The liveblog has ended.
-
15 Nov 2025 08:23 PM (IST)
વડોદરા: સમા વિસ્તારમાં યુવતીનું અપહરણ અને લૂંટ
વડોદરા: સમા વિસ્તારમાં યુવતીનું અપહરણ અને લૂંટ નો બનાવ સામે આવ્યો છે. 3 લોકોએ કારમાં યુવતીનું અપહરણ કરીને ઢોર માર માર્યો. ગરમ ચપ્પુથી યુવતીના શરીર પર ડામ આપ્યા. રૂપિયાની લેતીદેતીના વિવાદમાં યુવતીનું અપહરણ કર્યું. યુવતીના 3 મોબાઇલ અને દાગીના પણ લૂંટી લીધા. પોલીસે આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી યુવતી સ્પામાં કામ કરે છે. તેની ફરિયાદ મુજબ, રૂપિયા 6 હજારની લેતીદેતીમાં વિવાદ થયો હતો. જેને લઇ ત્રણેય આરોપીઓએ યુવતીનું અપહરણ કરવાનું કાવતરૂં ઘડ્યું. તેઓ યુવતીને સ્પામાંથી ઉઠાવી ગયા. તેને કારમાં બેસાડીને તાંદલજા વિસ્તારમાં લઇ ગયા..આ દરમિયાન આરોપીઓએ યુવતીને માર માર્યો. ગરમ ચપ્પુ વડે શરીરના વિવિધ ભાગો પર ડામ આપીને યાતના આપી અને તેના 3 મોબાઇલ સાથે સોના-ચાંદીના દાગીના પણ લૂંટી લીધા.
-
15 Nov 2025 07:35 PM (IST)
બનાસકાંઠામાં લુખ્ખા તત્વોની વધી દાદાગીરી
બનાસકાંઠામાં લુખ્ખા તત્વોની દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી. ધોળા દિવસે લુખ્ખાઓએ સલૂનમાં થાર કાર ઘુસાડી આતંક મચાવ્યો. દુકાનના દરવાજાને કારથી ટક્કર મારીને તોડફોડ કરવામાં આવી હતી. પાલનપુરના એરોમા સર્કલ પાસે આ બનાવ બન્યો છે. પોલીસને પડકાર ફેંકતા શખ્સોનો વીડિયો વાયરલ થયો છે.
કેટલાક લુખ્ખા તત્વો થાર કારમાં સવાર થઇને આવ્યા હતા. તેમણે કોમ્પલેક્સ પાસે પાર્ક કરેલા ટુ-વ્હીલરોને ઢસેડીને ખસેડ્યા. એ પછી, કાર લઇને ઓફરોડિંગ કરતા હોય તેવી રીતે કોમ્પલેક્સના પગથિયા કૂદાવીને કાર ઘૂસાવી. કોમ્પલેક્સમાં પ્રવેશ્યા બાદ કાર સલૂનમાં લઇ જઇને અથડાવી દીધી. આ ઘટના દરમિયાન આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી લોકોમાં અફરાતફરી મચી હતી. આ શખ્સોએ આવું કેમ કર્યુ તે તપાસનો વિષય છે. મહત્વનું છે, પોલીસને પડકાર ફેંકતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યો જોઇને કહી શકાય છે કે આ શખ્સોમાં કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય નથી. માત્ર રૂપિયાનો રોફ દેખાઇ રહ્યો છે.
-
-
15 Nov 2025 07:31 PM (IST)
ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકીઓની તપાસનો ધમધમાટ
ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકીઓની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉત્તર પ્રદેશના આતંકી આઝાદ અને સુહેલના ઘરે ગુજરાત ATS એ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આતંકી સુહેલના ઘરેથી ગુજરાત ATSને ઉર્દુમાં લખેલો કાળો ઝંડો મળ્યો છે. બન્ને આતંકીની કટ્ટરવાદી વિચારધારા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. આતંકીઓ જે મદ્રેસામાં અભ્યાસ કરતા ત્યાંના સંચાલકોના નિવેદન લેવાયા છે.
