01 નવેમ્બરના મહત્વના સમાચાર : હજુ 24 કલાક રાજ્યમાં રહેશે વરસાદનું જોર, હવામાન વિભાગનું 5 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા

આજે 01  નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

01 નવેમ્બરના મહત્વના સમાચાર : હજુ 24 કલાક રાજ્યમાં રહેશે વરસાદનું જોર, હવામાન વિભાગનું 5 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
| Edited By: | Updated on: Nov 01, 2025 | 9:40 PM

આજે 01  નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Nov 2025 09:00 PM (IST)

    ભિક્ષુકના વેશમાં ચોરીને અંજામ આપતી મહિલા ગેંગ સકંજામાં

    દાહોદમાં મહિલા ભીખારીઓની ટોળકી દ્વારા એક ચોરીને અંજામ અપાયો હતો. જે બાદ. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ બોલાવ્યો. પોલીસે ખાનગી તેમજ પોલીસના નેત્રમ CCTVના આધારે તપાસ આદરી. જેમાં ચોર ટોળકી કારમાં બેસી ફરાર થયાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવાઈ. આરોપીઓ ફરાર થયા હતા તે જ કાર ઈન્દોરથી અમદાવાદ જતી હોવાની પોલીસને બાતમી મળી. જેના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઈ. શંકાસ્પદ કાર આવતા જ પોલીસે તેને રોકી અને તપાસ કરતાં મહિલા ચોર ગેંગ સકંજામાં આવી. ભીખારી બની મહિલા ગેંગ. “ખાસ મોડસ ઓપરેન્ડી”થી ચોરીને અંજામ આપતી.

    ચોરી બાદ આરોપીઓ ખાનગી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર અને ત્યાંથી ઈન્દોર ભાગ્યા હતા. પોલીસે એક પુરુષ અને 6 મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોર ટોળકી પાસેથી 5 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે.

  • 01 Nov 2025 08:46 PM (IST)

    જામનગર: નંદનવન પાર્ક પાસે બાયોમેડિકલ વેસ્ટ મળ્યો

    જામનગર: નંદનવન પાર્ક પાસે બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. દવાઓ સહિતનો મોટો જથ્થો જાહેર સ્થળ પર ફેંકાયો છે. GPCBએ સ્થળ મુલાકાત લઇ લોકોના નિવેદન લીધા છે. કોઇ હોસ્પિટલ અથવા મેડિકલનો વેસ્ટ હોવાનું અનુમાન છે. GPCBની તપાસના આધારે કાયદાકીય પગલાં લેવાશે.
    ઉલ્લેખનીય છે, ખુલ્લામાં આ પ્રકારે બાયોમેડિકલ વેસ્ટ ફેંકવો પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે જોખમી છે છતાં, પણ આ રીતે ખુલ્લામાં વેસ્ટ ફેંકીને નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. જેને લઇ GPCBએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. GPCBએ વેસ્ટનો નમૂનો એકઠો કરીને તપાસ માટે મોકલ્યા છે. તપાસના આધારે જે જવાબદાર નીકળશે તેની સામે કાર્યવાહી કરાશે.


  • 01 Nov 2025 08:30 PM (IST)

    વડોદરાઃ ગળેફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

    વડોદરામાં ગળેફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો છે.  26 વર્ષીય મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. સાસરિયાનાં ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારનો આરોપ છે. દહેજ માટે શારીરિક ત્રાસ આપતાં હોવાનો આક્ષેપ કરાયો છે. મકાન ખરીદવા 10 લાખ રૂપિયાની માગણી કર્યાનો આરોપ છે. મહારાષ્ટ્રનાં જલગાંવનું દંપતી વડોદરામાં સ્થાયી થયું હતું. વડોદરાનાં ગોરવા વિસ્તારમાં પરિવાર રહેતો હતો. સાસરિયાઓ સામે કડક કાર્યવાહીની પિયરિયાની માંગ છે. પતિ, સસરા અને નણંદ સામે પોલીસ ફરિયાદ થઈ છે.

