતમાં રજૂઆત કરી છે”, “આવનારા દિવસોમાં CM અને ડેપ્યુટી CMને પણ રજૂઆત કરાશે”.

    પાટીદાર સમાજનું માનવું છે કે બનાસકાંઠા કે મહેસાણાની કોઈ દીકરીની અમદાવાદના દરિયાપુરમાં લગ્ન નોંધણી કરાવવામાં આવે તો તે યુવકનો ઈરાદો ખોટો જ સાબિત થઈ શકે છે. કાયદો પુખ્ત વયની વ્યક્તિને લગ્ન કરવાની છૂટ આપે છે પરંતુ સાથે-સાથે હિન્દુશાસ્ત્રો પણ એ કહે છે કે વિધિ મુજબ લગ્ન થાય એ જ સાચા લગ્ન છે જોકે પાટીદાર સમાજ આ મુદ્દે સરકારની દખલગીરી કરીને કાયદામાં સુધારો કરે તેવી માગ કરી રહ્યો છે.

  • 25 Oct 2025 05:13 PM (IST)

    નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

    નવસારી જિલ્લાના વાતાવરણમાં  અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ડાંગર સહિતના પાકને નુક્સાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં આવેલા મંકોડીયા જુનાથાણા સ્ટેશન રોડ ડેપો સહિત તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો જિલ્લામાં ગણદેવી તાલુકાના બલીમોરા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
    ડાંગર ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના છે.

  • 25 Oct 2025 04:50 PM (IST)

    ખેડાાં વિદેશી દારૂ અને કપ સીરપના વેપલાનો વીડિયો વાયરલ

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ ખેડા જિલ્લામાં સર્જાયો છે. માતર વિસ્તારમાં વિદેશી દારૂ અને કફ સીરપના વેપલાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો જાહેરમાં દારૂનુ વેચાણ કરી રહ્યાં છે. એ પણ કોઈ પોલીસ કે તંત્રના ભય વગર હવે આ લોકોને કોણ હિમ્મત આપી રહ્યુ છે અને કોણ છાવરી રહ્યુ છે તે એક મોટો સવાલ છે.

    તો આવો જ એક વીડિયો 22 ઓક્ટબરના રોજ વાયરલ થયો હતો. જ્યાં ચંદ્રકાન્ત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને દારૂનું વેચાણ કરતો વીડિયો સામે આવ્યો હતો. એ પણ ખેડાના માતર વિસ્તારનો જ બે દિવસ બાદ ફરી દારૂના વેચાણનો વીડિયો વાયરલ થતા પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તે સ્પષ્ટ થઈ ગયુ છે. જોકે હવે આ વીડિયો અંગે પણ કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે જોવાનું રહ્યું.

  • 25 Oct 2025 04:30 PM (IST)

    અમદાવાદના શીલજમાંથી ઝડપાઈ રેવ પાર્ટી મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા

    અમદાવાદના શીલજમાંથી ઝડપાયેલ રેવપાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. દિવાળીના તહેવાર વચ્ચે દારૂની રેલમછેલ અયોગ્ય છે. ગાંધીના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થાય છે. રેવ પાર્ટીમાં પણ કોઈ નક્કર કામગીરી નથી થતી. ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થાય છે. આવી પાર્ટીઓ યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર છે.

  • 25 Oct 2025 04:19 PM (IST)

     ગુજરાતમાં જન્મેલા અભિનેતા સતીશ શાહનું નિધન 

    Satish shah passes away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર, સતીશ કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમના મેનેજરે મીડિયાને અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી. તેમના અંતિમ સંસ્કાર 26 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. તેમનો મૃતદેહ હાલમાં હોસ્પિટલમાં છે.

  • 25 Oct 2025 04:10 PM (IST)

    મહેસાણાઃ ઊંઝામાં અંડરપાસમાં બંધ થતા ટ્રાફિકજામ

    મહેસાણાઃ ઊંઝામાં અંડરપાસમાં બંધ થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે, માવઠું થતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે.  જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. અંડરપાસ બંધ થતા ઓવરબ્રિજ પર વાહનોનો ધસારો વધ્યો હતો. ઉમિયા માતાજીના મંદિરે જતા રસ્તા પણ સેંકડો વાહનોની કતારો લાગી છે.

