
આજે 12 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંચમહાલઃ હાલોલમાં પાવાગઢ રોડ પર ચેઈન સ્નેચિંગ નો બનાવ સામે આવ્યો છે. મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરી છે. લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઈ છે. સરનામું પૂછવાના બહાને બે ગઠિયાએ લૂંટ કરી હતી.
પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે.
સુરત: દિવાળીને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો. તહેવાર મનાવવા વતન જવા નીકળ્યા પરપ્રાંતિય લોકો. ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની લાગી લાંબી કતારો. ઉત્તરપ્રદેશ, બિહારના લોકોનો વતન જવા ભારે ધસારો
પ્લેટફોર્મ નં.6 પાસે એક કિ.મી. લાંબી મુસાફરોની લાઈન. મધરાતે 12 વાગ્યાથી લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા
અગવડતા પડતા ટ્રેનોની સંખ્યા વધારવાની મુસાફરોએ માગ કરી છે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે RPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેલવે પોલીસની સાથે શહેર પોલીસ પણ સતત ખડેપગે છે
સાબરકાંઠાનાં પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર યુવતીને ભગાડવાના આરોપથી સનસનાટી. વ્યવસાયે શિક્ષક એવા શહેર ભાજપનાં શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ પર શિક્ષણને લાંછન લગાવવાનો આરોપ છે. યુવક યુવતીને લગ્નનાં ઇરાદે ભગાડી ગયાનો આરોપ છે. યુવતીના પિતાએ બે દિવસ અગાઉ પુત્રી ગૂમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી. આરોપી શિક્ષકે બે વર્ષથી ટ્યુશન ક્લાસ દરમિયાન યુવતીને પોતાની જાળમાં ફસાવી હોવાનો યુવતીનાં પરિજનોનો આરોપ છે. યુવતીનાં પરિજનોએ આ મામલે પોલીસને રજૂઆત પણ કરી છે. યુવતીને શોધી માતા-પિતાને સોંપવા રજૂઆત કરાઇ હતી. 33વર્ષના યુવકે 22 વર્ષની યુવતીને ફસાવ્યાનો આક્ષેપ છે.
સુરત: સરકારી શાળા વિવાદમાં આવી છે. શાળામાં બાળકોને વેજ સાથે નોનવેજ પીરસાયું છે. સરકારી શાળા નંબર 342 અને 351નો કાર્યક્રમ હતો. ‘ગેટ ટુગેધર’ કાર્યક્રમમાં નોનવેજ પીરસાયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. શાળાના પ્રિન્સિપાલે આયોજન કર્યાના અહેવાલ વહેતા થયા છે. મહત્વનું છે, શિક્ષાના ધામમાં બાળકોને નોનવેજ પીરસાયાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઇ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ પાર્ટી માટે શિક્ષણ સમિતિની પરવાનગી વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો. જેને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમા તેમને શાળાના આચાર્યના કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવી તપાસ કમિટી મોકલી છે.
સુરતમાં વધુ એક ભાજપના નેતાએ જાહેરમાં તાયફા કર્યા. શનિવારે સુરતના ઉધનામાં વોર્ડ નંબર-24ના પ્રમુખે જાહેરમાં કેક કાપી. એટલું જ નહીં, આતશબાજી કરી વીડિયો વાયરલ કર્યા. વિવાદ થયો, તો તેમણે બચાવ કર્યો કે, આ કાર્યકરોનો ઉત્સાહ હતો અને હવે ફરી, ભાજપના કોર્પેરટરે પણ સીનસપાટા કર્યા. હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પણ ફટાકડા ફોડ્યા, અને નિયમો જાણે કે, માત્ર સામાન્ય લોકો માટે જ હોય, તેમ ઉજવણી કરી.
રાજકોટમાં દિવાળીની ખરીદી માટેના હાર્દ ગણાતા ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા. અહીં કપડા, શૂઝ, દિવાળીના સુશોભનને લગતી વિવિધ વસ્તુઓ મળે છે. ત્યારે રવિવારનો દિવસ હોવાથી ધર્મેન્દ્ર રોડ પર લોકોની ભીડ જામી. અહીં શહેરીજનો ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. મહિલાઓ ઘર સુશોભનની ચીજવસ્તુઓ તેમજ કપડાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી. દિવાળીને લઇને લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. જેના કારણે વેપારીઓની દિવાળી પણ સુધરી છે.