  • 01 Nov 2025 08:00 PM (IST)

    વાવ-થરાદઃ ખેડૂતોને સહાય આપવા કોંગ્રેસની માગ

    વાવ-થરાદઃ ખેડૂતોને સહાય આપવા કોંગ્રેસે માગ કરી છે. સુઈગામના મામલતદારને કોંગ્રેસે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યુ ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.  હવે શિયાળુ ખેતી કરવી મુશ્કેલ છે. ત્યારે સરકાર ખેડૂતોનુ પાક ધિરાણ માફ કરી તેવી માગ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે.

  • 01 Nov 2025 07:40 PM (IST)

    સુરતઃ VNSGUમાં પરીક્ષામાં નકલના કેસમાં ચિંતાજનક વધારો

    સુરતઃ VNSGUમાં પરીક્ષામાં નકલના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. પરીક્ષામાં કડક નિયમો છતાં નકલના કેસો વધ્યાં છે. 5 વર્ષમાં 70 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. છેલ્લાં છ વર્ષમાં દંડમાં આંકડામાં સતત ઉછાળો આવ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી 5 મહિનામાં 22 લાખનો દંડ વસુલાયો છે.

    મહત્વનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો હોય તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. જેનું પ્રમાણ છે છેલ્લાં છ વર્ષના આંકડા. છેલ્લા 6 વર્ષમાં નકલખોરો પાસેથી વસૂલાતા દંડમાં સતત ઉછાળો થયો છે. દંડનો ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે, પરંતુ આંકડાએ માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે.

  • 01 Nov 2025 07:20 PM (IST)

    રાજ્યભરના સસ્તા અનાજના દુકાનધારકો મેદાને

    રાજ્યભરના સસ્તા અનાજના દુકાનધારકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. 17 હજાર જેટલા દુકાનદારોની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા છે. કમિશનમાં વધારો, અનાજમાં ઘટાડો દૂર કરવાની માગ છે. બાયોમેટ્રિક અને ઓનલાઇન પોર્ટલની સમસ્યા દૂર કરવાની માગ સહિત 20 પ્રશ્નોને લઇ સસ્તા અનાજના દુકાનદારો મેદાને છે.
    સરકાર પોઝિટિવ જવાબ નહીં આપે ત્યાર સુધી હડતાળ યથાવત્ રહેશે.

  • 01 Nov 2025 07:00 PM (IST)

    રાજકોટઃ ભાજપમાં મહામંત્રી પદને લઇને વાયરલ પત્રનો વિવાદ

    રાજકોટઃ ભાજપમાં મહામંત્રી પદને લઇને વાયરલ પત્ર મુદ્દે સમગ્ર મામલે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મૌલિયાએ નિવેદન આપ્યુ છે. “પત્રમાં માત્ર પાંચ લોકોની જ સહી છે”. “પત્ર વાયરલ કરનાર પોપટ ટોળિયા અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે”. “વિધાનસભા 68ના વિસ્તારમાં કોઇ નારાજગી નથી”

  • 01 Nov 2025 06:45 PM (IST)

    સુરત: સરદાર માર્કેટ સામે બસ માલિકોએ કરી હડતાળ

    સુરત: સરદાર માર્કેટ સામે બસ માલિકો હડતાળ પર ઉતર્યા છે. રાજસ્થાન રૂટની બસોના માલિકો મેદાને ઉતર્યા છે. રાજસ્થાન RTOના બેવડા વલણથી બસ માલિકો ખફા છે. મોંઘા મેમો આપી દેતા બસ માલિકો ગિન્નાયા છે અને હડતાળ પર  ઉતર્યા છે. રાજસ્થાનમાં 8 હજારથી વધુ બસો થંભાવી દેતા નારાજગી છે. રાજસ્થાન જતી બસોના માલિકોએ નારાજગી વ્યક્ત કરી છે.

    ઉલ્લેખનીય છે, થોડા દિવસો પહેલા રાજસ્થાન જતી એક બસમાં આગ લાગી હતી. જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના બાદ રાજસ્થાનનું તંત્ર જાગ્યું અને બસ માલિકોને અધધધ દંડ આપવાના શરૂ કર્યા. જેથી બસ માલિકો નારાજ થયા છે. તેમનું કહેવું છે કે, રાજસ્થાન RTOમાં જ્યારે બસના દસ્તાવેજ બનાવે ત્યારે, કોઇ ખામી નથી દેખાતી અને આવી કોઇ દુર્ઘટના બને. એ પછી, RTOને કેમ ખામી દેખાય છે? રાજસ્થાન RTO કેમ બેવડું વલણ રાખે છે અને બસોને દંડ ફટકારીને હેરાનગતિ કરે છે. આ મામલે તંત્ર યોગ્ય નિર્ણય લાવે તેવી માગ છે.

