18 માર્ચના મોટા સમાચાર: કેટલાક લોકોએ દેશને બદનામ કરવાની જવાબદારી લીધી છે, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 11:55 PM

Gujarat Live Updates: એક ક્લિક પર આપ કઈ રીતે દેશ અને દુનિયાની અપડેટ મેળવી શકો તે માટે આ લાઈવ બ્લોગના માધ્યમથી આપને દેશ અને દુનિયાના તમામ મોટા સમાચારોથી પરિચય કરાવીશું. આપ અમારી સાથે જોડાયેલા રેહજો અને રિફ્રેશ બટન દબાવતા રહેજો..

18 માર્ચના મોટા સમાચાર: કેટલાક લોકોએ દેશને બદનામ કરવાની જવાબદારી લીધી છે, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

મિત્રો, સુપ્રભાત, નમસ્કાર! TV9 ગુજરાતી ડિજીટલમાં આપનું સ્વાગત છે. આશા છે કે આજનો દિવસ આપના માટે સારો નિવડે. દિવસની ભાગદોડ વચ્ચે ઉતાવળમાં ઘણી વખત એવું બને છે કે તમે દેશ અને દુનિયાના મહત્વના સમાચાર ચૂકી જાઓ છો, તો આવી સ્થિતિમાં એક ક્લિક પર આપ કઈ રીતે દેશ અને દુનિયાની અપડેટ મેળવી શકો તે માટે આ લાઈવ બ્લોગના માધ્યમથી આપને દેશ અને દુનિયાના તમામ મોટા સમાચારોથી પરિચય કરાવીશું. આપ અમારી સાથે જોડાયેલા રેહજો અને રિફ્રેશ બટન દબાવતા રહેજો..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 18 Mar 2023 11:40 PM (IST)

  Gujarat News Live: રાજ્યના 53 તાલુકાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ, ભુજમાં 2 ઈંચ અને પાટણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

  ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. જેમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક હળવા ઝાપટાં જોવા મળ્યા છે. તેમજ ક્યાંય ધોધમાર વરસાદ જોવા મળ્યો તો કેટલાક એવા પણ વિસ્તારો હતા જ્યાં કરાં પડ્યા. ચોમાસામાં પણ કોરાધા કોર રહેતા કચ્છમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. અહીં રાપરમાં કરાં પણ પડ્યા હતા. તો કરાં દેવભૂમિદ્વારકા જિલ્લામાં પણ જોવા મળ્યા હતા.

 • 18 Mar 2023 11:38 PM (IST)

  Gujarat News Live: કેટલાક લોકોએ દેશને બદનામ કરવાની જવાબદારી લીધી છે, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

  કોંગ્રેસ પર કટાક્ષ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશમાં અનેક સારા કાર્યો થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં દેશની નજર ન પડે તે માટે કેટલાક લોકોએ ભારત પર કાળો કલંક લગાવવાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું, જ્યારે વિશ્વ વિચારી રહ્યું છે કે ભારતનો સમય આવી ગયો છે, ત્યારે કેટલાક લોકો નિરાશાવાદી વાતો કરી રહ્યા છે, ભારતને નીચે લાવી રહ્યા છે અને મનોબળ તોડી રહ્યા છે.

 • 18 Mar 2023 11:08 PM (IST)

  Gujarat News Live: Ahmedabad: નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી, બે નકલી પત્રકારની ધરપકડ

  અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે. અંકિત જોતંગિયા જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા.પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો છે. કઠવાડા GIDC માં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં રૂ 5 લાખનું તોડ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર બન્યો છે.

 • 18 Mar 2023 10:26 PM (IST)

  Gujarat News Live: ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવી ચોંકાવનારી વિગતો: ‘હું જમ્મુ કાશ્મીરમાં ગયો ત્યારે કિરણ પટેલનો રોફ જોઈને અંજાઈ ગયો હતો!’

  જમ્મુ-કાશ્મીર પોલીસે ગુજરાતના ઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જેણે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે આપી હતી અને હાઈ-પ્રોફાઈલ સુરક્ષા પ્રોટોકોલનો આનંદ માણ્યો હતો અને કાશ્મીર ખીણની ફાઈવ સ્ટાર હોટલમાં ઘણી વખત રોકાયો હતો. જો તમે તેની વાસ્તવિક ઓળખ જાણશો તો તમે ચોંકી જશો. તે નિવૃત્ત ડેપ્યુટી એસપી, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તે ચૂનો લગાડી ચૂક્યો છે. જોકે હવે એવી વિગતો સામે આવી છે કે આ મહા ઠગે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનો કોન્ટેક કર્યો હતો.