ભાવનગર શહેરને પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરાઇ છે. ત્યારે મનપાનાં ટ્રાન્સપોર્ટ વિભાગે… જરૂરિયાતો અને ઓટો-રિક્ષાના પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવિત ભાડા માળખું અને રૂટ પ્લાન તૈયાર કરાયા છે. આ માટે મનપા સાથે સી.ઇ.પી.ટી યુનિવર્સિટી પણ મનપા સાથે જોડાઇ છે. હાલ 17 રૂટનું વ્યાપક નેટવર્ક તૈયાર કરાયું છે. જેમાં 9 શહેરી અર્બન રૂટ્સ અને 8 ઉપનગરીય અર્બન રૂટસનો સમાવેશ થાય છે. વર્ષોથી શાસકોની નબળાઈથી સિટી બસ સુવિધા ભાવનગરનાં નગરજનોને મળી નથી, જેના લીધે રિક્ષા ચાલકો પણ આડેધડ ભાડા વસુલ કરે છે. હાલ મનપા સામે શહેરીજનોનાં ખીસ્સાને પોસાય તે રીતે આ બસ સેવાને યોગ્ય રીતે ચલાવવાનો પડકાર છે. બસ રૂટનાં માળખા, ભાડા અને રીક્ષા ભાડા અંગે પણ આવશ્યક ફેરફારો કરવા અંગે કમિશનરને અધિકૃત કરી સત્તા સોંપવાની મંજુરી આપવા આગામી તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ મહાનગર પાલિકાની મળનારી સાધારણ સભામાં નિર્ણય લેવાશે.
બોટાદ: હડદડ ગામે પોલીસ પર પથ્થરમારો કર્યો છે. ગ્રામજનોએ પોલીસની બસ અને વાન પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ એકઠા થઇને પોલીસની વાન પણ ઉંધી પાડી દીધી હતી. પોલીસે ટોળાને કાબૂ કરવા ટિયર ગેસના સેલ છોડ્યા. AAP નેતા રાજુ કરપડાએ મહાપંચાયત યોજી હતી, જેમા પોલીસ પહોંચતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. મંજૂરી વિના મહાપંચાયત યોજાતા પોલીસ પહોંચી હતી. ગ્રામજનોએ રોષે ભરાઇને બબાલ કરી હતી.
ગીર સોમનાથઃ સામૂહિક બળાત્કારના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ. નવાબંદર મરીન પોલીસ સ્ટેશને મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ. આરોપીઓને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ સુધી ચાલતા લઈ જવાયા હતા. પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં બિસ્માર રોડ રસ્તાઓની સતત ઉઠતી ફરીયાદ ને લઈ સાંસદ ભરત સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા એક્શન મોડમાં આવ્યા છે. રાજુલા – હીંડોરણા – બાઢડા સ્ટેટ હાઇવેનુ અધિકારીઓ સાથે નિરિક્ષણ કર્યું હતુ. તાત્કાિલિક અસરથી બિસ્માર રોડ પર પેચવર્કનું કામ શરૂ કરાવ્યુ છે. બાઢડાથી અમરેલી નેશનલ હાઈવેનું સમારકામ શરૂ કરવામાં આવ્યુ છે તાત્કાલિક અસરથી પેચવર્ક શરૂ કરવામાં આવતા વાહનચાલકોને મહદઅંશે રાહત થઈ છે. દિવાળી પર્વમાં વાહન વ્યવહાર પણ વધશે. તાકીદે રોડ રસ્તાઓનું રિપેરીંગ કરવા નેતાઓને સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં દિવાળી પહેલાની ધૂમ ખરીદી જોવા મળી છે. દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારમાં ચક્કાજામના દૃશ્યો જોવા મળ્યા. અમદાવાદ અને જિલ્લાના લોકોની ખરીદી માટે ભારે ભીડ ઉમટી છે.