  • 01 Nov 2025 06:15 PM (IST)

    રાજકોટ: શહેરમાં લુખ્ખાનો ત્રાસ સામે આવ્યો

    રાજકોટ: શહેરમાં લુખ્ખાનો ત્રાસ સામે આવ્યો છે. નાના મવા રોડ પર એક શખ્સે લુખ્ખાગીરી કરી છે. ફળ અને શાકભાજી વેચનાર લોકોની લારી ઉથલાવી પાડી હતી. જે બાદ તમામ શાકભાજી અને ફળો રોડ પર વેરાઈ ગયા હતા. લારીધારકોએ રોકવા છતા શખ્સ બેફામ બન્યો હતો.
    હાલ આ માથાભારે શખ્સ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે કારણ કે, તેને કાયદાનો કોઇ ભય નથી લાગી રહ્યો. શખ્સ જાહેરમાં રેકડી ધારકોને નુકસાન કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. શખ્સની આ કરતૂતથી લારીધારકોને નુકસાન થયું છે. મહત્વનું છે, ફરીથી આવી લુખ્ખાગીરી ના થાય તે માટે પગલાં જરૂરી છે.

  • 01 Nov 2025 05:55 PM (IST)

    અમરેલીઃ ખાંભામાં કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન

    અમરેલીઃ ખાંભામાં કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યુ છે. માવઠાથી પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોએ પોક મુકીને પોતાની વ્યથા ઠાલવી છે. ખેડૂતોએ રેલી યોજી મામલતદારને રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે સહાય કરવા માગ કરી છે.

  • 01 Nov 2025 05:41 PM (IST)

    વૌઠાના મેળામાં વરસાદ બન્યો વિઘ્ન, મેળાના મેદાનમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય

    અમદાવાદના ધોળકામાં આયોજિત થતા ગુજરાતના સૌથી મોટા વૌઠા લોકમેળાનો પ્રારંભ તો થઇ ચૂક્યો છે. પરંતુ, મેઘરાજા વિધ્ન બનીને વરસી રહ્યા છે. સપ્ત નદીના સંગમ સ્થાને આજથી મેળાનો શુભારંભ કરાયો છે. સાધુ-સંતોએ રીબીન કાપીને પરંપરાગત મેળાની શરૂઆત કરી છે. આ મેળો કાર્તિક અગિયારસથી પૂનમ સુધી એટલે કે આગામી 6 તારીખ સુધી ચાલશે. પરંતુ, વરસાદના કારણે મેળાના મેદાનમાં પાણી ભરાયા છે. જેથી કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સિવાય, જે સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા કરાઇ હતી. ત્યાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વૌઠા ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉભી કરવાના તમામ પ્રયાસ કરાઇ રહ્યા છે. જેથી લોકોને અગવડતા ના પડે. વૌઠા પંચાયતે ખુલ્લા રસ્તા, લાઇટ, પીવાનું પાણી આરોગ્ય, પોલીસ અને ફાયર વિભાગ સુધીની સુવિધા ઉભી કરવા કામગીરી કરી છે. મેળામાં પંચાયતે એક ઓફિસ પણ બનાવી છે. જેથી લોકો સીધો સંપર્ક કરી શકે. આ સાથે, ફરિયાદ માટે મેળામાં જ પોલીસ સ્ટેશન બનાવાયું છે. પરંતુ, વરસાદના કારણે મેળાની મજા બગડવાની શક્યતા છે.