  • 25 Oct 2025 03:36 PM (IST)

    વડોદરા: આજવા રોડ પર કૌટુંબિક વિવાદમાં હત્યા

    વડોદરા: આજવા રોડ પર કૌટુંબિક વિવાદમાં હત્યા કરી દેવાઈ. 21 તારીખે બનેલી આ ઘટનાનાં હાલ CCTV ફુટેજ સામે આવ્યા છે. દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકીએ મિત્ર અક્ષય સોલંકીની હત્યા કરી હતી. આરોપીએ મૃતક અક્ષયને ઘેર ચા-નાસ્તા માટે બોલાવ્યો હતો. બંને વચ્ચે ત્યારબાદ બોલાચાલી થઇ હતી. હત્યા કરી ઠંડે કલેજે બાઈક પર આરોપી રાજા સોલંકી ભાગતો દેખાયો હતો.

    બંને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક વિવાદ ચાલતો હતો. ત્યારે મૃતક અક્ષય અને રાજા સોલંકી વચ્ચે બબાલ થઇ હતી.  મૃતકે આરોપી રાજા સોલંકીને લાફો માર્યો હતો…જાહેરમાં અપમાન થતા રાજાએ ખાર રાખી પોતાના ઘરે જઈ ખંજર લાવી મૃતકના છાતીના ભાગે ઘા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો.

  • 25 Oct 2025 03:34 PM (IST)

    અમદાવાદ: પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં વેપારીનું મોત

    અમદાવાદ: પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી હાથ ધરી છે, ફટાકડા ફોડવા મુદ્દે મૃતક અને તેના પિતરાઈ ભાઈ પર હુમલો થયો હતો. લોખંડની પાઈપ અને લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 11 લોકો વિરૂદ્ધ રાયોટિંગ અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 25 Oct 2025 02:46 PM (IST)

    ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં કર્યાં દર્શન

    ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. હર્ષ સંઘવીએ શ્રીનાથજી મંદિરમાં દર્શન અને રાજભોગ ઝાંખી માટે મુલાકાત લીધી હતી. મંદિરની પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અને તેમના પરિવારે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે શ્રીનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. દર્શન પછી, નાયબ મુખ્યમંત્રી ઉદયપુર જવા રવાના થયા હતા. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે પૂજા કરવા માટે રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં સ્થિત વલ્લભ સંપ્રદાયના મુખ્ય મથક શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. સંઘવી બપોરે 12:00 વાગ્યે રોડ માર્ગે નાથદ્વારા પહોંચ્યા અને તેમના પરિવાર સાથે ભગવાન શ્રીનાથજીના રાજભોગ ઝાંખીના દર્શન કર્યા. દર્શન કર્યા પછી, અધિકારી સુધાકર ઉપાધ્યાયે મંદિરની પરંપરા મુજબ તેમને શાલ ઓઢાડીને અને પ્રસાદ આપીને તેમનું સ્વાગત કર્યું.

     

  • 25 Oct 2025 02:35 PM (IST)

    ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતી, આરોપીની ધરપકડ

    ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની સુરક્ષામાં ગંભીર ખામી હોવાનું જાણવા મળ્યું છે. બાઇક પર સવાર એક યુવકે બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતી કરી. મહિલા ક્રિકેટરો હોટેલ રેડિસન બ્લુથી એક કાફે તરફ ચાલીને જઈ રહી હતી. મહિલા ક્રિકેટરોએ છેડતી થયા બાદ SOS એલર્ટ મોકલ્યું હતું. માહિતી મળતાં જ સુરક્ષા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સુરક્ષા અધિકારી ડેની સિમન્સની ફરિયાદના આધારે, MIG પોલીસે FIR નોંધી અને આરોપી અકીલની ધરપકડ કરી છે.

  • 25 Oct 2025 02:30 PM (IST)

    વેરાવળ, સુત્રાપાડા અને પ્રાચી આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ

    વેરાવળ, સુત્રાપાડા અને પ્રાચી આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ વરસ્યો છે. ગીર વિસ્તારના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો. ખાંભા, ઘંટીયા, પ્રાચી, ટીંબી અને કાજલી સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી છે. અચાનક પડેલા આ વરસાદથી ખેતરમાં ઉભી મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યકત થઈ રહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

  • 25 Oct 2025 01:54 PM (IST)

    નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ 2027ની ચૂંટણી લડશે ? એક કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત

    નીતિન જાનીએ 2027ની ચૂંટણી લડવા યુવાનોને હાંકલ કરી છે. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું, ભણેલો અને આગળ હોય એવા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ. કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડો તેવી કરી યુવાનોને હાંકલ કરી હતી.  હવે એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે.

