
આજે 16 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
17 મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ સેલ અને કમિટીઓ દ્વારા આ આયોજનો કરવામાં આવતા હોય છે જેમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી ના સાંસ્કૃતિક સેલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મદિવસ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરીમાં વિશેષ 73 ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
મહીસાગરના કડાણા ડેમ માંથી કાલે પાણી છોડવામાં આવશે. મહીસાગર નદી માં પાણી છોડતા હાડોડ અને ઘોડિયાર નાં જૂના બ્રિજ બંધ રાખવા જીલ્લા કેલકટરે આદેશ કરાયો છે. કાલે દિવસ દરમિયાન જૂના બંને પુલો પર વાહન વ્યવહાર બંધ રાખવા આદેશ. જીલ્લા પોલીસ ના કર્મચારીઓ ને સુરક્ષા ની જવાબદારી ના આદેશ. કડાણા ડેમ માં દિવસ દરમિયાન ગમે ત્યારે પાણી છોડવામાં આવશે
પ્રાંતિજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ડાંગર અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. ભાંખરીયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીના અને વિજયનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં મેઘમહેર. સાંજ સુધી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. સાગબારામાં 6 કલાકમાં 3 ઈંચ વરસાદ. અનેક કોઝ-વે પાણીમાં ડૂબ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો મોદીના જન્મદિવસ પર અનેક ભેટ આપતા હોય છે. આ વચ્ચે અમદાવાદમાં રહેતા એક મુસ્લિમ યુવાન સલીમ શેખે વડાપ્રધાનને આપવા અનોખી ભેટ તૈયાર કરી છે. સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી તેના આર્ટમાં વ્યક્ત કરી એક ચિત્ર બનાવ્યું છે.
આજે વહેલી સવારથી જ બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં મેઘ મહેર જોવા મળી છે. જરુરિયાતના સમયે જ વરસાદ વરસવાથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ઓછો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી, કદવાલ, સુખસર, ફતેપુરા, લીમખેડા, દેવગઢબારિયા, ધાનપુર સહિતના તાલુકામાં વરસાદ પડયો હતો. વરસાદના પગલે ડાંગર, મકાઇ સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશ થયા હતા.
વાહન ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને કલોલ વિસ્તારના 36 જેટલા ડીલરોએ હાઈકોર્ટમાં નિર્ણય પર સ્ટેજ માંગવામાં આવ્યો છે. ડીલર્સ પર જવાબદારી નાંખવીએ અયોગ્ય ગણાવ્યુ છે. ડીલર પાસે દસ્તાવેજોની ખરાઈ કરવાની કોઈ જ સગવડ નથી.
બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ હવે વિવાદ ઉકેલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યુ છે કે, હવે સમાધાનકારી વલણ વડે બંને પક્ષ દ્વારા હકારાત્મક વાતચીત કરી રહ્યા છે. આમ હવે આ મામલામાં સુખદ અંત આવી શકે એમ છે. ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યુ કે અમારી બંને પક્ષો સાથે વાતચીત ચાલી રહ્યા છે. સારા વાતાવરણની વચ્ચે ગણેશ મહોત્સવ ઉજવાય એવો અભિગમ છે. રાજકીય કે સામાજીક રીતે વાતાવરણ ના ડહોળાય એ અંગે અમારો પ્રયાસ છે.
એક સ્વીડિશ મહિલા પાકિસ્તાનના સ્વાત પહોંચી અને અહીંના એક યુવક સાથે લગ્ન કર્યા. સ્વાત એ પાકિસ્તાનનો ઉત્તરીય વિસ્તાર છે, જે અફઘાનિસ્તાન સરહદની નજીક આવેલો છે. પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ આજ અનુસાર, મહિલાનું નામ યંતાસથ છે, જેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના ચારબાગ તહસીલના એક યુવક સાથે લગ્ન કર્યા.
તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને લઈ પાણીની આવકનો વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક સવારથી જ સતત વધવા લાગી છે. જેને લઈ જળસપાટી 338.12 ફુટ કરતા વધારે વધી ચૂકી છે. ઉકાઈ બપોરે 12 કલાકે 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સતત પાણીની આવકને લઈ આજે બપોર સુધીમાંજ એક મીટર જેટલી જળસપાટીમાં વધારો નોંધાયો હતો.
