4 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પશ્ચિમ રેલવે કુંભમેળામાં જવા અમદાવાદ, સાબરમતી, વડોદરાથી દોડાવશે ખાસ ટ્રેન
આજે 04 ફેબુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 ફેબુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કલોલથી પતિ સાથે અમેરિકા ગયેલ પત્નિ અને પુત્રીને USAથી કરાયા ડિપોર્ટ
ગાંધીનગર અમેરિકાથી પરત થવામાં બે ક્લોલના લોકોનો સમાવેશ થઈ રહ્યો છે. ગાંધીનગરના કલોલથી અમેરિકા ગયેલા માતા અને પુત્રીને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. હજુ બે મહિના પહેલા જ બન્ને જણા અમેરિકા ગયા હતા. મહિલાનો પતિ અમેરિકા હોવાથી, પતિ સાથે જતા ડિપોર્ટ કરાયા છે.
-
પશ્ચિમ રેલવે કુંભમેળામાં જવા અમદાવાદ, સાબરમતી, વડોદરાથી દોડાવશે ખાસ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-જંઘઈ, સાબરમતી-બનારસ અને વિશ્વામિત્રી-બલિયાની વચ્ચે ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1. ટ્રેન નંબર 09405/09406 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ફેરા)
ટ્રેન નંબર 09405 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ 13 અને 17 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી 22:40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04:30 કલાકે જંઘઈ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ 15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ જંઘઈ થી 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
2. ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ફેરા)
ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
3. ટ્રેન નંબર 09139/09140 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (02 ફેરા)
ટ્રેન નંબર 09139 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ વિશ્વામિત્રી થી 08:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:30 કલાકે બલિયા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09140 બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ 23:30 કલાકે બલિયાથી ઉપડશે અને ત્રીજા દિવસે 10:05 કલાકે વિશ્વામિત્રી પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંતહિરદારામ નગર, વિદિશા, ગંજ બાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09139 નો વડોદરા સ્ટેશન પર એક્સ્ટ્રા સ્ટોપેજ હશે. ટ્રેનમાં એસી 1-ટિયર, એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09405, 09453 અને 09139 નું બુકિંગ 06 ફેબ્રુઆરી 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણઁ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
-
-
દિયોદરમાં ટ્રેક્ટરના શોરૂમમાંથી ટ્રેકટરની ચોરી કરવાના કેસના આરોપીએ કરી આત્મહત્યા
બનાસકાંઠાના દિયોદરમાં ટ્રેક્ટરના શોરૂમમાંથી નવા ત્રણ ટ્રેક્ટરની ચોરી થવા મામલો નવો વળાંક આવ્યો છે. દિયોદર પોલીસે ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. દિયોદરના જાડા ગામનો સાગર રબારીએ, ટ્રેક્ટર ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે પોલીસ સાગર રબારીને પકડવા ગઈ તો તેણે આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સામે આવી. પોલીસની પકડ અને બદનામીના ડરથી બે દિવસ પહેલા કેનાલમાં કુદીને મુખ્ય આરોપીએ આપઘાત કરી લીધો હતો. પોલીસે ટ્રેક્ટર ચોરીની રેકી માટે વપરાયેલી અલટો કાર સહિત બે ટ્રેક્ટર કબજે કર્યાં છે.
-
બોટાદ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા
બોટાદ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના દિવસે, સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ ચકાસણી સમયે 4 ફોર્મ રદ થયા હતા. આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેચી લીધા હતા. આથી હવે 11 વોર્ડની 44 પૈકી 34 બેઠક પર મતદાન હાથ ધરાશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 34, કોંગ્રેસ પક્ષના 14 ઉમેદવાર, આમ આદમી પાર્ટીના 20 ઉમેદવાર અને એક અપક્ષ મળી કુલ 34 બેઠક માટે 69 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે.
