05 નવેમ્બરના મહત્વના સમાચાર : પાટણના ચાણસ્મા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2 ના મોત
આજે 05 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પાટણના ચાણસ્મા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2 ના મોત
પાટણના ચાણસ્મા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 ના મોત થયા છે. રિક્ષામાં સવાર મહિલા અને બાળકનું મોત થયું છે. ચાણસ્માના છમીશા ગામના ઠાકોર પરિવારને નડ્યો અકસ્માત.
-
સાઈબર સેન્ટ્રલ એકસેલન્સની ટીમે ડિજિટલ એરેસ્ટનો કેસ ઉકેલ્યો, 5 ગુનાના નાણા મળી આવ્યા
સાઈબર સેન્ટ્રલ એકસેલન્સની ટીમે, 80 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 11 કરોડ રૂપિયા લઈ લીધા હોવાના કેસમાં મહત્વની સફળતા હાંસલ કરી છે. કેરાલાની બેંક એકાઉન્ટમાં 4 કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટના કુલ 5 ગુન્હાના નાણા મળી આવ્યા છે. કુલ 20 કરોડ 74 લાખનું ફ્રોડ થયું હતું. નાણાની 2 કરોડની રકમથી સોનાના બિસ્કીટ ખરીદ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિદેશમાં રહી આખું નેટવર્ક ચાલતું હતું. અત્યારે 20 હજાર થી વધુ ખાતાનું એનાલીસિસ ચાલુ છે.
-
-
ધંધુકા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. ખુલ્લા પ્લોટમાં દારૂના કટિંગ સમયે દરોડા પાડવામાં આવ્યા હતા. 43 લાખથી વધુની કિંમતની 3491 દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. દારૂનો જથ્થો, 5 વાહન અને રોકડ સહિત 79.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
-
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી 30 IPS અધિકારીઓ સાથે, પાકિસ્તાનના સિમાડે આવેલા ગામડે જઈને ખાટલા બેઠક કરશે
નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ ભારત-પાક સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. આવતી કાલે તા.6 નવેમ્બરે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે. ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી ગામના ભાતીગળ રહેઠાણ દેશી ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે. તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટલને બદલે ગામમાં જ રાત્રે રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
-
ભરૂચના વાગરા ખાન તળાવ નજીક જાનૈયાઓની બસ પલટી, 15 ઈજાગ્રસ્ત
ભરૂચના વાગરા ખાન તળાવ નજીક જાનૈયાઓની બસ પલટી ગઈ હતી. ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત. 15 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત. ઘટનાસ્થળે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી.
-
-
ખેડૂતો માટે કોંગ્રેસનો નવો દાવ ! સરકાર ખેડૂતોનુ દેવું માફ કરે તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર તેમાં જમા કરાવશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ, મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે કે, જો સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો કોંગ્રેસના ધારાસભ્યો, તેમનો પગાર દેવા માફીમાં આપી દેશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો તકલીફમાં અને પાયમાલીના આરે આવ્યો છે. ખેડૂતોની આત્મહત્યાઓ રોજીંદી બની રહી છે તેમ ચાવડાએ જણાવ્યું હતું. કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે. સરકાર દેવું માફ કરે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો પગાર એમાં આપીશું તેમ અમિત ચાવડાએ જણાવ્યું છે.
-
રાહુલ ગાંધીએ તમામ આરોપો અંગે સોગંદનામું રજૂ કરવું જોઈએ: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે કહ્યુ- રાહુલ ગાંધીએ નિર્ધારિત નિયમો અનુસાર તમામ આરોપો અંગે સોગંદનામું રજૂ કરવું જોઈએ. ચૂંટણી પંચ દરેક ફરિયાદ પર કાર્યવાહી કરશે. જોકે, ચૂંટણી નિયમો, 1960 માં આરોપ લગાવનારની જવાબદારી પણ સ્થાપિત કરવામાં આવી છે, જેથી રાજકીય પક્ષો અથવા પાયાવિહોણા આરોપો લગાવનારા વ્યક્તિઓને જવાબદાર ઠેરવી શકાય. પંચે અગાઉ રાહુલ ગાંધી પાસેથી ઘોષણાપત્ર માંગ્યું હતું, પરંતુ તેમણે કોઈપણ આરોપોની તપાસ માટે સોગંદનામું કે ફરિયાદ રજૂ કરી ન હતી.
-
હરિયાણામાં દર આઠ મતદારોમાંથી એક નકલી છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે હરિયાણામાં 25 લાખ મતો ચોરાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે હરિયાણામાં દર આઠ મતદારોમાંથી એક નકલી છે. ઝાંખા ફોટાનો ઉપયોગ કરીને મતોની ચોરી કરવામાં આવી હતી.
-
ખનીજ માફિયાઓ પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખળભળાટ મચાવનારી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં ખનીજ ચોરી સાથે જોડાયેલા ગંભીર ખુલાસાઓ સામે આવ્યા છે. આ ક્લિપમાં એક ખનીજ ચોર અને જાગૃત નાગરિક વચ્ચેની વાતચીત રેકોર્ડ થઈ છે, જેમાં ખનીજ માફિયાઓ પાસેથી દર મહિને ડમ્પર દીઠ પોલીસ હપ્તા લેતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્લિપ વાયરલ થતાં ખનીજ વિભાગ અને પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે, જ્યારે સ્થાનિક સ્તરે ખનીજ માફિયા અને તંત્ર વચ્ચેના ગૂઢ સંબંધોની ચર્ચા ગરમાઈ ગઈ છે.