-
15 Nov 2025 06:55 PM (IST)
નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉચાપતને અંજામ આપ્યો
અમદાવાદની નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ જ 5 કરોડની ઉચાપતને અંજામ આપ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. જેનો ભાંડો ફૂટતા યુનિવર્સિટીના પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી. ઉલ્લેખનીય છે કે કોમર્સ એજ્યુકેશન અને કોર્સની બુક્સ માટે એડવાન્સ પૈસા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. જે અંગે યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ બહાર આવી અને કર્મચારી ઓડિટમાં હાજર પણ ન થયો. બાદમાં જ્યારે કર્મચારીની પૂછપરછ કરી તો તેને સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા. જે મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ.
-
15 Nov 2025 06:54 PM (IST)
મહેસાણા: કડીના કહાવા પાસે ઝડપાયો કરોડોનો દારૂ
મહેસાણા: કડીના કહાવા પાસે કરોડોનો દારૂ ઝડપાયો છે. ટ્રકમાંથી 18 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. દારૂ અને 2 વાહનો સહિત 1.88 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે. રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તો 5 શખ્સો વોન્ટેડ છે. SMC એ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
15 Nov 2025 06:24 PM (IST)
પોરબંદર: કમલાબાગ પોલીસની ગાડીમાં લાગી આગ
પોરબંદર: કમલાબાગ પોલીસની ગાડીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. નરસંગ ટેકરી પાસે પોલીસ વેનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચાલુ વાનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબુ કર્યો હતો. સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
15 Nov 2025 05:54 PM (IST)
વડોદરા: SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ
અહીં વડોદરામાં પણ ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ સામે આવી રહ્યો છે. જેને લઈ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્રિત થઈ BLO અંગેની કામગીરી માટે રજૂઆત કરી કે શિક્ષકો કામગીરીમાં રોકાયેલા હોવાથી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને સાથેસાથે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ કામગીરી સોંપે તેવી પણ માગ કરવામાં આવી. હવે શિક્ષકોની રજૂઆત સામે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું.
-
15 Nov 2025 05:51 PM (IST)
ગાંધીનગર: સાયબર ક્રાઇમની ટીમની મોટી કાર્યવાહી
ગાંધીનગર: સાયબર ક્રાઇમની ટીમે મોટી કાર્યવાહી કરી છે. યુવાનોને નોકરીની લાલચ આપીને ફસાવનારા 3 લોકોને પકડ્યા છે. જુનાગઢના દંપતી અને આણંદના વ્યક્તિની ધરપકડ કરી છે. ગેંગના સભ્યો અન્ય એજન્ટો સાથે મળીને યુવાનોને વિદેશ મોકલીને ઠગતા હતા. ગેંગ રાજ્ય અને વિદેશના એજન્ટો સાથે સંપર્કમાં હતી
ઠગબાજ ગેંગનું પાકિસ્તાનના એજન્ટો સાથે કનેક્શન ખુલ્યું છે. ગેંગે પાકિસ્તાનના નાગરિકો સાથે દુબઇમાં મુલાકાત કરી હતી. 31 યુવાનોને નોકરીની લાલચ આપીને વિદેશ મોકલ્યાનો ખુલાસો થયો છે. ગેંગ દ્વારા યુવાનોને દુબઇ, મલેશિયા, વિયતનામ મોકલ્યાનું ખુલ્યું છે.