સબવેએ પાકિસ્તાનમાં તેની સેન્ડવીચનું કદ ઘટાડીને 3 ઇંચ કર્યું છે. પહેલા તે 6 ઇંચનું હતુ્ં. તે જ સમયે, આ 3 ઇંચની સેન્ડવિચની કિંમત પાકિસ્તાનમાં હજુ પણ ઘણી વધારે છે. કંપની તેને 350 રૂપિયાથી વધુના દરે વેચી રહી છે. અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઈન સબવેએ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના લોકોને રાહત આપવા માટે 3 ઈંચની સેન્ડવિચ લોન્ચ કરી છે. આ પહેલીવાર છે જ્યારે સબવેએ વૈશ્વિક સ્તરે સેન્ડવીચનું મિની વર્ઝન લોન્ચ કર્યું છે.
ઉનાળામાં ગુજરાતવાસીઓને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) સિઝનમાં પ્રથમવાર છલોછલ થયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઇ છે.જેના પગલે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઇન્દિરાસાગર ડેમમાંથી પુષ્કળ પાણીની આવક થતાં સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી છે. સતત પાણીની આવક થતાં સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.
પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એશિયા કપ 2023ની (Asia Cup 2023 Final) ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફાઇનલ મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયામાં વોશિન્ગટન સુંદરની (Washington Sundar) એન્ટ્રી થઇ છે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ઓલરાઉન્ડર વોશિન્ગટન સુંદર ટીમ સાથે જોડાવા માટે કોલંબો રવાના થઇ ગયો છે.
સુંદરનો અક્ષર પટેલના સ્થાન પર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થયો છે. ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શ્રીલંકા સામે ફાઇનલ મેચ રમવાની છે. અક્ષર પટેલે શુક્રવારે બાંગ્લાદેશ સામે મેચ રમી હતી અને તેણે બીજી ઇનિંગમાં બેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ પણ અંતમાં ટીમની હાર થઇ હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી જ વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોવ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિનોર પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. તેમજ શિનોર, સાધલી, સેગવા, અવાખલ સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે.
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તા પર નદીઓ વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. દરકોલી દરવાજા, હાટડીયા બજાર, અસ્થાના બજાર, હુસેની ચોક, બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.
આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના ઘર પર 60 કલાક સુધી દરોડા પાડ્યા છે. આ દરમિયાન લાખો રૂપિયાની કિંમતના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. આ રેડ જોહર યુનિવર્સિટી સાથે સંબંધિત હતો, જેને બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ એસપી નેતાનો દાવો છે. વિભાગની ટીમને 10 સ્થળોએ તાળા લાગેલા જોવા મળ્યા હતા. ટેક્સ વિભાગે બે દિવસનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં 83.96 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જેમાંથી 16.90 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
હાલમાં નિપાહના દર્દીઓ કેરળના કોઝિકોડમાં જ જોવા મળી રહ્યા છે. અહીં, રાજ્યના આરોગ્ય મંત્રાલયે ગ્રામ પંચાયત સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યો છે. કુલ 6 દર્દીઓમાંથી ચાર સક્રિય છે અને બે મૃત્યુ પામ્યા છે. સંક્રમણની ઓળખ બાદ અન્ય રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન-કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં, મેડિકલ અને હેલ્થ સર્વિસ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરે તમામ જિલ્લાઓ અને મેડિકલ કોલેજોને એક એડવાઈઝરી જારી કરી છે, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે.
હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, દમણમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો 19 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જસદણના ભડલી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે ભડલી ગામે ગ્રામ્ય SOGની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના શખ્સની ધરપકડ કરી છે.
ભારતીય પીએમ નરેન્દ્ર મોદી લિડરશીપ મામલે દેશ દુનિયાના તમામ નેતાઓને પાછળ છોડીને ટોપ પર પોતાની ધાક જમાવી છે. મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેના રેટિંગની વાત કરીએ તો પીએમ મોદીને 76 પોપ્યુલારીટીમાં 76 % ટકા રેટિંગ મળ્યું છે જે વિશ્વના કોઈપણ નેતા કરતા વધુ છે.
રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત (Children death) મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે (Gondal police) મૃતક બાળકોના પિતાની પૂછપરછ હાથ ધરી છે. જેમાં બંને બાળકોને પિતા અવારનવાર દરગાહ લઇ જતો હોવાનું સામે આવ્યુ છે.
નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારે રૂ. 45000 કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીદી પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (Defense Acquisition Council – DAC) દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય વાયુસેના(Indian Air Force) 12 Sukhoi Su-30MKI Aircraft ખરીદશે.
વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ‘TIME’ એ વર્ષ 2023 માટે વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-100 (world’s best 100 companies)માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ(INFOSYS) છે. આ યાદીમાં સ્થાન મેળવનારી IT COMPANY ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે.
મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના બની હતી . અહીં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ ટ્રેન મધ્યપ્રદેશથી થોડા અંતર દૂર ટ્રેનના પાટા પરથી ઉતરી ગઈ હતી.
ટ્રેન નંબર 12494 શનિવારે સવારે 6:40 વાગ્યે રતલામ રેલવે ડિવિઝનમાં પાંચપીપલિયા-અમરગઢ વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન નિઝામુદ્દીનથી પુણે તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમરગઢ અને પાંચપીપળીયા વચ્ચે ટ્રેનનું એન્જિન અને તેની પાછળનો પાવર પ્લાન્ટ પાટા પરથી ઉતરી ગયું હતો. ડ્રાઇવરે તેના ઉપરી અધિકારીઓને આની જાણ કરી હતી. જોકે આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
ટ્રેનની આ ઘટનાથી ભારે ભાગદોડ મચી ગઈ હતી. તેમજ બીજી તરફ વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે પેસેન્જર ટ્રેન 12494 દુરંતો એક્સપ્રેસ નું ઈંજીન અને પાવર કોચ પાટા પર થી ઉતરી ગયુ હતુ. જો કે ઘટનામાં જાન હાની થઈ નથી. આ ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા લોકો ભયભીત થઈ ગયા હતા.
Share Market : સપ્તાહના અંતિમ દિવસે એટલેકે 15 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયું છે. બજારની તેજીમાં બેંકિંગ, ઓટો અને આઈટી શેરોનું સારું યોગદાન રહ્યું છે. મજબૂત ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું.
શુક્રવારે BSE સેન્સેક્સ 320 પોઈન્ટના ઉછાળા સાથે 67,838 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 20,192 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ હવે 68,000 પોઈન્ટના રેકોર્ડ આંકડાથી માત્ર જૂજ ડગલાં દૂર છે.શુક્રવારના રોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (દ્વારકા સેક્ટર-21 થી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25)ના વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે. આ પછી, નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધીની મુસાફરીમાં લગભગ 21 મિનિટનો સમય લાગશે. યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 મેટ્રો સ્ટેશન પર એક ભૂગર્ભ સુવિધા છે, જે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ટર્મિનલ 3 સાથે સીધી રીતે જોડાયેલ હશે.
ઠાસરા શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારાની સામે આવેલી ઘટનામાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ચાર શખ્સ સામે નામજોગ અને 70 લઘુમતિ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખળ થઈ છે. આ સાથે જ ગઈકાલે બનેલી ઘટનામાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે
ભારત અને કેનેડા વચ્ચે એફટીએ અંગેની વાતચીત હાલ પુરતી અટકી ગઈ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વેપાર મંત્રી મેરી એનજી ઓક્ટોબર માટે ભારતનું ટ્રેડ મિશન સ્થગિત કરી રહી છે. મંત્રીના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ કહ્યું કે આ સમયે અમે ભારત માટે આગામી વેપાર મિશનને સ્થગિત કરી રહ્યા છીએ.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટનમાં અમેરિકન એક્સએલ બુલી બ્રીડના કૂતરાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે કૂતરાની આ ખતરનાક જાતિ આપણા સમુદાયો માટે ખતરો છે. તેથી, અમે તેને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો છે જેથી લોકો તેના હિંસક હુમલાઓથી બચી શકે.
નાઈજરના સૈનિકોએ ફ્રેન્ચ રાજદૂત અને રાજદ્વારીઓને બંધક બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ જાણકારી આપી છે. મેક્રોને કહ્યું કે જન્ટાએ શુક્રવારે ફ્રેન્ચ દૂતાવાસનો કબજો મેળવી લીધો.
થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાંથી અન્ય એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તેમનું નામ અરવિંદ સંભાજી ભાટકર છે, તેમની ઉંમર 70 વર્ષ છે. તમને જણાવી દઈએ કે મૃતકોની સંખ્યા 2 પર પહોંચી ગઈ છે જ્યારે અન્ય એક મહિલાને જીવતી અને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.
Published On - 6:41 am, Sat, 16 September 23