  કિરણ પટેલનો કિસ્સો આવતાની સાથે હવે એવા અનેક લોકો સામે આવી રહ્યા છે. જેમની સાથે સંપર્ક કરીને કિરણ પટેલ પોતાનો રોફ જમાવતો અને સતત મોટા લોકોનો કોન્ટેક્ટ કરીને તેમની સાથે મિત્રતા કેળવીને ઠગવાનો ઇરાદો હોય તેવી રીતે તેમને કંઈ કામ હોય તો કહેજો એવું વારંવાર કહેતો હતો. કિરણ પટેલે અનેક લોકો સાથે આ પ્રકારે સંપર્ક સાધ્યો હોવાનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

 • 18 Mar 2023 10:21 PM (IST)

  Gujarat News Live: પાટણમાં કમોસમી વરસાદનો કહેર,એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ,વિદ્યાર્થીઓનું સ્કૂલમાંથી રેસ્ક્યૂ

  ગુજરાતમાં પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208  બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરાયું છે.

 • 18 Mar 2023 09:26 PM (IST)

  Gujarat News Live: Death In Accident: અંબાજીમાં કૈલાસ ટેકરી ઢાળમાં અકસ્માત સર્જાતા જીપ ચાલકનું ઘટના સ્થળે મોત, ટ્ક્કર મારીને વાહન ચાલક ફરાર

  બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની હતી. અંબાજીના કૈલાશ ટેકરીના ઢાળમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જીપને ટક્કર મારતા જીપ ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર મારીને વાહન ચાલક ફરાર જઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 • 18 Mar 2023 08:59 PM (IST)

  Gujarat Live News: છોટાઉદેપુર : કમોસમી વરસાદ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો, માવઠાને કારણે દિવેલા અને મકાઈના પાકને ભારે નુકસાન

  છોટાઉદેપુર : કમોસમી વરસાદ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો, માવઠાને કારણે દિવેલા અને મકાઈના પાકને ભારે નુકસાન

 • 18 Mar 2023 08:10 PM (IST)

  Gujarat Live News: આગામી કલાકોમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયાં કયાં પડશે વરસાદ

  હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી કલાકોમાં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, તાપી, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, મોરબીમાં પવન સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

 • 18 Mar 2023 08:02 PM (IST)

  Gujarat Live News: Jamnagar: જામજોધપુરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે આરોપી ફરાર

  જામનગરના જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. બે દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસે 18.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ લૂંટના ગુનામાં હજુ બે આરોપીઓ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 • 18 Mar 2023 07:39 PM (IST)

  Gujarat News Live: સાબરકાંઠા અને અરવલ્લીમાં સતત બીજા દિવસે ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

  સાબરકાંઠા અને અરવલ્લીમાં સતત બીજા દિવસે ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

 • 18 Mar 2023 07:35 PM (IST)

  Gujarat News Live: આજે રાજ્યમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 655

  ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહી છે. જેમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. જેમાં 18 માર્ચના રોજ કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 655એ પહોંચ્યા છે.

 • 18 Mar 2023 07:25 PM (IST)

  Gujarat News Live: રાષ્ટ્રીય તપાસ એજન્સી અમૃતપાલને મળેલા વિદેશી ભંડોળની કરશે તપાસ

  પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરીને તેને અજાણ્યા સ્થળે રાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહની ધરપકડ બાદથી પંજાબ પોલીસ ગૃહ મંત્રાલયના સતત સંપર્કમાં છે. હવે આ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ દાખલ થવા જઈ રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અમૃતપાલના વિદેશી ફંડની તપાસ કરશે.

 • 18 Mar 2023 06:59 PM (IST)

  Gujarat News Live: ઈમરાન ખાનને રાહત! જજે કોર્ટના ગેટ પર હાજર થયા બાદ પરત ફરવાનો આપ્યો આદેશ

  મળતી માહિતી મુજબ ઈમરાન ખાન હાજરી માટે ન્યાયિક પરિસરની બહાર ઉભા હતા. તે જ સમયે, ભારે પોલીસ ફોર્સ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ ચાલી રહી હતી. કોર્ટે ગેટ પર ઈમરાન ખાનની હાજરી લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, 'જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં સુનાવણી શક્ય નથી. પથ્થરમારો, ગોળીબારી કરવાની જરૂર નથી. કોર્ટે ગેટ પર જ સહી લેવા અને હાજરી લેવાનો આદેશ આપ્યો.