-
15 Nov 2025 05:49 PM (IST)
પૂરઝડપે આવતી કારે બાઈક પર રહેલા બે હોમગાર્ડ જવાનને મારી ટક્કર
અમદાવાદના SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઇકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો. હાજર લોકોએ બુમાબુમ કરતા નજીકના પોઇન્ટ પર ઊભેલા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંને હોમગાર્ડને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત કરનાર કારચાલક નશાની હાલતમાં હતો. જે પહેલેથી જ 3 શ્રમિકને અડફેટે લઈને આવ્યો હતો. જે બાદ બીજો અકસ્માત સર્જ્યો હતો. સરખેજ પોલીસે અકસ્માત કરનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
15 Nov 2025 05:17 PM (IST)
બિહારીઓને દુનિયાને રાજનીતિ શીખવવાની તાકાત રાખે છે- મોદી
નેશન ફર્સ્ટ, કામ ભલે ગુજરાતમાં કરતા હતા પરંતુ ગુજરાતનો વિકાસ દેશનો વિકાસ બને, હિંદુસ્તાનનો દરેકે દરેક ખૂણો અમારા માટે પૂજનીય છે, વંદનીય છે. બિહારનું ગૌરવ કરવુ, બિહારના સામર્થ્યનો સ્વીકાર કરવો અમારા માટે સહજ છે. સુરતના મીડિયાને કહીશ કે તેઓ થોડુ રિસર્ચ કરશે તો તેમના અખબારમાં એક વસ્તુ છુપાયેલી છે. બિહારના 100 વર્ષ થયા તો બિહારમાં તો તેની ઉજવણી સ્વાભાવિક હતી પરંતુ બિહાર બહાર ગુજરાતમાં આનબાનશાન સાથે 100 વર્ષની ઉજવણી કરાઈ હતી અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે પ્રગતિ કરેલા બિહારી ટેલેન્ટનું અમે સુરતમાં સન્માન કર્યુ હતુ. બિહારની ટેલેન્ટ, બિહારની તાકાતને અમે પહેલેથી ઓળખીયે છીએ. આ ચૂંટણી પર સુરતમાં રહેતા બિહારી ભાઈની પળેપળ નજરો ટકેલી હતી. બિહારીઓને રાજનીતિ સમજવી નથી પડતી તેઓ દુનિયાને રાજનીતિ શીખવવાની તાકાત રાખે છે.
-
15 Nov 2025 05:12 PM (IST)
સુરત: PM મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ એરપોર્ટ પર તડામાર તૈયારી
સુરત: PM મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ ઍરપોર્ટ પર તડામાર તૈયારી થઈ રહી છે. સુરતમાં ઍરપોર્ટ બહાર સભાને સંબોધશે વડાપ્રધાન મોદી. બિહાર ચૂંટણી જીત્યા બાદ બિહારના વતનીઓ દ્વારા અભિવાદન સમારોહ રખાયો છે. સુરતમાં વસતા બિહારના લોકોએ PM મોદીનું અભિવાદન કર્યુ. 10 થી 15 હજાર લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એરપોર્ટ ખાતે બનેલા મંચથી PM મોદીનું સંબોધન રાખવામાં આવ્યુ છે. 1,500થી વધુ પોલીસકર્મી સહિતનો સ્ટાફ સુરક્ષા અને કાર્યક્રમની તૈયારીમાં
ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બાદ સુરતમાં વસતા બિહારના વતનીઓએ PM મોદીના અભિવાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રજૂઆત કર્યા બાદ PM મોદીએ હા પાડી. અને માત્ર ત્રણ જ કલાકમાં એરપોર્ટ બહાર તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ.
-
15 Nov 2025 05:09 PM (IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી સુરત ઍરપોર્ટ ખાતે પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી સુરત એરપોર્ટ પહોંચ્યા. સુરતમાં વસતા બિહારના લોકોનું ઍરપોર્ટ પરથી અભિવાદન જીલતા જીલતા તેઓ પહોંચ્યા હતા. બિહાર ઈલેક્શન જીત્યા બાદ વડાપ્રધાન સુરતની મુલાકાતે આવ્યા છે. મોટી સંખ્યામાં બિહારીઓ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.