-
અમદાવાદમાંથી 1500 કિલો ભેળસેળયુક્ત પનીર પકડાયું, પામોલીન તેલ – ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડનો જથ્થો પણ ઝડપાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સ્ક્વોડે, અમદાવાદના કુબેરનગર સ્થિત દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડા પાડીને ભેળસેળયુક્ત 1500 પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા ભેળસેળયુક્ત પનીરના જથ્થાની કિંમત આશરે 3 લાખ 15 હજાર જેટલી થાય છે. દ્વારકેશ ડેરી પ્રોડક્ટસમાંથી પનીરની સાથે ભેળસેળ માટે વપરાતું પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડનો જથ્થો પણ મળી આવતે તે જપ્ત કરવામાં આવ્યું છે.
-
-
રાણાવાવ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ ! કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
રાણાવાવ નગરપાલિકામાં બાકી રહેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેંચી લીધા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીને ફાયદો કરવા અને ભાજપને હરાવવા, કોંગ્રેસે રાજકીય રણનીતિ અપનાવી હોવાની ચોમેર ચર્ચા થઈ રહી છે. રાણાવાવ નગરપાલિકામાં 7 વોર્ડ અને 28 ઉમેદવાર માટે ભાજપ, કોગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ હતો પરંતુ અંતિમ દિવસે ચિત્ર બદલાયું છે. ગઈકાલે કોગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ સોગંદનામા ભૂલના લીધે રદ કરાયું હતું. તો આજે બાકીના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હવે રાણાવાવ નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તો બીજી તરફ કુતિયાણા નગર પાલિકામાં પણ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. રાણાવાવ અને કુતિયાણાના નગરપાલિકામાં કાંધલ જાડેજાની સમાજ વાદી પાર્ટીના ઉમેદવારો અને ભાજપના ઉમેદવારો વચ્ચે સિધો જંગ ખેલાશે.
-
સંમેલન યોજીને ભૂપેન્દ્ર ઝાલા કૌંભાડની તપાસ કરતી સીઆઈડી સામે પ્રશ્નો ઉઠાવનારા સામે કાર્યવાહી
સાબરકાંઠામાં ભૂપેન્દ્ર ઝાલાના કૌંભાડમાં તપાસ કરતી સીઆઈડી સામે સંમેલન યોજીને કરાયેલા વિરોધ મામલે તપાસ હાથ ધરાઈ છે. ગાંભોઈ પોલીસે, મંજૂરી વિના સંમેલનનું આયોજન કર્યાને લઈ તપાસ. પેન્દ્ર ઝાલાના મળતિયાઓ અને અન્ય પોન્ઝી સ્કીમ સંચાલકોએ કર્યુ હતું આયોજન. પોલીસની નજર સામે સીઆઈડી કાર્યવાહીને પડકારવામાં આવી હતી. સ્ટેજ પરથી સીઆઈડી અને સરકાર સામેના વાણી વિલાસ બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.
-
અમેરિકામાં ગેરકાયદે ગયેલા 33 ગુજરાતીઓ સહીત ભારતીયોને લઈને USAની ફ્લાઈટ અમૃતસરમાં થશે લેન્ડ
ગાંધીનગર અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા મોકલવાની શરૂઆત થઈ છે. આવતી કાલે પહેલી ફ્લાઈટ અમૃતસર આવશે. ગેરકાયદે અમેરિકામાં ગયેલા ભારતીયોને લઈને આવી રહેલ ફ્લાઈટ બપોરના 1 વાગે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે. ફ્લાઈટમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
-
કોંગ્રેસના પૂર્વ MLA લલિત વસોયાના ગઢમાં ગાબડું, ભાજપના 5 ઉમેદવારો બિન હરિફ વિજેતા જાહેર
રાજકોટની ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 13 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. ઉપલેટા નગર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપના 5 ઉમેદવારો બિન હરિફ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નબર 3 ના મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર 6 ની ભાજપની આખી પેનલ બિન હરિફ વિજયી જાહેર થઈ છે. કોંગ્રેસના પૂર્વ MLA લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલા ભાજપએ પાડ્યું ગાબડું 5 ઉમેદવારો બિન હરિફ થતા ભાજપમાં ઉત્સાહનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. બિન હરિફ થયેલ ઉમેદવારોને મીઠા મોઢા કરાવી અને ભાજપ એ વિજય ઉત્સવ મનાવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને દબાવી, ધમકાવી અને મોટી રકમ ચૂકવીને ફોર્મ પાછા ખેંચાવાયા છે.