  • 01 Nov 2025 05:39 PM (IST)

    જુનાગઢમાં મધ્યરાત્રીથી શરૂ થશે પ્રતિકાત્મક પરિક્રમા

    જુનાગઢમાં મધ્યરાત્રીથી પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ-સંતો અને ભાવિકો મર્યાદિત સંખ્યામાં પ્રતિકાત્મક પરિક્રમા કરશે. ત્યારે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ પરિક્રમા માર્ગ પર ન જઈ શકે તે માટે ગેટ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વાતથી અજાણ અનેરક પરિક્રમાર્થી જૂનાગઢ પહોંચ્યા હતા. ત્યારે તેઓએ ગેટ પાસે શ્રીફળ અને સાથીયો કરી પોતાની માનતા પૂર્ણ કરી છે.

  • 01 Nov 2025 05:36 PM (IST)

    રાજય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની કરી નિમણૂક

    રાજય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની કરી નિમણૂક કરી છે. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપાઈ છે. Dy. CM હર્ષ સંઘવીની ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે કૃષિ મંત્રી જીતુ વઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવાયા છે. કનુ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ છે. ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ- થરાદની જવાબદારી સોંપાઈ છે.

    ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી જે તે જિલ્લાની જવાબદારી સંભળાતા હોય છે. જિલ્લાના વિકાસ કાર્યો, અને જિલ્લાની જરૂરિયાતોને પૂરી કરવા તેઓ સરકાર સાથે સંકલન કરે છે. દર વખતે નવી સરકાર બને ત્યારે જિલ્લાઓની વહિવટી સરળતા માટે પ્રભારી મંત્રીઓની નિમણૂંક થાય છે.

  • 01 Nov 2025 05:20 PM (IST)

    સુરત: વરાછાના MLA કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર

    સુરત: વરાછાના MLA કુમાર કાનાણીએ CMને પત્ર લખી રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની માગ કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
    ખેડૂત દેવામાં ડૂબતો જતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.  MLA કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઇએ અને ખેડૂતોને દેવામુક્ત બનાવવા માટે પગલાં લેવા જોઇએ. જેથી ખેડૂતો ચિંતામુક્ત થઇને ફરીથી ખેતી કરી શકે. નહીંતર ખેતી પર અસર પડશે

  • 01 Nov 2025 05:00 PM (IST)

    અમરેલીઃ ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ

    અમરેલીઃ ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા, ધાવડીયા, ગીદરડીમાં ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે.
    તાતણીયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદીનાળા બે કાંઠે થયા છે. ખેડૂતોનો મગફળી, સોયાબિન અને કપાસ સહિતનો પાક બરબાદ થયો છે.

  • 01 Nov 2025 04:40 PM (IST)

    જામનગર: સતત માવઠાએ બગાડી ધરતીપુત્રોની હાલત

    જામનગર: સતત માવઠાએ ધરતીપુત્રોની હાલત બગાડી નાખી છે.  લાલપુર પંથકના ખેડૂતો આકરા પાણીએ છે. આખી રાત વરસાદ બાદ બચેલી આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. મગફળી, કપાસનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે. સરકાર સરવેના બદલે ઝડપી સહાય ચુકવે તેવી માગ કરાઈ છે. ઝડપથી વળતર ન મળ્યું તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

  • 01 Nov 2025 04:17 PM (IST)

    દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ધતુરીયામાં ખેડૂતો આક્રોશમાં

    દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ધતુરીયામાં ખેડૂતો આક્રોશ જોવા મળી રહ્યો છે. ધતુરીયાના ખેડૂતોએ પાક સરવેનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતોએ સરકારની સરવેની કામગીરીને નાટક ગણાવ્યુ છે. સરકારી નીતિઓ સામે ખેડૂતોનું આક્રમક વલણ જોવા મળી રહ્યુ છે. પાક ધીરાણ સંપૂર્ણ માફ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. પલળેલી મગફળીની ટેકાના ભાવે ખરીદવા ખેડૂતો માગ કરી રહ્યા છે અને માગ ન સ્વીકારાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી  ઉચ્ચારી છે.

    ધતુરીયાના ખેડૂતોએ પાક નુકસાન મુદ્દે પંચાયત ખાતે બેઠક યોજી હતી અને કમોસમી વરસાદથી નુકસાનનું તાત્કાલિક વળતર ચુકવવા માગ કરી. ખેડૂતોનું કહેવું છે કે સરવેનું નાટકર કર્યા વિના ઝડપથી વળતર ચુકવવામાં આવે.