-
15 Nov 2025 04:02 PM (IST)
દેવબોઘરા માતાના મંદિરથી વિકાસ કામોની શરૂઆત થઈ- PM મોદી
ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આપણી સાથે છે. હું આ મંચથી ગોવિંદ ગુરુને પ્રણામ કરુ છુ. મને માના દર્શનનો સૌભાગ્ય પ્રાપ્ત થયુ. હું માના ચરણોમાં પણ ફરી નમન કરુ છુ. કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન મહાકાલ, અયોધ્યા, અને કેદારનાથ ધામની ચર્ચા થાય છે. છેલ્લા એક દાયકામાં આવા ઘણા ધાર્મિક ઐતિહાસિક સ્થળોનો વિકાસ થયો છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે મે જ્યારે 2003માં મુખ્યમંત્રીના રૂપમાં જ્યારે કન્યા કેળવણી માટે ડેડિયાપાડામાં આવ્યો હતો ત્યારે હું માના ચરણોમાં નમન કરવા ગયો હતો. એ સમયે મંદિરની સ્થિતિ મે જે જોઈ તે એક નાની ઝૂંપડી જેવી જગ્યા હતી. અને મારા જીવનમાં મારા હાથે પુન:નિર્માણના કામોની શરૂઆત થઈ હોય તો ગર્વ સાથે કહી શકુ કે એ દેવબોઘરા માતાની મંદિરના વિકાસથી થઈ હતી.
-
15 Nov 2025 03:52 PM (IST)
વડાપ્રધાને કોંગ્રેસ પર આદિવાસીઓને વિકાસ રૂંધવાનો લગાવ્યો આરોપ
વડાપ્રધાને કહ્યુ કોંગ્રેસે આદિવાસીઓને એમના હાલ પર છોડી દીધા. “આદિવાસી વિસ્તારોમાં કુપોષણ અને સ્વાસ્થ્યની સમસ્યા હતી, આદિવાસી વિસ્તારમાં વિકાસ રૂંધાયો, એક રીતે આદિવાસીઓને વિકાસથી વંચિત રખાયા હતા, આદિવાસીઓનું કલ્યાણ પહેલાથી ભાજપનું ધ્યેય રહ્યો છે, કોંગ્રેસની સરકારોએ આદિવાસીઓ સાથે અન્યાય કર્યો.
-
15 Nov 2025 03:49 PM (IST)
આજે દરેક ક્ષેત્રે આદિવાસી યુવકો આગળ વધી રહ્યા છે-PM મોદી
એકલવ્ય મોડલ આદિવાસી સ્કૂલ માટે 18000 કરોડનો ખર્ચ કરાયો. આદિવાસી યુવાઓને જ્યારે અવસર મળે છે તો તેઓ દરેક ક્ષેત્રમાં આગળ આવવાની તાકાત રાખે છે. તેમની હિંમત અને તેમની કાબેલિયત તેમને વારસામાં મળેલા હોય છે. આપણે મેરી કોમ, દુતી ચંદ, જેવા ખેલાડીઓના નામ સાંભળ્યા હતા. હવે અનેક મોટી પ્રતિયોગીતામાં ટ્રાયબલ ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. મહિલા ક્રિકેટ ટીમમાં પણ આદિવાસી દીકરીની પ્રતિભા જોવા મળી છે.
-
15 Nov 2025 03:43 PM (IST)
કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો
દેશમાં 6 દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા, આદિવાસીઓમાં કુપોષણની સમસ્યા, શિક્ષણનો અભાવ, કનેક્ટીવિટીનું નામોનિશાન ન હતુ. આ અભાવ જ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગઈ અને કોંગ્રેસની સરકારો હાથ પર હાથ ધરીને બેઠી રહી. પરંતુ ભાજપ માટે આદિવાસી કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિક્તા રહી. અમે આદિવાસીઓે સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરશુ. તેમના સુધી વિકાસ પહોંચાડશુ. આઝાદી બાદ પણ આ સમાજ માટે કોઈ કામ થયા નહીં. આદિવાસી સમાજ તો ભગવાન રામ સાથે જોડાયેલો છે. એટલો જુનો સમાજ છે પરંતુ 6-6 દાયકા સુધી કોંગ્રેસની સરકારોએ તેમના ઉત્થાન માટે કોઈ કામો કર્યા નહીં.