દિવાળી પહેલાની ખરીદી માટે લાલ દરવાજા વિસ્તાર ઘણો ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા તમામ માટેની ખરીદી માટે લોકો લાલ દરવાજા આવે છેં. બજારમાં મોબાઈલ ચોરી અને પીક પોકેટિંગ સહિતની ઘટનાઓ પણ નોંધાઈ છે. પોલીસ દ્વારા રવિવારનો દિવસ હોવાથી બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. છુપા વેશમાં પણ પોલીસ જવાનો અને મહિલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે.
બનાસકાંઠાના થરાદની નાની પાવડ ગામે જય બજરંગ નામની ગૌશાળામાં આગ લાગી. સૂકા ઘાસની ગાંસડીઓના ગોડાઉનમાં આગ લાગશે અંદાજિત 10 થી વધુ ટ્રક જેટલો સૂકો ઘાસચારો બળીને રાખ થયો છે. ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની બે ફાયર ફાઈટરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. જો કે ગૌશાળામાં આગ લાગવાનું કારણ અકબંધ છે.
પાલનપુરની ગઢ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. પાલનપુરના ચંડીસર મુકામે થોડા દિવસ અગાઉ તલવાર વડે હુમલો કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા ગઢ પોલીસ મથકે ચાર લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સ્થળ ઉપર લઈ જઈ રી કન્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે. ચાર આરોપીમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. એક આરોપી પોલીસ પકડથી દૂર છે.
ગાંધીનગર ACBની ખેડામાં સફળ ટ્રેપ, SC/ST સેલનો ASI 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. જયદીપસિંહ કાનજીભાઇ સોઢા પરમાર, ASI, SC/STt સેલ નડિયાદ ચાર લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. એટ્રોસિટીના કેસમાં આરોપીની ધરપકડ ના કરવા અને નોટિસ આપી જવા દેવા બદલ આરોપીના પરિવાર પાસે લાંચ માંગી હતી. SOG કચેરી, ડભાણ રોડ, નડિયાદ, કમ્પાઉન્ડમાં જ લાંચ લેતા લાંચિયો પોલીસ કર્મચારી ઝડપાઈ ગયો. ACBએ લાંચની રકમ ₹4 લાખ રિકવર કરી, આરોપી પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરતા સરકારી બાબુ સામે ACBની આ કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે.
પાટણની GMERS ધારપુર હોસ્પિટલનો છબરડો. દર્દીઓને એક્સ્પાયર ડેટવાળું દૂધ અપાયું હતું. GMERS સ્ટાફ સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થઈ છે. ડાયટ કેન્ટીન દ્વારા TB અને ગાયનેક વોર્ડના દર્દીઓને અપાયું હતું દૂધ. ટચ સ્ટોન નામની ખાનગી એજન્સી ચલાવે છે ડાયટ કેન્ટીન. કેન્ટીન ચલાવનાર એજન્સીની ગંભીર બેદરકારી આવી સામે. 11-10-2025ની તારીખવાળું દૂધ આજે આપવામાં આવ્યું હતું.
જામનગરના લાલપુર બાયપાસ નજીકની સોસાયટીના 8 મકાનમાં તાળાં તૂટયાં છે. જામનગરના જે.જે. જશોદા સોસાયટીમાં એક સાથે 8 મકાનમાં તાળાં તૂટયાં. જામનગર એએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. મઘરાત્રે બે અજાણ્યા લોકો ઘરમા ધુસીને હથિયાર બતાવ્યુ હતું. વૃદ્ધાને માર મારી સોનાના દાગીના ઝુંટવી ગયા. વૃધ્ધાને ઈજા થતા સારવારમાં માટે જી.જી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબીના નવલખી રોડ પર રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં ફરીથી હડકાયા કૂતરાનો આતંક. પાંચથી વધુ વ્યક્તિઓને કૂતરાએ બચકા ભર્યા. વૃદ્ધા, બાળક સહિતના ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. થોડા સમય પહેલા પણ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. હડકાયા કૂતરાન કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવામાં પણ ડર અનુભવે છે.
રાજકોટના જેતપુરમાં આવેલ ડેડરવા ગામે રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. હડકાયા શ્વાને 10 થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાની વિગત સામે આવી છે. શ્વાને બચકાં ભરતા ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. બાળકો સહિતના લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાની માહિતી સામે આવી છે. હડકાયા શ્વાનને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ ઉઠી છે.