  • 01 Nov 2025 04:00 PM (IST)

    છોટા ઉદેપુરમાં ડાંગરના પાક પર માવઠાએ ફેરવી દીધુ પાણી

    છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી છે, પાવીજેતપુર તાલુકાના ખાડિયા, અમાંદર, તારાપુર અને ઉમેરવાના વિસ્તારો કે જ્યાં થોડા જ દિવસ પહેલા ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો હતો અને ખેડૂતોને હૈયે હરખ સમાતો હતો નહીં. ખેડૂતોને આશા હતી કે ડાંગરના પાકનું વેચાણ કરીને મહેનતનું ફળ મેળવીશું પરંતુ માવઠાએ ખેડૂતોના સપના અને મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમનસીબી કમોસમી વરસાદે એવી તો તબાહી મચાવી છે કે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.

  • 01 Nov 2025 03:30 PM (IST)

    જુનાગઢના માંગરોળમાં સતત વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન

    કમોસમી વરસાદને કારણે જુનાગઢના માંગરોળમાં પણ ખેડૂતોના હાલ બેહાલ થયા છે કારણ કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. પાક નષ્ટ થઈ ચૂક્યો છે. એવામાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને પાકમાંથી એક રૂપિયો પણ મળી શકે તેવી આશા તેઓને રહી નથી. ત્યારે ખેડૂતો દ્વારા માનખેત્રા ગામે સરવેનો વિરોધ કરાયો છે કારણ કે કામગીરીમાં સર્વર ડાઉન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સાથે જ નુકસાનીનું 100 ટકા વળતર ચૂકવવા માગ કરી છે.

  • 01 Nov 2025 03:11 PM (IST)

    રાજકોટ: જસદણના જીવાપર ગામ નજીક અકસ્માત

    રાજકોટ: જસદણના જીવાપર ગામ નજીક અકસ્માત થયો છે. તુલસી વિવાહમાં જતી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 3ની હાલત ગંભીર છે. જસાપરથી નવાગામ તરફ બસ જઈ રહી હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી જતા અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે કે. ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    અકસ્માત અંગે જાણ થતાં આટકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી વિગતો અનુસાર અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને તેઓ તુલસી વિવાહમાં જમવા માટે જઈ રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા જ સત્વરે સ્થાનિકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ જસદણ પ્રાંત અધિકારી અને મામલતદાર હોસ્પિટલ પહોંચ્યા હતા તો હોસ્પિટલ દ્વારા તમામ ઈજાગ્રસ્તોની વિનામૂલ્યે સારવારની જાહેરાત કરવામાં આવી છે.

  • 01 Nov 2025 03:07 PM (IST)

    કચ્છ: કિડાણામાં ગુનેગારના દબાણ પર ફર્યું બુલડોઝર

    કચ્છ: કિડાણામાં ગુનેગારના દબાણો  તંત્રનું બુલડોઝર ફર્યુ છે. 9500 ચો. ફૂટમાં રહેલું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યુ છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિરા સુલેમાનના દબાણ પર ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીધામ મનપાએ કાર્યવાહી કરી છે. બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

    દબાણ અંગે ગાંધીધામ મનપા દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિરા સુલેમાનના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું હતું. આરોપીએ ચાર ઓરડીઓ તથા પ્લોટની આજુબાજુ વરંડો કરી કબજો કર્યો હતો. આ પહેલાં કચ્છ પોલીસ દ્વારા 1.76 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો અને ત્યારબાદ બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી સાથે જ પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે કે કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે.

  • 01 Nov 2025 03:05 PM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

    દેવભૂમિ દ્વારકામાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. દ્વારકા શહેરમાં દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો છે. ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા છે.
    સરકારી જમીન પરના બાંધકામ તોડી પડાયા છે. સુદામા ભવન, સિકોતર ભવન પર બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને અન્ય અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

  • 01 Nov 2025 02:40 PM (IST)

    રાજય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની કરી નિમણૂક

    રાજય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક કરી છે. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપાઈ. DyCM હર્ષ સંઘવીની ગાંધીનગર અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે નિમણૂક કરાઇ.
    કૃષિ મંત્રી જીતુ વઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવાયા. કનુ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ. ઋષિકેશ પટેલ અમદાવાદ અને વાવ- થરાદની જવાબદારી સોંપાઈ.