-
15 Nov 2025 03:41 PM (IST)
2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારનું નહોંતુ- PM મોદી
આવનારી પેઢી યાદ રાખે એટલા માટે દેશમાં અનેક ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજપીપળામાં 25 એકર જમીન પર ટ્રાયબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યુ છે. રાંચીમાં જે જેલમાં ભગવાન બિરસા મુંડા રહ્યા, ત્યાં ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે. અહીં ભીલ, ગામીત, વસાવા, ગરાસીયા, કોંકણી, ચૌધરી, ડબલા, નાયક, કુંભી, વરલી સહિતની જનજાતિઓની બોલીઓનું અધ્યયન થશે, તેમની જીવનશૈલીમાં વિજ્ઞાન છુપાયેલુ છે. તેમની કહાનીઓમાં દર્શન છે. તેમની ભાષામાં પર્યાવરણની સમજ છે. શ્રી ગોવિંદ ગુરુ ચેન આ સમૃદ્ધ પરંપરા સાથે નવી પેઢીને જોડવાનું કામ કરશે.
-
15 Nov 2025 03:37 PM (IST)
સ્વતંત્રતા સંગ્રામના જનજાતિ સમાજના યોગદાનને ભૂલાવી ન શકાય-PM મોદી
આદિવાસી સમાજે અગણિત ક્રાંતિઓ થકી આઝાદી માટે પોતાનું રક્ત વહાવ્યુ. ગોવિંદ ગુરુ જેમણે ભગત આંદોલનનું નેતૃત્વ કર્યુ. રાજા રૂપસિંહ નાયક, જેમણે બ્રિટીશ સરકાર સામે મોટી લડત આપી. સેંકડો આદિવાસીઓએ દેશ માટે શહાદત વહોરી. જલિયાવાલા જેવી ઘટના સાબરકાંઠાના પાલચિતરાયામાં ઘટી. સ્વતંત્રતા સંગ્રામના આવા કેટલાય આધ્યાય, જનજાતિય ગૌરવ અને આદિવાસી શૌર્યથી રંગાયેલા છે.
-
15 Nov 2025 03:35 PM (IST)
નર્મદામાં રોડ શો બાદ વિશાળ જનસભાને વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. તેઓ આજે નર્મદામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ત્યારે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમીત્તે તેઓ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ 9700 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમીત્તે ડેડિયાપાડામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે.
-
15 Nov 2025 02:42 PM (IST)
દિલ્હી બ્લાસ્ટ: પોલીસે નૂહથી બે લોકોની ધરપકડ કરી
પોલીસે દિલ્હી બ્લાસ્ટના સંબંધમાં હરિયાણાના નૂહથી બે લોકોની ધરપકડ કરી છે. તેઓ અલ ફલાહ યુનિવર્સિટીના ઘણા ડોકટરોની પણ શોધ કરી રહ્યા છે.
-
15 Nov 2025 02:40 PM (IST)
વાવ થરાદ: યુરિયા ખાતર માટે લાઈનમાં લાગ્યા ખેડૂતો
વાવ-થરાદ વિસ્તારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ખરાબ સ્થિતિ સર્જાઈ છે. થરાદ અને ખેંગારપુરાના ખાતર કેન્દ્રો પર ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. શિયાળુ પાક માટે જરૂરી યુરિયા ખાતરમાં અછત સર્જાઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે તેઓ સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા, તેમ છતાં તેમને ખાતર મળી શક્યું નથી. સતત વધતી તંગીને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળે છે. ખેડૂતો સરકારે તરત જ ખાતરની અછત દૂર કરીને યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠાવી છે.