  • 25 Oct 2025 01:37 PM (IST)

    રાઈડ્સ તુટી પડતા દીપાવલી ફનફેર મેળો બંધ કરાવ્યો, પ્રાથમિક દ્રષ્ટિએ સંચાલક-આયોજકની બેદરકારીઃ ઈન્ચાર્જ મામલતદાર

    જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં રાઈડ્સ તૂટવાનો મામલો સામે આવ્યા બાદ ફનફેર મેળો બંધ કરાવવામાં આવ્યો છે. પોલીસ, મામલતદાર, નાયબ મામલતદારની ટિમ મેળામાં પહોંચીને તૂટેલ રાઈડ્સની ચકાસણી કરી હતી. ઇન્ચાર્જ મામલતદારે જણાવ્યું કે, ઘટના બાદ જ પોલીસને મેળો બંધ કરવવા સૂચના આપી હતી. હાલ મેળોની તમામ રાઈડ્સ બંધ રાખવાની સૂચના આપી દીધી છે. યાંત્રિક કમિટી દ્વારા તમામ રાઈડ્સ ચેક કરવામાં આવશે.રાઈડ્સ ફરી શરૂ કરવા લાગતા વળગતા વિભાગના અભિપ્રાય લેવા પડશે. મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ છે. સંસ્થા તરફથી કોઈ જાણ કરવામાં આવી નથી.તૂટેલ રાઇડ્સ ફરી રીપેરીંગ કામ કરી લગાવી દેવામાં આવતા મામલતદાર દ્વારા પોલીસ તપાસ કરવા સૂચના આપી છે. યાંત્રિક ટિમ તપાસ કરીને અહેવાલ આપશે. રાઈડ્સ સંચાલકો અને અયોજકોની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ ગણી શકાય.

  • 25 Oct 2025 01:31 PM (IST)

    બોપલના ફાર્મ હાઉસમાં વિદેશી વિદ્યાર્થીઓએ રાખી હતી દારુની પાર્ટી, 9 યુવક – 6 યુવતીની ધરપકડ

    બોપલ પોલીસ મથકની હદમાં શીલજ ખાતેના ફાર્મ હાઉસમાં યોજાયેલ એનઆરઆઈ વિદ્યાર્થીઓની પાર્ટી મામલે વધુ કેટલોક ખુલાસો  થયો છે.  પાર્ટીનું આયોજક જોન સેડરિક નામના કેન્યાના વિદ્યાર્થીએ કર્યું હતું. નશાની હાલતમાં 15 યુવક યુવતીઓની ધરપકડ કરાઈ છે. 9 યુવક અને 6 યુવતીઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. 15 માંથી 13 વિદેશી છે જ્યારે 2 ભારતીય છે. દારૂનો જથ્થો સપ્લાય કરનાર આશિષ અને અનંત નામના બુટલેગરની પણ પોલીસે ધરપકડ કરી છે. 1 હુક્કા સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરાઈ છે. ડીજે સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી.

  • 25 Oct 2025 01:27 PM (IST)

    વડોદરા શહેરમાં અસામાજિક તત્વોએ 10 થી વધુ રિક્ષામાં કરી તોડફોડ

    વડોદરા શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ પર અસામાજિક તત્વોનું કારસ્તાન સામે આવ્યું છે. અલવાનાકા જીઆઈડીસી રોડ પર 10 થી વધુ રિક્ષાઓને બનાવી નિશાન. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. સીસીટીવી માં બે ઈસમો તોડફોડ કરતાં જોવા મળી રહ્યા છે. 10 થી વધુ રિક્ષાઓના કાચ સહિતની તોડફોડ કરતાં રીક્ષા ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. અસામાજિક તત્વ સામે પગલાં ભરવા કરી માંગ.

  • 25 Oct 2025 12:51 PM (IST)

    દહેજથી વાગરા તાલુકાના પણીયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલ્ટી ગયો, છ મજૂરો ઈજાગ્રસ્ત

    ભરૂચના દહેજથી વાગરા તાલુકાના પણીયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલ્ટી ગયો હતો. ટેમ્પામાં સવાર 10 શ્રમજીવીઓ પૈકી 6ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 6 મહિલા શ્રમજીવી સહિત બે બાળકો અકસ્માતમાં ઘવાયા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. કડીયા કામ અર્થે જઈ રહ્યા હતા એ દરમ્યાન સર્જાયો અકસ્માત.

  • 25 Oct 2025 12:49 PM (IST)

    IRCTC વેબસાઇટ અને એપ ડાઉન, છઠ પહેલા ટિકિટ બુકિંગ બંધ

    ઘણા મુસાફરોએ શનિવારે સવારે IRCTC વેબસાઇટ ડાઉન અને ટિકિટ બુકિંગ નિષ્ફળ જવાની ફરિયાદ કરી. કેટલાક યુઝર્સે સોશિયલ પ્લેટફોર્મ પર સ્ક્રીનશોટ પણ શેર કર્યા, જેમાં લખ્યું કે ટિકિટ બુક કરતી વખતે વેબસાઇટ કામ કરી રહી નથી.