  • 01 Nov 2025 02:04 PM (IST)

    માવઠાંથી નુકસાનને લઈને CMની મહત્વની બેઠક

    માવઠાંથી નુકસાનને લઈને CMની મહત્વની બેઠક મળી. ખેતીના પાકોને નુકસાન અંગે CMએ સંવેદશીલતા દાખવી. CM ભૂપેન્દ્ર પટેલે નુકસાન અંગેની સમીક્ષા કરી. કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠક મળી. ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી અંગે સમીક્ષા થઇ. DyCM અને કૃષિપ્રધાન પણ બેઠકમાં હાજર રહ્યા.

  • 01 Nov 2025 01:40 PM (IST)

    અમદાવાદ: વૃદ્ધ દંપતીના ઘરમાંથી લાખોના દાગીનાની લૂંટ

    અમદાવાદ: વૃદ્ધ દંપતીના ઘરમાંથી લાખોના દાગીનાની લૂંટ થઇ છે. બોડકદેવના આર્યમાન બંગલોઝમાં લૂંટારુઓ ત્રાટક્યા. વૃદ્ધ દંપતીને હથિયાર બતાવીને 22.91 લાખના દાગીનાની લૂંટ થઇ. મકાનના પાછળના ભાગેથી ઘૂસીને 3 લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો. રોકડ રકમ અને લાખોના દાગીનાની ચોરી કરી લૂંટારુઓ ફરાર. ટેક્સટાઈલ મશીનરીના વેપારીએ ફરિયાદ નોંધાવી.

  • 01 Nov 2025 01:35 PM (IST)

    મહેસાણા: બહુચરાજીમાં ATMમાં ચોરીનો થયો પ્રયાસ

    મહેસાણા: બહુચરાજીમાં ATMમાં ચોરીનો પ્રયાસ થયો. 3 શખ્સોએ SBIના ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ. કોસ, હથોડી અને છીણી લઇને ATM તોડવાનું કાવતરૂં હતુ. શખ્સોએ બચવા માટે ATMના CCTV તોડી નાંખ્યા. બહુચરાજી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

  • 01 Nov 2025 01:28 PM (IST)

    અમરેલીઃ માવઠાને કારણે એક મહિલાનો ગયો જીવ

    અમરેલીઃ માવઠાને કારણે એક મહિલાનો જીવ ગયો છે. ખેડૂતોના નુકસાન બાદ માનવ મૃત્યુની પ્રથમ ઘટના બની છે. મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયુ. ધારીના સરસિયા ગામમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થયું. તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટના સ્થળે છે. રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદે વિરામ લીધો, પરંતુ ધારી અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ યથાવત્ છે.

  • 01 Nov 2025 01:00 PM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

    દેવભૂમિ દ્વારકા શહેરમાં તંત્ર દ્વારા દબાણો પર ફરીથી બુલડોઝર ચલાવવામાં આવ્યુ છે. પોલીસ અને પ્રાંત અધિકારી અમોલ આવટે સહિતની ટીમની હાજરીમાં ગેરકાયદે બાંધકામને તોડી નાખવામાં આવ્યુ છે. સરકારી જમીન પર બનેલા બાંધકામો ખાસ કરીને સુદામા ભવન અને સિકોતર ભવન પર બુલડોઝર ફરી વળ્યુ હતુ. આ કામગીરીમાં રાજ્યના અધિકારીઓ અને સ્થાનિક તંત્રની ટીમે સંયુક્ત રીતે દબાણ દૂર કરવાના પગલાં લીધા છે.

  • 01 Nov 2025 12:32 PM (IST)

    સુરતઃ માવઠાંથી નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે DyCM

    સુરતઃ માવઠાંથી નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે DyCM. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સુરતના ખેતરોની મુલાકાતે છે. સુરતના સેલુટ ગામે ખેતરોની મુલાકાતે હર્ષ સંઘવી પહોંચ્યા. ખેતરોમાં ઉભેલા ડાંગરના પાકને નુકસાન થયું છે.  ખેડૂતોના પાકને થયેલા આર્થિક નુકસાનની તેમણે સમીક્ષા કરી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો.