-
રાજ્યમાં નવમી નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી
રાજ્ય સરકારએ ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે રાજ્યમાં 9મી નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તાજેતરના કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોવાથી સરકાર હવે ખેડૂતોની આર્થિક સહાય માટે આગળ આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કુદરતી આફતની આ સ્થિતિમાં સરકાર ખેડૂતોની હિંમત બનીને તેમની સાથે ઉભી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ નિષ્ઠાથી કાર્યરત છે. આ પગલાથી ખેડૂતોને રાહત મળશે અને તેમની આર્થિક સુખાકારીમાં સુધારો થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
-
વલસાડઃ IT દરોડાની તપાસનો રેલો વાપીની આંગડિયા પેઢી સુધી પહોંચ્યો
વલસાડમાં શરૂ થયેલી IT તપાસનો રેલો હવે વાપીની જાણીતી આંગડિયા પેઢી PN એન્ટરપ્રાઇઝ સુધી પહોંચી છે. આવકવેરા વિભાગે હવાલા કૌભાંડની આશંકાને આધારે આ પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ગેલેક્ષી ગ્રૂપ અને પાયલ પ્રોપર્ટીના સંચાલકોના અનેક સ્થળોએ પણ IT ટીમે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વિભાગને બેનામી અને રોકડ વ્યવહાર સંબંધિત વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાનું મનાય છે. PN એન્ટરપ્રાઇઝ પર થયેલી તપાસ પછી આંગડિયા પેઢીના સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
-
જૂનાગઢઃ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી મળી આવ્યા
જૂનાગઢઃ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી મળી આવ્યા. જંગલ વિસ્તારમાંથી મહાદેવ ભારતી મળી આવ્યા. ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસને મહાદેવ ભારતીનો પત્તો લાગ્યો. ઈટવા ઘોડી વિસ્તારમાંથી લઘુ મહંતની ભાળ મળી. મહાદેવ ભારતીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. મહામંડલેશ્વર મહાદેવ ભારતી ત્રણ દિવસથી ગુમ હતા. ત્રણ દિવસ દરમિયાન ભૂખ્યા તરસ્યા હોવાથી શારીરિક તકલીફ ઊભી થયાનું અનુમાન છે.
-
મહિસાગર: તસ્કરોએ બનાવી શાળાને નિશાન
મહિસાગર: તસ્કરોએ શાળાને નિશાન બનાવી. ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામની પ્રાથમિક શાળામાં ચોરી થઈ. તસ્કરોએ સ્માર્ટ ક્લાસની LED સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી. આચાર્યએ સરપંચ અને પોલીસને ચોરી અંગે જાણ કરી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી.
-
ટ્રેનની અડફેટે 6 મુસાફરોના કરૂણ મોત
ઉત્તરપ્રદેશ: મિર્જાપુરમાં હચમચાવતો અકસ્માત સર્જાયો છે. ટ્રેનની અડફેટે 6 મુસાફરોના મોત થયા છે. ચુનાર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ. કાલકા-હાવડા ટ્રેન નીચે કપાતા મુસાફરોના મોત થયા છે. પ્લેટફોર્મ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો. કાર્તિક પૂર્ણિમાએ ગંગા સ્નાન કરવા શ્રદ્ધાળુ આવ્યા હતા. CM યોગીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. SDRF અને NDRFની ટીમોને ઝડપી રાહત કાર્ય કરવા આદેશ અપાયા. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ કર્યો.
-
બનાસકાંઠા : શહીદ જવાનનો પાર્થિવ દેહ લવાયો માદરે વતન
બનાસકાંઠામાં સર્જાયા ભાવુક દ્રશ્યો. વડગામના ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીનો પાર્થિવ દેહ વતન લવાતા ગામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. મહત્વનું છે કે GRP ના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની બિકાનેર નજીક ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી. ટ્રેનમાં ચાદર માંગવા જેવી નજીવી બાબતે ચપ્પાના ઘા ઝીંકી જવાનની હત્યા કરાઈ હતી. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લવાતા છાપી હાઈવેથી ગીડાસણ સુધી અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો શહીદ જવાનને અંતિમ વિદાય આપવા ઉમટ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે જવાનને અંતિમ વિદાય અપાતા ગામમા શોકમગ્ન માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે શહીદ જવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
જામનગરઃ જોખમી રીતે વાહન હંકારતા વાહનચાલક વિરૂદ્ધ કાર્યવાહી
જામનગરઃ જોખમી રીતે વાહન હંકારતા વાહનચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઇ. બોલેરો ચાલકે બેફામ બની જોખમી રીતે વાહન હંકાર્યું હતું. બેફામ ડ્રાઇવિંગના CCTV સામે આવતા ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ટ્રાફિક પોલીસે મેમો ફટકારી દંડાત્મક કાર્યવાહી કરી.
-
ગીર સોમનાથઃ ઉનાના રેવદ ગામના ખેડૂતે કર્યો આપઘાત
ગીર સોમનાથઃ ઉનાના રેવદ ગામના ખેડૂતે આપઘાત કર્યો. માવઠામાં મગફળીનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાનો પરિજનોનો દાવો છે. 9 વીઘા જમીનમાં મગફળીનો પાક પલળતા નુકસાન થયું. પાક નુકસાનીને પગલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું તેમના પુત્રએ જણાવ્યુ.
-
પીએમ મોદી આજે મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી શકે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે T20 મેન્સ વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહેલાથી જ દિલ્હી પહોંચી ગયા છે.
Published On - Nov 05,2025 7:24 AM