 • 18 Mar 2023 06:49 PM (IST)

  MI vs UPW Live score : 19 ઓવર બાદ યુપીનો સ્કોર 123/5

  19 ઓવર બાદ યુપીનો સ્કોર 123/5, યુપીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 5 રનની જરુર

 • 18 Mar 2023 06:43 PM (IST)

  Gujarat News Live: જમ્મુ કશ્મીર પોલીસના અમદાવાદમાં ધામા, ઠગ કિરણ પટેલના ઘરેથી દસ્તાવેજી પુરાવા મેળવ્યા

  જમ્મુ કાશ્મીર પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે. ઠગ કિરણ પટેલના ઘરે ગઈ કાલે જમ્મુ કશ્મીર પોલીસે સર્ચ કર્યું હતું અને કિરણ પટેલની પત્ની માલિની પટેલનું નિવેદન લીધું હતું તથા તેના ઘરેથી દસ્તાવેજી પુરાવા મેળવ્યા છે. જો કે આજ સવારથી કિરણ પટેલનો પરીવાર ઘર બંધ કરીને ભૂગર્ભમાં જતો રહ્યો છે.

 • 18 Mar 2023 06:22 PM (IST)

  Gujarat News Live: Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે

  રાજકોટનો વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા આ વિસ્તારની જમીન કઠણ અને પથરાળ હોવાથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ ઓછો થઇ શકે છે. આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ એકદમ ત્વરાથી કરવામાં આવી રહ્યુ છે. જસદણ વિંછીયા વિસ્તારમાં કૂલ 28 જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને 8 જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.

 • 18 Mar 2023 06:12 PM (IST)

  Gujarat Live News: અમદાવદમાં વાતાવરણમાં પલટો, જીવરાજપાર્ક, સેટેલાઈટ, સરખેજમાં ભારે પવન ફૂંકાયો

  અમદાવદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, શહેરના જીવરાજપાર્ક, સેટેલાઈટ, સરખેજ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે.

 • 18 Mar 2023 06:08 PM (IST)

  Gujarat News Live: કચ્છના મુખ્ય મથક ભુજમાં વરસાદની તોફાની ઇનિંગ, દોઢ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ

  કચ્છના મુખ્ય મથક ભુજમાં વરસાદની તોફાની ઈનિંગ રમી છે, દોઢ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 4થી 5.30 વચ્ચે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભુજમાં બે ઈંચ વરસાદથી બસ સ્ટેશન, વાણિયાવાડ, ઘનશ્યામ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.

 • 18 Mar 2023 05:56 PM (IST)

  Panchmahal: વરરાજાને નચાવતા વખતે હાર્ટ એટેક આવતા મિત્રનું મોત, ત્રણ માસમાં યુવકોની હાર્ટ એટેકથી મોતની નવ ઘટના

  ફરી દિલના દુશ્મને એક યુવાન પર હુમલો કર્યો છે. ફરી એક નવજુવાનનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ છે. પંચમહાલના મોરવા હડફ તાલુકામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં રજાયતા ગામમાં લગ્નપ્રસંગ હતો. વરરાજાના મિત્રો ખુશી મનાવી રહ્યા હતા. જો કે આ પ્રસંગમાં વરરાજાને ખભે લઈને નાચતા મિત્રનું જ મોત થઈ ગયુ હતુ. લગ્ન પ્રસંગ વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

  લગ્નમાં જ વરરાજાના મિત્રનું મોત

  પંચમહાલ જિલ્લાના રજાયતા ગામમાં એક યુવક પોતાના મિત્રના લગ્નની ખુશીમાં ઝુમી રહ્યો હતો. તે ડીજેના તાલ સાથે અન્ય મિત્રો અને વરરાજાને નચાવતો હતો. વરરાજાનો મિત્ર વરરાજાને ઉંચકીને નાચી રહ્યો હતો. ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો. તુરંત જ યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જવાયો હતો. જો કે, રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો. મૃતક યુવકની ઉંમર 27 વર્ષની હતી. તેને હૃદયરોગનો હુમલો આવ્યાની આશંકા છે. આ અચાનક મોતે ચિંતા વધારી છે.

 • 18 Mar 2023 05:43 PM (IST)

  ‘BJP ના ફેંકેલા ટુકડા પર એક નાથ શિંદે નિર્ભર…’સીટ વહેંચણીની ચર્ચા પર સંજય રાઉતનો ટોણો

  ‘2014ની ચૂંટણી દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન માત્ર એક સીટને કારણે તૂટી ગયું હતું. કારણ કે વાત આત્મસન્માનની હતી અને તેમને કોઈ આત્મસન્માન નથી. તેઓ ભાજપ દ્વારા ફેંકવામાં આવેલા ભંગાર પર જીવી રહ્યા છે. આજે ભાજપ 40-50 બેઠક આપવાની વાત કરી રહી છે. આવતીકાલે તે પાંચ બેઠકો વિશે વાત કરશે. છતાં તેઓ સહમત થઈ જશે.’ આ શબ્દોમાં સંજય રાઉતે એકનાથ શિંદેની શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

 • 18 Mar 2023 05:29 PM (IST)