  • 01 Nov 2025 12:15 PM (IST)

    અમરેલીમાં માવઠાથી નુકસાનીના સરવેને લઈને રાજકારણ

    અમરેલીમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે કૃષિ નુકસાન અંગે સરકારની નીતિ પર આક્ષેપ કર્યો અને તાત્કાલિક તમામ ખેડૂતોના ધિરાણ માફ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓને ખેડૂતોના સમર્થનમાં આવવા હાંકલ અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા થતા સરવેને સરકારનું ગતકડું ગણાવ્યું છે. ભાજપે વિરોધ કરતા જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય ખેડૂતો માટે પૂરતી મદદ કરતી નથી અને પાક નુકસાનીમાં 50 ટકાથી વધુ સહાય આપી નથી. ભાજપના શાસનમાં 33 ટકા નુકસાની પર પણ સહાય આપવામાં આવે છે અને સરકારએ તાજેતરમાં 900 કરોડ રૂપિયાથી વધુના પેકેજથી ખેડૂતોને વિવિધ મદદ પ્રદાન કરી છે. કોંગ્રેસ દ્વારા ત્રણ નવેમ્બરે યોજાનારા ધરણાં કાર્યક્રમ માટે તમામ ખેડૂતોને જોડાવાની અપીલ કરવામાં આવી છે, જેમાં તેઓ ખેડૂતોના હિત માટે આંદોલન ચાલુ રાખશે.

  • 01 Nov 2025 10:08 AM (IST)

    અમરેલીઃ ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ

    અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદથી હાહાકાર મચી ગયો છે. ખાંભા તાલુકાના તાતણીયા, ઉમરીયા, લાસા, ધાવડીયા અને ગીદરડી ગામોમાં ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તાતણીયા ગામમાં તો મોડી રાત્રે વરસાદી પૂરના પાણી ઘૂસતા ગામના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાંભા ગીર વિસ્તારના ઉપરવાસના ગામડાઓમાં નદીઓ અને નાળાઓ બે કાંઠે વહેતા બન્યા છે. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે.

  • 01 Nov 2025 09:33 AM (IST)

    પોરબંદરના બરડામાં મોડી રાતે 3થી 4 ઈંચ વરસાદ પડ્યો

    પોરબંદરના બરડામાં મોડી રાતે 3થી 4 ઈંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પાણીમાં ગરકાવ. આફતનો વરસાદ પડતા મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

  • 01 Nov 2025 09:09 AM (IST)

    24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં ખાબક્યો વરસાદ

    24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના ખાંભામાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો. ભાવનગરના તળાજામાં 2.48 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ વરસાદ ખાબક્યો. રાજ્યના અન્ય 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

  • 01 Nov 2025 08:31 AM (IST)

    વડોદરા: ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં દેખાયો મગર

    વડોદરા: ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો. હરણી-સમા રોડ પર પંચામૃત રેસિડેન્સીમાં મગર આવી જતા હડકંપ મચ્યો. પાર્કિંગમાં વાહન નીચે મગર દેખાતા રહીશોએ રેસ્ક્યૂ ટીમને જાણ કરી. રેસ્ક્યૂ ટીમને જોઈ મગર કાર નીચે છૂપાઈ ગયો હતો. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ટીમે મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યુ.

  • 01 Nov 2025 08:12 AM (IST)

    રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા રહેશે બંધ

    રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ આજથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના નિર્ણય મુજબ આજથી સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સ્પષ્ટ કર્યું કે હડતાળ સમેટાઈ હોવાની અફવાઓ ખોટી છે અને દુકાનદારોને ભ્રમિત કરવા માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે દુકાનદારોની હડતાળ અને તેમની માંગણીઓ યથાવત છે અને સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યા વગર હડતાળ પાછી લેવામાં નહીં આવે.

  • 01 Nov 2025 07:39 AM (IST)

    કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 22 કિમી દૂર નોંધાયુ.

Published On - 7:38 am, Sat, 1 November 25