  • 25 Oct 2025 11:55 AM (IST)

    પોરબંદર જિલ્લાનો ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા ખાણ મજૂરોની વન-પર્યાવરણ પ્રધાન અર્જૂન મોઢવાડિયાને રજૂઆત

    પોરબંદર જિલ્લાનો ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા ખાણ મજૂરોએ કરી વન પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાને રજૂઆત. પોરબંદરનો એક માત્ર ખાણ ખનીજ ઉદ્યોગ જેમાં પથ્થરોનું ઉત્પાદન થાય છે, જેમાં હજારો મજૂરોને રોજગારી મળે છે. ભૂતકાળમાં 400 થી વધુ ખાણોને પરવાના હતા તે તમામ ખાણો આજે બંધ હાલતમાં છે. જેને ફરીથી શરૂ કરવા અને લોકોને રોજગારી મળે એવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ને 450 થી વધુ ખાણકામ કરતા મજૂરીએ રોજગારી મળે તેવા પ્રયાસ કરવા રજૂઆત કરી હતી.

  • 25 Oct 2025 11:52 AM (IST)

    ગુજરાતમાં આરોપીઓને રૂબરૂ નહીં, ઇમેઇલ કે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન સમન્સ પાઠવાય છે

    ઇ-સમન્સ ટેક્નોલોજી પર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનુ નિવેદન. સમન્સ કે વોરંટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવ બળનો ખૂબ વ્યય થતો. આ ટેક્નોલોજીને આધારે હવે ઇમેઇલ કે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન સમન્સ બજવણી કરવામાં આવી રહી છે. ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં ઈ-સમન્સ મોડ્યુલ કાર્યરત છે. વર્તમાનમાં ગુજરાતમાં 50 ટકાથી વધુ સમન્સની બજવણી ઓનલાઈન કરવામાં આવી રહી છે.

  • 25 Oct 2025 11:51 AM (IST)

    ભાજપના પૂર્વ ધારાસભ્ય વજૂભાઈ ડોડીયાને CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ પંચાલ સહીતના નેતાઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

    વિરમગામ-સાણંદના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયાનુ ટુંકી માંદગી બાદ 75 વર્ષની વયે નિધન થયુ હતું.   વિરમગામ પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયાને મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી. વિરમગામ શહેરમા આજે પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા બેસણામા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત અમદાવાદ જિલ્લા અને ગુજરાતના ભાજપ નેતાઓ ધારાસભ્ય પૂર્વ ઘારાસભ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વિરમગામ શહેરના મંગલમ સોસાયટી બેસણામા પરિવારને સાંત્વના પાઠવી હતી. વિરમગામ સાણંદમા બેઠક પર વર્ષ 2002 થી 2007 ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. જનસંઘ અને સહકારી આગેવાન ગુજકોમાસોલ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ બેક ના ડિરેક્ટર હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ પણ પત્ર લખી દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

  • 25 Oct 2025 11:48 AM (IST)

    યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું

    પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું છે. આજે શનિવાર અને દીવાળી વેકેશનને પગલે વહેલી સવારથી પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તળેટીથી લઈ નિજ મંદિર સુધી દર્શનાર્થી ઓની ભારે ભીડ જોવા મળી છે. દર્શનાર્થીઓની ભારે ભીડને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય અને દર્શનાર્થીઓને અગવડતા ના પડે તે માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

  • 25 Oct 2025 11:24 AM (IST)

    હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ, 3 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

    હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ. આગામી 3 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે ભારે. ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા. 14 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ. છોટાઉદેપુર, તાપી, નર્મદામાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી.

  • 25 Oct 2025 10:36 AM (IST)

    અરબી સમુદ્રની ડિપ્રેશન સિસ્ટમને પગલે, સૌરાષ્ટ્રનો દરિયો બન્યો તોફાની

    અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ કરાયું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી “ભયજનક” 3 નંબર સિગ્નલ લગાવ્યુ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠે તંત્ર એલર્ટ અપાયું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરીયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્રના દરીયા કાંઠે, દરીયો તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે.