-
15 Nov 2025 01:46 PM (IST)
ભાવનગરઃ લગ્નના દિવસે યુવતીની હત્યાથી ચકચાર
ભાવનગરઃ લગ્નના દિવસે યુવતીની હત્યાથી ચકચાર મચી છે. પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી મૃતદેહ મળવાનો મામલે ખુલાસો થયો છે. લગ્નના દિવસે જ તેના ભાવિ પતિએ હત્યા કરી. લગ્ન થાય તે પૂર્વે યુવતીની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
-
15 Nov 2025 01:02 PM (IST)
ડેડીયાપાડામાં PM મોદીનો ભવ્ય રોડ-શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈ સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. PM મોદી નર્મદા જિલ્લામાં 9700 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. ડેડીયાપાડામાં તેમના આગમનને અનુલક્ષીને ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10થી વધુ સાંસ્કૃતિક સ્ટેજ પરંપરાગત રીતે વડાપ્રધાનનું સ્વાગત કરશે. PM મોદી દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરીને પોતાની મુલાકાતની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ ડેડીયાપાડામાં યોજાનારી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપશે, જે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમર્પિત વિશેષ કાર્યક્રમ રહેશે. અંતે, વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધિત કરીને વિકાસ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ સંદેશો આપશે.
-
15 Nov 2025 12:59 PM (IST)
સુરત: સીનસપાટા કરતા યુવકોની શાન પોલીસે ઠેકાણે લાવી
સુરત: સીનસપાટા કરતા યુવકોની શાન પોલીસે ઠેકાણે લાવી. ડભોલી વિસ્તારમાં બંદૂકથી રોફ જમાવતા યુવકોની અટકાયત કરવામાં આવી. યુવકોએ જાહેરમાં બંદૂક બતાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો.
ટ્રિપલ સવારીમાં યુવકો હાથમાં બંદૂક રાખી રોફ જમાવ્યો. વીડિયો વાયરલ થતાં પોલીસે ઈસમો પાસે માફી મંગાવી.
-
15 Nov 2025 12:53 PM (IST)
અમદાવાદ: ઘાટલોડિયામાં દુકાનમાં આગ લાગતા દોડધામ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક પાસે આવેલા શ્રીકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમા હફડો મચી ગયો. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની અંદાજે 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને બચાવ કામગીરી શરૂ કરી. આગ ઝડપથી ફેલાતી હોય, સ્થિતિ ગંભીર બનતા ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિયંત્રણ સંભાળ્યું. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર મહદંશે કાબૂ મેળવી લીધો છે. સદનસીબે કોઈ જાનહાનિ ન હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજી બાકી છે.
-
15 Nov 2025 11:53 AM (IST)
વલસાડ: તલવારથી કેક કાપીને સીનસપાટા કરનારા ઝડપાયા
વલસાડ: તલવારથી કેક કાપીને સીનસપાટા કરનારા ઝડપાયા છે. જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે તલવાર વડે કેક કાપતા યુવક અને તેના મિત્રની ધરપકડ કરી. જાહેરમાં ગાડી પર કેક મુકીને યુવકે ઉજવણી કરી હતી. રોફ જમાવવા તલવાર વડે કેક કાપવાનો વીડિયો વાયરલ થયો હતો.
-
15 Nov 2025 11:41 AM (IST)
નૌગામ પોલીસ સ્ટેશન વિસ્ફોટ એક અકસ્માતથી વધુ કંઈ નહોતો – ડીજીપી નલિન
જ્યારે વિસ્ફોટ થયો ત્યારે એફએસએલ ટીમ નમૂનાઓ એકત્રિત કરી રહી હતી. નૌગામ પોલીસ સ્ટેશન વિસ્ફોટ અંગે ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું હતું કે તે એક અકસ્માતથી વધુ કંઈ નહોતું. ફરીદાબાદમાંથી વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા.
-
15 Nov 2025 11:08 AM (IST)
સુરેન્દ્રનગર: ચુડા તાલુકામાં યુવતીની હત્યા થતા ચકચાર
સુરેન્દ્રનગર: ચુડા તાલુકામાં યુવતીની હત્યા થતા ચકચાર મચી છે. ઝોબાળા ગામે રાણપુર કંપનીમાં કામ પર જતી યુવતી પર હુમલો થયો. અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકીને યુવતીને મોતને ઘાટ ઉતારી.