  શું આવી રીતે ભણશે ગુજરાત? મહેસાણાના સુખપુરડા ગામે વિદેશ પ્રવાસના શોખીન શિક્ષક વર્ષમાં માત્ર એક જ મહિનો રહે છે હાજર

  એક શિક્ષક નવી પેઢીને દિશા આપે, નવી પેઢીનું ઘડતર કરે. પરંતુ આ શિક્ષક શાળામાં દર્શન જ ન આપે તો? આ જ પરેશાની સાથે મહેસાણાની સુખપુરડા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે. અહીં શિક્ષક છે કિરણ ચૌધરી. પરંતુ આ શિક્ષકને અભ્યાસ કરવા કરતાં વિદેશનો પ્રવાસ કરવામાં ખૂબ રસ છે. કિરણ ચૌધરી ધોરણ 3થી 5માં હિન્દી અને પર્યાવરણ વિષય ભણાવે છે.

  કિરણ ચૌધરી વિદેશ પ્રવાસ માટે એટલી રજાઓ પાડે છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. વર્ષમાં એક જ મહિનો માસ્તર સાહેબ બાળકો પર કૃપા કરે છે અને બાકીના સમયે રજા પર જ હોય છે. છેવટે ઈન્ચાર્જ શિક્ષકો તેમના પાઠ બાળકોને સમય મળે તો ભણાવતા રહે છે.

 • 18 Mar 2023 05:13 PM (IST)

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું, 700 લોકો રોજ લઇ શકશે ભોજન

  ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે. જેમાં દર્દીઓ સાથે આવતા સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

 • 18 Mar 2023 05:02 PM (IST)

  અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના, હજુ બે દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ

  ગુજરાતના ખેડૂતો પર હજુ પણ કમોસમી વરસાદનું સંકટ બે દિવસ સુધી જોવા મળશે. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે.

  ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 • 18 Mar 2023 04:49 PM (IST)

  ડો.અતુલ ચગની આત્મહત્યા બાદ પ્રથમવાર સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા આવી સામે, કહી આ વાત

  ગીર સોમનાથ – વેરાવળના જાણીતા ડૉ. અતુલ ચગની આત્મહત્યા મામલે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની પહેલીવાર પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે ડૉ. અતુલ ચગ સાથે 35 વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે. તેમના મૃત્યુથી મારો પરિવાર પણ આઘાતમાં છે. સાંસદે ભગવાન ડૉ. અતુલ ચગના આત્માને આપે શાંતિ તેવી પ્રાર્થના કરી અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

  સાંસદ રાજેશ ચુડાસમાએ પોલીસની તપાસમાં પૂરતો સહયોગ આપવાની પણ ખાત્રી આપી. મૃતક તબીબના પરિવારે સાંસદ રાજેશ ચુડાસમા પર આત્મહત્યા માટે મજબૂર કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.

 • 18 Mar 2023 04:15 PM (IST)

  Amritpal Singh Arrest: પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી

  પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. તે બુલિંદપુર ગુરુદ્વારા સાહિબ, મહેતપુર, જલંધરમાં છુપાયેલો હતો. તેના 6 સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અમૃતપાલ તેની મર્સિડીઝ કારમાં ફરાર થઈ ગયો હતો. અમૃતપાલનો 8 જિલ્લાની પોલીસ પીછો કરી રહી હતી. દરમિયાન, જલંધર અને આસપાસના રાજ્યના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટને બંધ કર્યું છે.

 • 18 Mar 2023 03:48 PM (IST)

  એર ઈન્ડિયાના વાંકે ગુજરાતના 10 હજાર NRI ફસાયા, અમેરિકાની ફ્લાઈટો રદ થતા મુસાફરો પરેશાન

  એર ઈન્ડિયાના વાંકે ગુજરાતના અંદાજે 10 હજાર NRI સલવાઈ ગયા છે. એર ઈન્ડિયામાં ટેકનિકલ ખામી અને સ્ટાફની અછતને પગલે અમેરિકાની ફ્લાઈટો રદ થઈ છે. અમદાવાદથી વાયા નેવાર્ક અને શિકાગોની અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી. તો મુંબઈથી ન્યૂયોર્કની કનેક્ટિંગ ફ્લાઈટ પણ રદ થતા NRI હેરાન થઈ ગયા છે. એર ઈન્ડિયા દ્વારા બુકિંગના 7થી લઈને 15 દિવસ બાદ મુસાફરોને બીજા શહેરની ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાતા રોષ ફેલાયો છે.

