
આજે 06 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. હિંમતનગરમાં શરદ પૂર્ણિમાના ગરબા આયોજકો ચિંતામાં આવ્યા છે. ગરબાના આયોજનમાં વિક્ષેપ થતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે.
સાવરકુંડલામાં GST ટીમે તપાસ હાથ ધરી છે. 11 જેટલી ટીમ દ્વારા જુદા જુદા વિભાગમાં દરોડા પાડવામાં આવ્યા છે. આંગડીયા પેઢી અને ફાઇનાન્સનું કામ કરી રહેલા વેપારીને ત્યાં દરોડા હોવાની માહિતી. શહેરના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ પર તપાસ. ગાંધીનગર,અમદાવાદ,રાજકોટ અને ભાવનગરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગોધરાના કેવડિયા ગામમાં બે કિશોરના પાણી ભરેલા ચેકડેમમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજયાં છે. પરીક્ષા આપી પરત ઘરે જતી વેળાએ અચાનક એક કિશોરનો પગ લપસી જતાં પાણી ભરેલા ચેકડેમમાં ખાબકયો હતો. જેને બચાવવામાં અન્ય સાથી કિશોર પણ પાણીમાં ડૂબી ગયો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. મૃતક કિશોરમાં એક ગોધરા તાલુકાના ધોળી ગામનો અને બીજો કિશોર કેવડીયા ગામનો રહેવાસી છે. સ્થાનિકોને જાણ થતાં જ પાણીમાં ડૂબી ગયેલા કિશોરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એક કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય એક કિશોરને ફાયર બ્રિગેડ ટીમે પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો અને બંને કિશોરના મૃતદેહને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં પીએમ.માટે લાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરાઈ આંતરિક બદલીઓ. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગના પોલીસકર્મીની બદલી કરાઈ છે. એક સાથે 744 પોલીસ કર્મીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટરે નોટિસ ફટકારતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ઓડિટ હિસાબ અને ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ના કરાતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને કલેકટર દ્વારા નોટિસ પાઠવાઈ છે. 14 ઓક્ટોબરે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. 3 નાણાકીય વર્ષના ઓડિટ અને વિધાનસભા-લોકસભા ચૂંટણીનો હિસાબ રજૂ ના કરતા કાર્યવાહી કરવામાં આવી છે. 14 ઓક્ટોબરે મિટિંગમાં હાજર ના રહે તો ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શેર બોન્ડ જાહેર કર્યા છે. પાલિકા દ્વારા 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે.
જેને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. પાલિકા તરફે લોકોનો વિશ્વાસ આજે દેખાય છે. શહેરના નાગરિકોને 15 ટકા રિટેલર તરીકે રાખવામાં આવ્યા છે. શહેર માટે આજે ઐતિહાસિક દિવસ કહેવામાં આવ્યો છે. પ્રથમ વખત પાલિકા અને શહેરના લોકોએ ઇન્ટરનેશન ગ્રીન બોન્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું કહેવાયુ છે. અત્યાર સુધીમાં 7.50 ટકા સુધી ઓવર સબસ્ક્રાઈબ થયું છે. ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં ગ્રીન બોન્ડ ને મૂકવામાં આવ્યું. ઇન્વેસ્ટર્સ માટે આ ગ્રીન બોન્ડ છે.
વડોદરા રેલવે પોલીસે અમદાવાદ પૂરી એક્સપ્રેસમાંથી 15 કિલો ગાંજો ઝડપ્યો છે. વડોદરા અને સુરત રેલવે સ્ટેશન ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત કરાઇ કામગીરી. વડોદરા રેલવે પોલીસે સ્નિફર ડોગ ફાસ્ટરની મદદથી પાર પાડ્યું સમગ્ર ઓપરેશન. અમદાવાદ પૂરી એક્સપ્રેસના એસ-1 તથા જનરલ કોચના કોરીડોરમાંથી બિનવારસી 15 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. સુરત રેલવે સ્ટેશન ખાતેથી દોંડ– ગ્વાલિયર એક્સપ્રેસમાંથી અન્ય એક ઇસમ પાસેથી 11 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો. વડોદરામાંથી 15 કિલો અને સુરત ખાતેથી 11 કિલો કુલ મળીને 26 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત છે.
રેલવે પોલીસે કુલ 2,76,000ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે.