-
પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાઃ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ, દેશમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે છેલ્લા વર્ષોમાં 25 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
-
સાબરકાંઠાની પ્રાંતિજ નગર પાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ ખેલાશે, બળવાખોર ભાજપને નડશે ?
સાબરકાંઠાની પ્રાંતિજ નગર પાલિકાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 61 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. નગરપાલિકાની 24 બેઠકો માટે 61 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપના 20 અને કોંગ્રેસના 19 તેમજ 20 અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેવા પામ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણી જંગમાં કશ્મકશ જોવા મળશે તેવુ માનવામાં આવી રહ્યું છે. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા કેટલાકે બળવો પોકારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિકોણીય જંગ ખેલાશે.
-
ચૂંટણી પૂર્વે જ હાલોલ નગરપાલિકા કબજે કરતુ ભાજપ
પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકા ભાજપે કબજે કરી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી 20 બેઠકો બિન હરીફ થતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા કબજે કરી છે. સામાન્ય રીતે નગરપાલિકામાં બહુમતી માટે 18 બેઠકો જોઈએ તેના બદલે, ભાજપને મતદાન પૂર્વે જ 20 બેઠકો મળી ગઈ છે. હાલોલ નગર પાલિકામાં અલગ અલગ વોર્ડમાં થઈને ભાજપના કુલ 20 ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા છે. હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણ બિન હરીફ થયા છે.
-
ગુજરાતમાં UCC લાગુ કરવા મુદ્દે મુસ્લિમ આગેવાનોનો વિરોધ
ગુજરાતમાં UCC લાગુ કરવા મુદ્દે મુસ્લિમ આગેવાનોનો વિરોધ દર્શાવી રહ્યા છે. UCCની કમિટીમાં મુસ્લિમ સભ્ય ન હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા. સરકારે બનાવેલી કમિટીમાં મુસ્લિમ સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માગ કરી.
-
બનાસકાંઠાઃ પાલનપુરના સીમલા ગેટ ખાતેથી દબાણો હટાવાયા
બનાસકાંઠાઃ પાલનપુરના સીમલા ગેટ ખાતેથી દબાણો હટાવાયા છે. મટન માર્કેટના દબાણો તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ચીફ ઓફિસરના આદેશ બાદ કામગીરી કરાઈ. વર્ષોથી બેરોકટોક મટનમાર્કેટ પર દબાણો થયા હતા.
-
જૂનાગઢઃ વોર્ડ નંબર 2ના ભાજપ ઉમેદવાર બિનહરીફ
જૂનાગઢઃ વોર્ડ નંબર 2ના ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે. લીરીબેન ભીંભા બિનહરીફ થતાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ સમર્થન આપ્યું. વધુ એક ભાજપની બેઠક બિનહરીફ થઇ. અત્યાર સુધી ભાજપની કુલ 9 બેઠક બિનહરીફ થઇ.
-
રાજકોટમાં હાર્ટએટેક 72 કલાકમાં 7 લોકોના મોત
રાજકોટમાં હાર્ટએટેક 72 કલાકમાં 7 લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળમાં મોત થયા. વેલનાથપરા સહિતના વિસ્તારમાં હાર્ટએટેકના બનાવો વધ્યા છે. હાર્ટએટેકથી મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી 6 પુરુષ અને 1 મહિલાનું મૃત્યુ થયું.