     

     

  • 25 Oct 2025 10:32 AM (IST)

    સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરપાર્કની 81,119 લોકોએ લીધી મુલાકાત, 23 લાખની થઈ આવક

    સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરપાર્કને આ વર્ષની દિવાળી ફળી છે. દિવાળી વેકેશન દરમિયાન 16- 10- 2025 થી 23 -10 -2025 સુધી 80,000 કરતાં વધુ મુલાકાતીઓએ સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરપાર્કની મુલાકાત લીધી હતી. સાત દિવસના સમયમાં 81,119 મુલાકાતીઓએ નેચરપાર્કની મુલાકાત લીધી છે. જેનાથી નેચરપાર્કને 22,95,300ની આવક થઈ છે. 1- 4 -2025 થી અત્યાર સુધીમાં 50 લાખ કરતાં વધુ લોકોએ નેચરપાર્કની મુલાકાત લીધી છે. જેનાથી સુરત મહાનગરપાલિકાને 1 કરોડ 40 લાખ કરતાં વધુની આવક થઈ છે. ભીડ ને પહોંચી વળવા 4 ટીકીટ બારી શરૂ કરી ટોટલ 8 ટીકીટ બારી શરૂ કરાઇ હતી. સુરત શહેર સહિત સુરતની આસપાસના ગામો અને જિલ્લાઓના લોકોએ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત.

  • 25 Oct 2025 09:28 AM (IST)

    જેતપુરમાં દીપાવલી નિમિત્તે યોજાયેલા ફનફેર મેળાની રાઈડ્સ તુટી પડતા દંપતી ઈજાગ્રસ્ત

    જેતપુરમાં દીપાવલી નિમિત્તે યોજાયેલા ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે જણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા છે. રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં દુર્ઘટના બની હતી. બ્રેક ડાન્સ નામની રાઈડ્સ ચાલુ હતી તે સમયે એકાએક તૂટી પડી હતી.
    બ્રેક ડાન્સ નામની રાઈડ્સમાં સવાર દંપતીને પહોંચી ગંભીર ઇજા. ધવલ મંડલી અને ગાયત્રી મંડલી ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. ફનફેર મેળાના આયોજકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાઈડ્સ સંચાલકોની ગંભીર બેદરકારી આવી સામે. જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથધરી છે.

  • 25 Oct 2025 09:08 AM (IST)

    મહેસાણાના બહુચરાજી તાલુકામાં વરસ્યો વરસાદ, જગતનો તાત ચિંતામાં

    મહેસાણા જિલ્લામાં વાતાવરણ પલટો આવ્યો છે. બહુચરાજી તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બહુચરાજી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.

  • 25 Oct 2025 09:06 AM (IST)

    મહેસાણાના ઊંઝામાં વરસ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

    મહેસાણા જિલ્લાના ઊંઝાના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ વરસ્યો છે. સવારમાં સમયે વાતાવરણ પલટા બાદ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઊઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઊઝા શહેરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઊંઝામાં સવારે વરસેલા વરસાદને પગલે, નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

  • 25 Oct 2025 09:01 AM (IST)

    રાજકોટની કુખ્યાત ગેંગના આરોપીઓને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ફરીથી જેલમાં ખોસી દેવાયા

    રાજકોટની કુખ્યાત ગેંગના સભ્યોના જામીન રદ કરીને સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે, બલી ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગરને જેલમાં ખોસી દેવામા આવ્યા છે. 2014 ના લોધિકા પોલીસ મથકમાં ખંડણી અને બોગસ દસ્તાવેજ મામલે આ આ ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્રણેય આરોપીઓ જામીન પર હતા. જો કે ફરીયાદીએ કુખ્યાત ગેંગના આરોપીઓને આપેલા  જામીન મામલે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.
    સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને, 24 તારીખ સુધી સરેન્ડર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે ગોંડલ કોર્ટમાં હાજર થયા બાદ ત્રણેય આરોપીઓને જેલ ધકેલી દેવામાં આવ્યા હતા.

  • 25 Oct 2025 08:28 AM (IST)

    મુંબઈથી સોમનાથ દર્શન માટે આવેલા પરિવારને નડ્યો અકસ્માત, તમામનો થયો ચમત્કારીક બચાવ

    અમરેલી ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મુંબઈથી સોમનાથ દર્શન માટે આવેલા પરિવારને નડ્યો અકસ્માત. રાજુલા નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતા કારનો અકસ્માત. અકસ્માત બાદ કારમાં ફસાયેલા 10નો ચમત્કારીક બચાવ. અન્ય વાહન ચાલકોની મદદથી તમામનું કરાયું રેસ્ક્યૂ.
    ઇજાગ્રસ્તોની રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

  • 25 Oct 2025 07:17 AM (IST)

    અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે 1 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની આગાહી

    અરબ સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમને કારણે 1 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. લા નીનોની અસરને કારણે વરસાદ 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે. અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રહેશે વરસાદ.

Published On - 7:16 am, Sat, 25 October 25