ગિરનાર જંગલમાં દક્ષિણ રેન્જમાં ચંદનના વૃક્ષની ચોરી કરી ફરાર થઈ જનારા પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. વન વિભાગે એક શખ્સને પકડી પાડ્યો જ્યારે અન્ય ચાર હજુ પણ ફરાર છે. હજુ એક શખ્સ દાતારના જંગલમાં છુપાયો હોય ચાર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. 4 વૃક્ષો કાપી અંદાજે એક લાખના ચંદનનું લાકડું જપ્ત કરેલ છે. શંકાના આધાર તપાસ કરતા એકને ઉદયપુર બસમાંથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ પકડેલ શખ્સ પણ ઉદયપુરનો હોઈ વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના વધુ એક ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ. નરોડાના મહિલા ધારાસભ્ય પાયલ કુકરાણી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો. નોબલનગર વિસ્તારની વિવિધ સોસાયટીના લોકોએ ધારાસભ્યને ઘેરીને રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવા સહિતની સમસ્યાનો સ્થાનિકો કરી રહ્યા હતા સામનો. AMC અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી કરવા ખાતરી આપી હતી. અગાઉ અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને નિકોલમાં બાબુ જમનાદાસ સામે પણ લોકોએ ઠાલવ્યો હતો રોષ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.
બિહાર વિધાનસભાની 243 બેઠકની સામાન્ય ચૂંટણીની જાહેરાત આજે કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે. આગામી 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે 14 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરી છે. બિહારની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આગામી 22મી નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં નિતિશકુમારના રાજકીય પક્ષની સાથે ભાજપે, જ્યારે લાલુપ્રસાદ યાદવના પક્ષની સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલ વરસાદ બાદ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી સમયે થોડી નબળી ગુણવતા વાળી મગફળી ખરીદી કરવામાં આવે.
છોટાઉદેપુરના આંબા ડુંગર ગામે સગા દિકરાએ માતાની કરપીણ કરી હત્યા. નાની રકમ મેળવવા પુત્રએ માતાની કરી હત્યા. નબળી આર્થિક સ્થિતિમાં જીવતા માં-બાપને સરકારની યોજના વડે વૃધ્ધ પેન્શન મળતુ હતું. વૃદ્ધ પેન્શનના પૈસા માતાએ તેના દીકરાને ના અપાતા દીકરાએ લાકડીના ફટકા મારી જનેતાની હત્યા કરી નાખી. હત્યારા પુત્રને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
આમ આદમી પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીના બિહાર પ્રભારી અજેશ યાદવ અને પ્રદેશ પ્રમુખ રાકેશ યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજુ વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી નથી એ પહેલા જ આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ભરૂચની દૂધધારા ડેરીની ચેરમેનપદે ઘનશ્યામ પટેલની પુન: એકવાર વરણી કરવામાં આવી છે. સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ પર ઘનશ્યામ પટેલને સોંપાયું છે. વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજ અને નર્મદાબેન વસાવાની વરણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતમાં યોજાઈ હતી પ્રક્રિયા. દુધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલને હરાવી હતી.
અમદાવાદમાં ફરી એક વાર વિદેશથી પાર્સલમાં આવતું લાખ્ખો રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ચોકલેટ અને બિસ્કીટની આડમા ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હતું. એસઓજી એ આવા 6 પાર્સલમાથી 52.58 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે. જોકે પાર્સલ પર રહેલી માહિતીના આધારે આરોપી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ: ઉનામાં છકડા રિક્ષામાં દારૂની હેરાફેરી ઝડપાઈ. રિક્ષામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરાતી. અંજાર રસ્તા પર છકડો રિક્ષામાં તપાસ કરતા દારૂ મળી આવ્યો.
વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ
ગીર સોમનાથ: વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો. બીજ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વેરાવળ તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલે મગફળી પકવતા ખેડૂતોની ચિંતા વધારી. મગફળીનો પાક તૈયાર છે તેવા સમયે વરસાદથી મુશ્કેલી. તાલુકાના અન્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા.
દ્વારકા: યાત્રાના નામે એજન્ટે છેતરપિંડી કરી. ખંભાળિયા શહેર અને આસપાસના 60 શ્રદ્ધાળુ છેતરાયા. યાત્રા કરાવવાના નામે એડવાન્સમાં રૂપિયા જમા કરાવ્યા. ગત રાત્રે યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને લેવા બસ જ ન આવતા ભાંડો ફૂટ્યો. એજન્ટ કલ્પેશ નંદાણીયા ફોન બંધ કરીને ફરાર થયો. ભોગ બનનારા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી.
રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદની આગાહી કરી. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 7 અને 8 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ વધુ રહેશે. 8 ઓક્ટોબર બાદથી વરસાદી વાતાવરણ હળવું થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં GCAS (Gujarat Common Admission System) પોર્ટલને લઈને પ્રવેશ પ્રક્રિયામાં થયેલી અકારક્ષકતા અને ખામીઓ સામે NSUI (National Students’ Union of India) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો છે. વિદ્યાર્થીઓને એડમિશન ન મળતાં અને બેઠકો ખાલી રહી જતાં NSUIના કાર્યકરો દ્વારા GCASની સ્મશાન યાત્રા કાઢી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હજારો વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમણે તમામ ડોક્યુમેન્ટ અને વિકલ્પો ભર્યા છતાં તેમને એડમિશન મળ્યું નથી. NSUIએ આરોપ મૂક્યો છે કે આ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થયો છે અને સરકારી યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે.
ભારતીય એરલાઇન સ્પાઇસજેટે દિવાળી માટે ચાર ભારતીય શહેરોથી અયોધ્યા માટે ખાસ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. આ સેવાઓ 8 ઓક્ટોબરથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ અને હૈદરાબાદથી શરૂ થશે.
સુરત: ઉધનામાં કન્ટેનરની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રોકડિયા હનુમાન મંદિરના બીમ સાથે અકસ્માત સર્જ્યો હતો. કેનાલ રોડ પાસે કન્ટેનરચાલકને રોકી 3 હજાર પડાવ્યા હતા. બાદમાં કન્ટેનર લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કન્ટેનરચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કન્ટેનરચાલકની સાથે કન્ટેનરનો પીછો કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કન્ટેનર કબજે કર્યું.
વિકરાળ ચક્રવાત મત્મો રવિવારે બપોરે ચીનના ગુઆંગડોંગ પ્રાંતના પૂર્વ વિસ્તારમાં ત્રાટક્યું હતું. ચક્રવાતને પગલે ગુઆંગડોંગ સહિત હૈનાનમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીન વહીવટી તંત્રએ સતર્કતાના ભાગ રૂપે ગુઆંગડોંગમાંથી પહેલાં જ 1.51 લાખ લોકોનું સ્થળાંતર કરી દીધું હતું. તો હૈનાનમાં જાહેર પરિવહનો અને ધંધા-રોજગારના સ્થળો પણ બંધ કરી દેવાયા હતા. પરંતુ, તેમ છતાં ભારે તારાજી સર્જાઈ છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં દુઃખદ ઘટના બની છે, જ્યાં એક પરિવાર બાઈક પર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીમાં તણાઈ ગયો હતો. વહેતા પાણીમાં બાઈક સ્લીપ થતા માતા-પિતા તો આબાદ બચી ગયા હતા, પરંતુ દોઢ વર્ષના અને પાંચ વર્ષના બે બાળક તણાઈ જતા અત્યાર સુધી ગુમ છે. ઘટનાની જાણ થતાં SDRF અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઢાઢર નદીમાં મગરોની સંખ્યા અને તેમની ખતરના પગલે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે અડચણો આવી રહી છે. ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં પણ નદીમાં અનેક મગરો જોવા મળ્યા છે, જેના કારણે શોધખોળની કામગીરીમાં ધીમી ગતિ આવી છે.
અમદાવાદ: SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ભારે જહેમતે આગ પર કાબૂૂ મેળવાયો.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા હતા, જ્યારે ઘણા ગંભીર રીતે બીમાર દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર ડોકટરો, નર્સો અને ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગીર સોમનાથના વેરાવળની ખારવાવાડમાં મકાન ધકાશાઈ થતા ત્રણના મોત થયા છે. ખારવાવાડમાં ત્રણ માળનું જુનું મકાન ધરાશાઈ થયું. તે સમયે બાજુમાંથી પસાર થતા બાઈક ચાલકનું પણ દટાતા મોત થયુ છે. સમગ્ર ઘટનામાંં દેવકીબેન સુયાણી, જશોદાબેન સુયાણી અને દિનેશભાઈ જંગીનું મોત થયુ.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાના પેનેશિયાવિલાના પિસ્તબર્ગ ટાઉનમાં હાઉસ કિપિંગનું કામ કરતા ઇસમેં ફાયરિંગ કરીને ઘાટ ઉતાર્યા હતા. હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. પિટ્સબર્ગ પોલીસે આરોપીને ઝડપી પાડીઆગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક રાકેશ પટેલ મૂળ બારડોલી તાલુકાના રાયમ ગામના વતની છે. વર્ષોથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે અને મોટેલનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી અંગત દુશ્મની હોય એને ધ્યાનમાં રાખીને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.
Published On - 7:37 am, Mon, 6 October 25