  વેપાર, ધંધા કે નોકરીમાં રજા મૂકીને લગ્ન પ્રસંગે આવેલા NRI પરિવારો ચિંતાતુર છે. ઉત્તર ગુજરાત, ખેડા અને આણંદના સંખ્યાબંધ NRI ડિસેમ્બરમાં લગ્ન પ્રસંગ કે વેકેશનમાં મજા માણવા આવ્યા બાદ સલવાઈ ગયા છે. એર ઈન્ડિયા ઓફિસ સ્ટાફને વિઝા ન મળતા સમસ્યા સર્જાઈ હોવાનું કારણ રજૂ કરે છે. જોકે એર ઈન્ડિયાને જાણ હતી તો મુસાફરોના બે-ત્રણ મહિના પહેલાથી બુકિંગ કેમ કર્યા તેવો સવાલ મુસાફરો કરી રહ્યાં છે.

 • 18 Mar 2023 03:34 PM (IST)

  Rajkot: વાવડી ગ્રામ પંચાયતમાંથી ગુમ થયેલા મહેસુલી સહિતના દસ્તાવેજ ભંગારમાંથી મળી આવ્યા

  રાજકોટ જિલ્લાના વાવડી ગ્રામ પંચાયતમાંથી ગુમ થયેલા મહત્વના દસ્તાવેજ વોકળા અને ભંગારના ડેલામાંથી મળી આવ્યા છે. ભંગારના ડેલામાંથી મળેલા દસ્તાવેજ વર્ષ 2022ના હોવાનું સામે આવ્યું છે. વાવડી ગામના જમીન કૌભાંડને છાવરવા માટે દસ્તાવેજો ગુમ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  મહત્વના દસ્તાવેજોના રેકોર્ડ ગૂમ થયા હતા

  રાજકોટ જિલ્લાના આવેલી વાવડી ગ્રામ પંચાયત 8 વર્ષ પહેલાં મહાનગરપાલિકામાં ભળી હતી. ત્યારે વાવડી ગ્રામ પંચાયતમાંથી તાજેતરમાં મહત્વના દસ્તાવેજ ગુમ થયાની ઘટના બની છે. વર્ષ 1955થી 2004 સુધીના મહત્વના દસ્તાવેજોના રેકોર્ડ ગૂમ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ગુમ દસ્તાવેજો વોકળા અને ભંગારના ડેલામાંથી મળ્યા છે. બે દિવસ પહેલા તલાટી મંત્રીની ટીમે ભંગારના ડેલામાં તપાસ કરી હતી.

 • 18 Mar 2023 03:10 PM (IST)

  Kutch : 100 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીક થેલી રાખનારા પર તવાઇ, ભૂજ પાલિકાએ વસૂલ્યો દંડ

  કેન્દ્ર સરકારના આદેશ અનુસાર 15 માર્ચ 2023થી 100 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીક થેલીનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી થેલીઓ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે દિવસમાં અંદાજીત 720 કિલોગ્રામ પ્લાસ્ટીક બેગ જપ્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

  20 કીલો પ્લાસ્ટીકની પ્રતિબંધિત થેલીઓ જપ્ત કરવામાં આવી

  અગાઉ આ અંગે ઝુંબેશ હાથ ધરવા છંતા પણ પાલિકાના ધ્યાને આવ્યુ હતુ કે શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા 100 માઇક્રોનથી નિચેની થેલીનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા ગઇકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને લારી ગલ્લા વાળા પાસેથી અંદાજીત 20 કીલો પ્લાસ્ટીકની પ્રતિબંધિત થેલીઓ જપ્ત કરવામાં આવ્યા હતા.

 • 18 Mar 2023 02:30 PM (IST)

  PM Modi તેમને મળેલી ભેટના 100 કરોડ જળ સંરક્ષણ પાછળ ખર્ચશે, વડાપ્રધાન જાળવશે 22 વર્ષની પરંપરા

  ભારતને દુનિયામાં એક અલગ ઓળખ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી દેશ-વિદેશમાં ઘણો પ્રવાસ કરતા રહ્યા છે. આ દરમિયાન તેમને અનોકો ભેટ અને સોંગાતો લોકો તરફથી મળી છે. તે તમામ ભેટની વાત કરીએ તો તેમને મળેલી અત્યાર સુધીની તમામ ભેટ અને સોગાતોને તેઓ તેમની પાસે રાખતા નથી તેની હરાજી કરી કોઈ સારા કામમાં તેના પૈસાનો ઉપયોગ કરે છે.

  પીએમ મોદીએ શરુ કરેલી આ પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ – સોગાદોની હરાજી કરાવે છે અને હરાજી થકી મળતા નાણાનો ઉપયોગ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે તો કોઈ અન્ય સારા કામ માટે ઉપયોગ કરે છે.

 • 18 Mar 2023 02:19 PM (IST)

  Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી ટળી માવઠાની ઘાત, કેરી રસિકો માણી શકશે કેસરનો સ્વાદ

  સમગ્ર રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથક માં કમોસમી માવઠાની અસર ન થતાં કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો છે. જો કે ખેડૂતો ઈશ્વરને એવી પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જો હવે પછી કમોસમી વરસાદ ન આવે તો કેરીના પાકને કોઈ જોખમ નથી અને કેરી રસિકો 4 મહિના મીઠી મધુરી કેસર કેરીને સ્વાદ માણી શકશે.

  હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમા સૌરાષ્ટ્ર પંથકનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઈ હતી. પરંતુ તેમાં ગીર ગઢડા અને જંગલ બોર્ડરના વિસ્તારો માવઠાની અસર દેખાઈ છે. ગીરગઢડામાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો.

 • 18 Mar 2023 02:05 PM (IST)

  ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓમાં 5 લોકોના મોત, હજુ 4 દિવસ પડશે કરા

  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે કેર વરસાવ્યો છે. ગુજરાતમાં ઉનાળાના સમયે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. ત્યારે આ ખેડૂતોને તો નુકસાન થયું જ છે પણ માવઠું લોકો માટે પણ મોત લઇને આવ્યું છે. રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ચાર ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

 • 18 Mar 2023 01:47 PM (IST)

  વિદેશ મંત્રી એસ જયશંકરના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- વિદેશી ધરતી પર રાહુલે ચીનના વખાણ કર્યા અને ભારતને નકાર્યું

  રાહુલ ગાંધીના લંડનના નિવેદન પર વિદેશ મંત્રી જયશંકરે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે રાહુલ ગાંધી યુકે જાય છે અને ચીનના વખાણ કરે છે પરંતુ ભારતની ઉપલબ્ધિઓને નકારી કાઢે છે. તેમણે કહ્યું કે રાહુલ ચીનના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની પ્રશંસા કરે છે પરંતુ મેક ઈન ઈન્ડિયાને નકારે છે. કોંગ્રેસીઓએ દેશમાં બનેલી કોવેક્સિનને નકામી ગણાવી છે.

  જયશંકરે 2011માં મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી એક કિસ્સો કહીને રાહુલને સંદેશો પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે વિપક્ષના નેતા હોવા છતાં મોદી ચીનમાં એવું કંઈ કહેવા માંગતા ન હતા જે દેશની વિરુદ્ધ હોય. વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી સરહદ પર તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

 • 18 Mar 2023 01:13 PM (IST)

  કરૌલીમાં બોટ અકસ્માત, 8 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા, 1ની લાશ મળી

  રાજસ્થાનના કરૌલીમાં ચંબલ નદી પર એક મોટો અકસ્માત થયો છે. ચંબલ નદી પાર કરતી વખતે આઠ શ્રદ્ધાળુઓ ડૂબી ગયા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. 17 લોકો બોટ દ્વારા નદી પાર કરી રહ્યા હતા. આમાંથી 9 લોકો ચંબલના કિનારે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના તમામ શ્રદ્ધાળુ કરૌલી જઈ રહ્યા હતા.

 • 18 Mar 2023 12:08 PM (IST)

  શ્રી અન્નને વૈશ્વિક ચળવળ બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું - પીએમ મોદી

  ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આ પ્રકારની ઘટનાઓ માત્ર ગ્લોબલ ગુડ માટે જ જરૂરી નથી પરંતુ ગ્લોબલ ગુડમાં ભારતની વધતી જવાબદારીનું પ્રતીક પણ છે." શ્રી અન્ન એટલે દેશના આદિવાસી સમાજનું અભિવાદન. શ્રી અન્ન એટલે રસાયણ મુક્ત ખેતી. અમે શ્રી અન્નને વૈશ્વિક ચળવળ બનાવવા માટે દિવસ-રાત કામ કર્યું. અહીં મુખ્યત્વે બાજરીની ખેતી થાય છે.

 • 18 Mar 2023 12:03 PM (IST)

  પટિયાલા હાઉસ કોર્ટે સુકેશની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો

  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરે કેસને અન્ય જજને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. સુકેશ ચંદ્રશેખરે અરજીમાં જજ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

 • 18 Mar 2023 11:47 AM (IST)

  પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો

  દિલ્હીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુબ્રમણ્યમ હોલમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ના) કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 • 18 Mar 2023 11:45 AM (IST)

  આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6ની તીવ્રતા

  આસામમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. આ ભૂકંપ જોરહાટમાં આવ્યો છે.

 • 18 Mar 2023 09:46 AM (IST)

  PM મોદી ભારત-બાંગ્લાદેશ ઊર્જા પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પ્રથમ ભારત-બાંગ્લાદેશ ઊર્જા પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. બંને દેશો વચ્ચે આ પ્રથમ ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. તેને લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ નિર્માણ કાર્યોમાં બાંગ્લાદેશમાં પાઈપલાઈન નાખવામાં 285 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતે તેને તૈયાર કરવામાં આર્થિક મદદ કરી છે.