હત્યા નિપજાવ્યા બાદ આરોપી શખ્સ ફરાર થયો. પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
15 Nov 2025 10:29 AM (IST)
અમદાવાદ: GTU દ્વારા પરીક્ષાના પેપરમાં છબરડાનો આરોપ
અમદાવાદમાં ગૂજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ફરી એકવાર વિવાદમાં છે. સેમેસ્ટર 7ના સિવિલ એન્જિનિયરિંગના પરીક્ષા પેપર વિશે વિદ્યાર્થીઓએ ગંભીર છબરડાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ GTUએ 19-11-2024ના પરીક્ષા પેપરમાં ગયા વર્ષના જ પેપરને માત્ર તારીખ બદલીને ફરી આપી દીધું હતું. માત્ર તારીખ જ નહીં, પરંતુ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પણ એ જ હતા, જેમાંથી ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટ તરીકે પહેલેથી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં પેપર સેટર પ્રોફેસરની ગંભીર બેદરકારી સામે આવી છે.
-
15 Nov 2025 09:32 AM (IST)
મહેસાણા: સરકારી અનાજ સગેવગે કરાયું હોવાનો આરોપ
મહેસાણા: સરકારી અનાજ સગેવગે કરાયું હોવાનો આરોપ છે. કડી માર્કેટયાર્ડની પેઢીમાંથી સરકારી અનાજ ઝડપાયું. પેઢીમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો. 18 હજારથી વધુ કિલો ચોખા અને 13 હજારથી વધુ કિલો ઘઉં ઝડપાયા. પોલસે કુલ 23 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પેઢી માલિક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
-
15 Nov 2025 08:10 AM (IST)
ગુજરાત ATSને મળી મોટી સફળતા, પંજાબના ગ્રેનેડ અને હથિયાર તસ્કરીનો આરોપી ઝડપાયો
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. પંજાબના ગ્રેનેડ અને હથિયાર તસ્કરીનો આરોપી ઝડપાયો. આરોપી ગુરતિબ્બત સિંહની હાલોલથી ધરપકડ કરી. પંજાબ પોલીસની બાતમીના આધારે ગુજરાત ATSએ ધરપકડ કરી. આ કેસમાં પહેલા પણ 2 લોકોની ધરપકડ થઈ ચુકી છે. આરોપી પાક. સાથેનાં આતંકી નેટવર્કમાં સંડોવાયેલો હોવાની પણ આશંકા છે.
-
15 Nov 2025 08:07 AM (IST)
અમદાવાદઃ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના ASI પર લાંચ માંગવાનો આરોપ
અમદાવાદઃ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના ASI પર લાંચ માંગવાનો આરોપ છે. વીઝા કન્સલ્ટન્ટ પાસે એક કરોડની લાંચ માગ્યાનો આરોપ છે. 10 લાખની લાંચ લેતા પ્રજાજન ચિત્રેશ સુતરીયાને ACBએ ઝડપ્યો.
29 જુલાઈ ના રોજ સીજી રોડ પર વિઝા કન્સલ્ટન્ટ ઓફિસ પર દિલ્હી ક્રાઈમ રેડ કરી હતી. ઓફિસમાં લેપટોપ , 17 પાસપોર્ટ ,આધારકાર્ડ સહિતના અન્ય પુરાવા મળી આવ્યા હતા..
ફરિયાદી નામ નહી ખોલવાના અને કબજે લીધેલ દસ્તાવેજ પરત આપવાના બદલામાં એક કરોડની લાંચની માંગણી કરી હતી
-
15 Nov 2025 07:29 AM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સુરત અને નર્મદા જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન મોદી. સૌ પ્રથમ વડાપ્રધાન મોદી સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે ત્યાર બાદ વડાપ્રધાન મોદી સુરતથી નર્મદા રવાના થશે જ્યાં આદિવાસી સમાજ માટે આસ્થાના પ્રતિક ગણાતા દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરશે..ત્યાર બાદ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજંયતિ નિમિત્તે ડેડિયાપાડામાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ થશે. ડેડિયાપાડામાં વિશાળ જનસભાને સંબોધન કરશે અને ગુજરાતને 9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.