-
રાજકોટઃ ધોરાજીમાં પણ ‘ઉમેદવાર બચાવો અભિયાન’ શરૂ
રાજકોટઃ ધોરાજીમાં પણ ‘ઉમેદવાર બચાવો અભિયાન’ શરૂ કરવામાં આવ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય કાવાદાવા થઇ રહ્યા છે. ધોરાજી AAPના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ લઈ જવાયા. ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાનો આરોપ છે. આર્થિક પ્રલોભનો પણ આપી હોવાનો AAP શહેર પ્રમુખનો દાવો છે.
-
ઉત્તર પ્રદેશ: બુધવારે મહાકુંભમાં પહોંચશે PM મોદી
ઉત્તર પ્રદેશ: PM મોદી બુધવારે મહાકુંભમાં પહોંચશે. પવિત્ર ત્રિવેણી સંગમમાં વડાપ્રધાન આસ્થાની ડૂબકી લગાવશે. મહાકુંભમાં સ્નાન બાદ ગંગાની પૂજા-અર્ચના કરશે. PM મોદીના સ્વાગત માટે CM યોગી ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મહાકુંભમાં લગભગ 1 કલાકનો સમય વિતાવશે. CM યોગી દ્વારા આજે વ્યવસ્થાઓની સમીક્ષા કરાઈ.
-
ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ
યુનિફોર્મ સિવિલ કોડ અંગે સૌથી મોટા સમાચાર સામે આ્વ્યા છે. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું ગઠન થશે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચન પર કમિટી કામ કરશે. તાજેતરમાં જ ઉત્તરાખંડમાં UCCનો અમલ કરાયો છે.
-
IPS અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું
IPS અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું. 36 વર્ષની નોકરી બાદ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. હજુ સુધી રાજ્ય સરકારે રાજીનામું મંજૂર કર્યું નથી.
-
રાજકોટ: ગોંડલના ગુંદાસરામાં 2 યુવકો ચેકડેમમાં ડૂબ્યા
રાજકોટ: ગોંડલના ગુંદાસરામાં 2 યુવકો ચેકડેમમાં ડૂબ્યા છે. સરસ્વતી માતાની મૂર્તિનું વિસર્જન કરવા જતા દુર્ઘટના સર્જાઇ. ફેક્ટરીમાં સ્થાપિત માતાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા આ યુવકો. બંને મૃતકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
-
13 ફેબ્રુઆરીએ થઈ શકે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત
13 ફેબ્રુઆરીએ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે. 12 ફેબ્રુઆરીએ ફ્રાન્સના AI સંમેલનમાં PM મોદી ભાગ લેશે. સંમેલન બાદ PM મોદી અમેરિકા રવાના થશે. ટ્રમ્પના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ બન્ને નેતાની પ્રથમ મુલાકાત હશે. વોશિંગ્ટન ડીસીમાં બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે.
-
મહેસાણાઃ રખડતા પશુ પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો
મહેસાણાઃ રખડતા પશુ પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો થયો છે. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં હુમલો કરાયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત 5 વ્યક્તિઓને સિવિલમાં સારવાર અપાઇ. હુમલો કરનારા 14 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. નાગલપુર ગામમાં ઢોર પકડવા આવવું નહીં કહીને હુમલો કર્યો હતો. જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઈ હતી. કર્મચારીઓ પર લોખંડની પાઈપથી હુમલો કર્યો. મનપાની ટીમ પર ગાય લઈને વ્યક્તિને માર માર્યોનો પણ આરોપ છે. મનપાના 3થી 4 કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ.
-
વડોદરા: મકરપુરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો
વડોદરા: મકરપુરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે. હુમલાખોરે જૂની અદાવતમાં યુવક પર છરીના ઘા કર્યા. ઇજાગ્રસ્ત યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાખોરને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો. મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
-
ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે. 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
Published On - Feb 04,2025 7:29 AM