 • 18 Mar 2023 09:45 AM (IST)

  J&K: પુલવામામાં અકસ્માત, બસ પલટી જતાં 4નાં મોત

  જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર એક બસ પલટી ગઈ, જેમાં ઘણા મુસાફરો ઘાયલ પણ થયા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે તેમાંથી ત્રણનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું

 • 18 Mar 2023 09:34 AM (IST)

  ‘રમઝાનમાં એક કલાક મોડા ઓફિસ આવો, એક કલાક વહેલા નીકળી જાઓ…’ મુસ્લિમ કર્મચારીઓને નીતિશની ભેટ !

  બિહારની મહાગઠબંધન સરકારે રમઝાનને લઈને સરકારી મુસ્લિમ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારે રાજમાનને લઈને આદેશ જારી કર્યો છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયમાંથી આવતા સરકારી કર્મચારીઓને તેમના કાર્યાલયમાં નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડા આવવા અને નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ” સરકારના આ નિર્ણય અંગે કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે કર્મચારીઓને રમઝાન મહિનામાં રાહત મળશે.

 • 18 Mar 2023 08:49 AM (IST)

  SIAએ કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા

  આજના દિવસની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં દરોડા સાથે થઈ છે. રાજ્ય તપાસ એજન્સી શનિવારે સવારે મધ્ય અને દક્ષિણ કાશ્મીરના ઘણા ભાગોમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સ્થાનિક પોલીસ અને CRPFની ટીમે ઘણી જગ્યાએ આ દરોડા પાડ્યા હતા. અનંતનાગ, કુલગામ, શોપિયાં અને શ્રીનગર જિલ્લામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે SIA કાશ્મીરમાં પહેલાથી જ નોંધાયેલા કેસોમાં જ સર્ચ કરી રહી છે. દરોડાની વિગતો પછીથી શેર કરવામાં આવશે.

 • 18 Mar 2023 07:57 AM (IST)

  CISF Recruitment 2023 : અગ્નિવીર માટે સરકારની મોટી જાહેરાત, હવે CISFમાં પણ 10% રિઝર્વેશન, વય મર્યાદામાં પણ છૂટ

  CISF Recruitment 2023 : સેનામાં અગ્નિવીર હેઠળ ભરતી થયેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ભરતી (Govt jobs 2023) માં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ અંગે સરકારે આદેશ કર્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ ફિઝિકલ એફિશિએન્સી ટેસ્ટમાં પણ છૂટ આપવામાં આવશે.

  ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ CISF દ્વારા હાથ ધરવામાં આવતી ભરતીમાં મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે. ઉંમરમાં છૂટછાટ અરજદાર અગ્નિવીરની પ્રથમ બેચનો છે કે પછીની બેચનો છે તેના પર નિર્ભર રહેશે. તે જ સમયે ગૃહ મંત્રાલયે તાજેતરમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે બીએસએફની ભરતી માટે સમાન જાહેરાત કરી હતી.

 • 18 Mar 2023 07:55 AM (IST)

  તાપીમાં ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો, માવઠાને પગલે ખેડૂતોની વધી ચિંતા, વાંચો Latest Weather Update

  તાપી જિલ્લામાં સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કરા સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં કરા સાથે વરસાદ પડ્યો છે.માવઠાને પગલે ચણા,મકાઈ અને તુવેર સહિતના પાકને નુકશાનની ભિતી છે.ત્યારે હાલ ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે.

  કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકશાનની ભિતી

  હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

 • 18 Mar 2023 07:54 AM (IST)

  Gujarat Newws Live: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં, અનેક વિકાસ કામોનું કરશે લોકાર્પણ

  Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો સાથે જ ગાંધીનગર સિવિલમાં અમિત શાહ દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તો આ તરફ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે. તેમજ વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે.

 • 18 Mar 2023 07:53 AM (IST)

  Maharashtra : ‘વાયરસ’નો ડબલ અટેક ! કોરોના કેસ 200 નજીક, H3N2 થી વધુ એક મોત થતા લોકોમાં ફફડાટ

  મહારાષ્ટ્રમાં કોરોના અને H3N2 કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે અકોલામાં H3N2 થી વધુ એક મૃત્યુ થયું છે. 7 વર્ષના બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ બાળક વાશિમ જિલ્લાનો રહેવાસી હતો. અકોલાની ખાનગી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ રીતે મહારાષ્ટ્રમાં H3N2 થી મૃત્યુઆંક ત્રણ થઈ ગયો છે. આ પહેલા અહમદનગરના એક મેડિકલ સ્ટુડન્ટ અને પિંપરી ચિંચવાડના એક વૃદ્ધનું મોત થયુ હતુ.