કેનેડાના વિઝા આપવાના નામે 37.80 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. કેનેડાના વર્ક વિઝા તથા વિઝિટર વિઝા કરાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડીના કેસમાં 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સિક્યોરિટી પેટે રોકડ લીધા બાદ કામ ના કર્યું અને તમામ ફોન બંધ કરી દીધા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. .
સુરતના લાલગેટ વિસ્તારના જ્વેલર્સનો માલિક ફરાર થયો છે. રોકાણ માટે લીધેલા સોના ચાંદીના દાગીના લઈ જઈને ફરાર થયો છે. રૂપિયા 38.12 લાખ સોના ચાંદીના દાગીના લઈ જ્વેલર્સનો માલિક ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાબરકાંઠાના ઈડરના ઉમેદપુરામાં ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યાનું ઝડપાયું છે. 187 લીલા અને સૂકા છોડ મળી 114 કીલો ગાંજો ઝડપાયો છે. 11.40 લાખનો ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. ઈડર પોલીસે ખેતર માલિક મહેન્દ્ર પટેલ સહિત બે શખ્શો સામે ગુનો નોંધ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણ બાઇકને અડફેટે લીધા. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં ત્રણ લોકોને ઇજાઓ પહોચી છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે, કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જૂનાગઢના સુદામા પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણ ઉપર ડિમોલેશન. સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર થયું હતું દબાણ. ગેરકાયદેસર દરગાહ બનાવી કર્યું હતું દબાણ. 190 ચો.મી માં કર્યું દબાણ જેની કિંમત 40 લાખ રૂપિયા જેવી થાય છે. ગેરકાયદેસર કબજો કરી બનાવનારને અગાઉ આપવામાં આવી હતી નોટીસ. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે દબાણ તોડી પડાયુ.
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) આજે સાંજે 6 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક કરશે. આ બેઠકમાં બિહાર ચૂંટણી માટે બેઠકોની અંતિમ ફાળવણી નક્કી કરવામાં આવશે.
ભાવનગર શહેરમાં યુવા સુરભી કોમ્પલેક્ષમાં ચાર સ્પા પાર્લરમાં પોલીસે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ યુવા સુરભી કોમ્પલેક્ષમાં ભાવનગર પોલીસે કોમ્પલેક્ષની અંદર આવેલા ચાર અલગ અલગ સ્પા પાર્લર પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કુટણખાના ધંધાનો પર્દાફાશ કર્યો. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે યુવા સુરભી કોમ્પલેક્ષની અંદર કેટલીક સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એક સ્પામાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી અને સ્પાના માલિક તથા મેનેજરની ધરપકડ કરવામાં આવી.
બીજા સ્પામાંથી છ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી, તેમજ એક માલિક, બે મેનેજર અને એક ગ્રાહક સહિત ચાર વ્યક્તિઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ત્રીજા સ્પામાંથી આઠ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી અને એક માલિક તથા એક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને ચાર સ્પા પાર્લરના માલિકો અને મેનેજરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓને સલામત સ્થળે ખસેડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સ્પા પાર્લરોના લાયસન્સ અને દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક સ્પા લાયસન્સ હેઠળ ચાલતા હોવાનો દાવો કરતા હતા, પરંતુ અંદરથી કુટણખાનાનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર રેકેટ પાછળ કયા લોકો સંકળાયેલા છે તથા યુવતીઓને કેવી રીતે લાવવામાં આવી હતી તે અંગેની તપાસ ચાલુ છે.
સુરતના મહિધરપુરા, નવસારી બજાર, કતારગામ, ભાગળ, વરાછામાં તપાસ દરમિયાન વાપી-વલસાડનાં ફટાકડા વેપારીઓને ત્યાં GSTના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. સુરત, વલસાડ, વાપીના હોલસેલર ફટાકડા વેપારીઓને ત્યાં કરચોરી ઉપરાંત રૂપિયા 16 કરોડથી વધુની ટેક્સ કમ્પલાયન્સની જવાબદારી પણ શોધી કાઢવામા આવી છે.
Published On - 7:17 am, Sun, 12 October 25