 • 18 Mar 2023 07:47 AM (IST)

  હું સલમાનને મારીને જ દમ લઈશ- લોરેન્સ બિશ્નોઈ

  બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના જીવનની પાછળ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ફરી એકવાર આગ બુઝાવી છે. હવે જેલના સળિયાની અંદરથી લોરેન્સે ધમકી આપી છે કે જે દિવસે હું સલમાન ખાનને મારીશ તે જ દિવસે હું સાચો ગુંડો બની જઈશ. જેલની અંદર સાંકળોથી બાંધેલા ગેંગસ્ટરના આ અભદ્ર ભાષણે એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

 • 18 Mar 2023 07:46 AM (IST)

  ઈન્ફલ્યુએન્ઝા વચ્ચે કોરોનાએ દેશમાં ચિંતામાં વધારો કર્યો

  ભારતમાં હવામાન બદલાવાની સાથે જ કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 796 કેસ નોંધાયા છે. આ સાથે 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000ને વટાવી ગઈ છે. કોરોનાના કેસોમાં વધારો થતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે.

 • 18 Mar 2023 07:45 AM (IST)

  સિસોદિયાના ED રિમાન્ડમાં 5 દિવસનો વધારો કરવામાં આવ્યો

  દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ED કસ્ટડી વધુ 5 દિવસ માટે લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવતા સિસોદિયાના રિમાન્ડ વધુ 5 દિવસ માટે લંબાવ્યા હતા. જો કે, કોર્ટે તેને તેના પરિવારના ખર્ચ અને તેની પત્નીના મેડિકલ ખર્ચ માટે રૂ. 40,000 અને રૂ. 45,000ના ચેક પર સહી કરવાની મંજૂરી આપી છે.

 • 18 Mar 2023 07:44 AM (IST)

  આ અઠવાડિયે વધુ બે મૃતદેહો મૂકવામાં આવશે - ગોલ્ડી બ્રારની ખુલ્લી ધમકી

  પંજાબમાં ગેંગસ્ટર ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર જગ્ગુ ભગવાનપુરિયા અને કૌશલ ચૌધરીને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેણે કહ્યું છે કે તે આ અઠવાડિયાના અંતમાં પહેલા જગ્ગુ ભગવાનપુરિયા અને કૌશલ ચૌધરીને મારી નાખશે. તમારે જે કરવું હોય તે કરો. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે ન તો અમે કોઈની સલાહ પર રોકાયા હતા અને ન તો હવે રોકીશું.

 • 18 Mar 2023 07:42 AM (IST)

  જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે રાજકીય હલચલ તેજ બની

  નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા રાષ્ટ્રીય જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના 13 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણી પંચ અને વિરોધ પક્ષોના નેતાઓને મળશે. આ નેતાઓની બેઠકનો એજન્ડા જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. વર્ષ 2018માં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં કોઈ ચૂંટાયેલી સરકાર બની નથી.

 • 18 Mar 2023 07:41 AM (IST)

  પુતિન મુશ્કેલીમાં, આંતરરાષ્ટ્રીય કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું

  યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બાળકોના અધિકારોના મામલામાં વિશ્વ અદાલતે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ કહ્યું કે, કોર્ટે યુક્રેનિયન બાળકોના ગેરકાયદેસર દેશનિકાલના સંબંધમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે.

 • 18 Mar 2023 07:41 AM (IST)

  CJIને ટ્રોલ કરવા પર 13 સાંસદોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

  13 વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુર્ણની ઓનલાઈન ટ્રોલિંગ અંગે કાર્યવાહીની માંગ કરી છે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં, વિરોધ પક્ષોના 13 સાંસદોએ ટ્રોલ આર્મીનો ઉલ્લેખ કર્યો છે અને ટ્રોલિંગને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ વિ એકનાથ શિંદે કેસની સુનાવણી સાથે જોડ્યું છે.

 • 18 Mar 2023 07:40 AM (IST)

  ચાઈનીઝ એપ્સ પર EDની ઝીણવટભરી નજર, સ્ક્રૂ કડક

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચીની એપ્સમાં મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ઘણા લોકોને છેતરવાનો આરોપ છે. EDએ પેમેન્ટ ગેટવે એપ રેઝરપે, ચીની રાષ્ટ્રીય નિયંત્રણ ધરાવતી ત્રણ ફિનટેક કંપનીઓ, ઘણી NBFC અને અન્ય કેટલીક સામે ચાર્જશીટ ફાઇલ કરી

 • 18 Mar 2023 07:40 AM (IST)

  ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. તોશાખાના કેસમાં તેમની સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને રાહત આપતા બિનજામીનપાત્ર વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે કોર્ટે ઈમરાન ખાનને નીચલી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

Published On - Mar 18,2023 7:38 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati