
બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા ચક્રવાતમાં પરિવર્તિત થયું છે. જોકે, ભારતીય દરિયાકાંઠે તેની કોઈ મોટી અસર નહીં થાય. કર્ણાટકનું મૈસૂર શહેર આજે વિજયાદશમીના અવસરે ભવ્ય શોભાયાત્રા માટે તૈયાર છે, જે 10 દિવસીય વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા ઉજવણીના ભવ્ય સમાપનને પણ ચિહ્નિત કરશે. દેશમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પર સૈનિકો સાથે દશેરાના તહેવારની ઉજવણી કરશે. અભિનેત્રી કંગના રનૌત દશેરાના અવસર પર રાષ્ટ્રીય રાજધાનીની પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણનું દહન કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા (RSS) મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તેના વાર્ષિક વિજયાદશમી ઉત્સવનું આયોજન કરાયુ. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
જનતા દળ (યુનાઈટેડ) એ મંગળવારે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તેના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી. JD(U)ની સાથી કોંગ્રેસ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ કરી રહી છે. JD(U)ના રાષ્ટ્રીય મહાસચિવ અફાક અહેમદ ખાનના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ પ્રથમ યાદી છે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે.
મંગળવારે, જર્મનીના દરિયાકાંઠે ઉત્તર સમુદ્રમાં બે માલવાહક જહાજો અથડાયા હતા અને તેમાંથી એક ડૂબી ગયું હતુ. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં એક નાવિકનું મોત થયું હતુ અને અન્ય ચાર લાપતા થઈ ગયા હતા. જર્મનીના ‘સેન્ટ્રલ કમાન્ડ ફોર મેરીટાઇમ ઇમરજન્સી’એ જણાવ્યું કે હેલ્ગોલેન્ડ ટાપુના દક્ષિણ પશ્ચિમમાં લગભગ 22 કિલોમીટર દૂર મંગળવારે સવારે 5 વાગ્યે બે જહાજો અથડાયા હતા.
પંચમહાલના કાલોલના મલાવ નજીક ભેદી વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણી પુરવઠા વિભાગની સંપ બનાવવાની કામગીરી સમયે આ ભેદી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ મોટા પથ્થરો હવામાં ફંગોળાયા અને આસપાસના 20 કિમીના વિસ્તારમાં કંપનની અસર અનુભવાઈ હતી.
ભેદી ધડકા બાદ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પાણી-પુરવઠા વિભાગની સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે.
ODI વર્લ્ડ કપ 2023ની 23મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને હરાવ્યું છે. આ જીત સાથે આફ્રિકન ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે અને સેમીફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 382 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 233 રન બનાવી શકી અને 149 રનથી મેચ હારી ગઈ.
કર્ણાટકમાં ચેન્નાઈની બહારના વિસ્તારમાં ઉરપક્કમ નજીક ટ્રેનની અડફેટે આવતાં બે ભાઈઓ સહિત ત્રણ બાળકોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય બાળકો અપંગ હોવાનું કહેવાય છે. ત્રણેય બાળકોની ઉંમર 11 થી 15 વર્ષની વચ્ચે હતી અને તેઓ કર્ણાટકના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણ બાળકોમાંથી બે ભાઈઓ બહેરા અને મૂંગા હતા જ્યારે ત્રીજો બાળક બોલી શકતો ન હતો.
સરકારે રેલવે કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. દિવાળી પહેલા જ રેલવે બોર્ડે ભારતીય રેલવેના (Indian Railway) અંદાજે 12 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA) વધારો આપવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થાના વધારા બાદ રેલ કર્મચારીઓને તેની બેસિક સેલેરીના 42% ના બદલે 46% મોંઘવારી ભથ્થું મળશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ પડશે, તેથી કર્મચારીઓને તેમના માસિક પગારની સાથે એરિયરની રકમ પણ મળશે.
પંચમહાલ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. ભક્તોના ઘોડાપૂર વચ્ચે અનેક બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચાલુ વર્ષે પરિવારથી વિખૂટા પડેલા લોકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ઘોડાસર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. ગરબા રમવાને બાબતે થઈને ત્રણ શખ્શોએ ભેગા મળીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવક અને તેના મિત્રો ગરબા રમવા માટે આવ્યા હતા અને જેમને રોકતા ઘર્ષણ સર્જાયુ હતુ. બોલાચાલી એટલી હદી વધી ગઈ હતી. યુવકની હત્યા કરી દેવાઈ હતી.
મધ્યપ્રદેશ (Madhya Pradesh) સ્ટેટ સર્વિસ પરીક્ષા 2023 માટે અરજી કરવા માટે બાકી રહી ગયેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC) દ્વારા મધ્યપ્રદેશ સિવિલ સર્વિસ પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગળ વધારવામાં આવી છે. કમિશન દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે તેઓ MPPSCની ઓફિશિયલ વેબસાઇટ mppsc.mp.gov.in પર નોંધણી કરી શકે છે.
કલોલમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, ઇફ્કોએ મને ઘણા વર્ષો સુધી મતો આપ્યા છે. હું છેલ્લા 28 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું, પરંતુ અહીંના લોકોએ ક્યારેય દગો કર્યો નથી. જ્યારે પણ મતપેટી ખૂલી છે ત્યારે હંમેશા પોઝિટિવ જ ખૂલી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમિત શાહે રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ગાંધીનગરના કલોલમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેનો DAPના કારણે ઉપજની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થશે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં એક જમાઈએ સાસુના પ્રેમીની હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે જમાઈએ હત્યા કરીને વાતને દબાવી રાખવા માટે પ્રયાસ કર્યો પરંતુ પોલીસની તપાસ સામે તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને હવે જેલના હવાલે થવુ પડ્યુ છે. આરોપી જમાઈને પોતાની સાસુના અફેરને લઈ ગુસ્સો હતો અને જેને લઈ યુવકની હત્યા કરી દીધી હતી. જોકે હવે પોલીસે જમાઈની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ આજે એટલે કે દશેરાના દિવસે જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને કરી આ બાબતની જાહેરાત કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યુ કે તેઓ સક્રિય રાજકારણમાંથી ખસી રહ્યા છે, કારણ કે તેમને રાજકારણમાં રસ નથી અને બીજું કોઈ કારણ નથી.
‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ના ચોથા દિવસે સોમવારે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે TV9ના આવા પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે. સોમવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમની પત્ની લક્ષ્મી પુરી સાથે હાજરી આપી હતી. હરદીપ પુરી અને તેમની પત્ની લક્ષ્મી પુરીએ દેવી દુર્ગાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં તસ્કરોનો ત્રાસ વધવા લાગ્યો છે. હિંમતનગરના દેસાસણ ગામે ગત 17 ઓક્ટોબરે નવરાત્રીના ગરબાની સાઉન્ડ સિસ્ટમ ચોરી થઈ ગઈ હતી. જોકે આ દરમિયાન ગાંભોઈ પોલીસને ચોરીના બાઈક સાથે બે યુવકો પેટ્રોલિંગ દરમિયાન હાથ લાગ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ચોરીની બાઈક ઉપરાંત સાઉન્ડ સિસ્ટમની ચોરીનો ભેદ એક સપ્તાહ બાદ ઉકેલાયો છે. ઝડપાયેલા આરોપીઓએ હિંમતનગર વિસ્તારમાં ચોરીની ચાર જેટલી ઘટનાઓને અંજામ આપ્યો હોવાનુ ખુલ્યુ છે. આરોપીઓએ ગાંભોઈ પોલીસ મથક વિસ્તારમાં એક અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો આચર્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે. ગાંભોઈ પોલીસને એક બાઈક ચોરીના ગુનાએ ચાર ચોરીના ભેદ ઉકેલી આપતા રાહત સર્જાઈ છે.
વડાપ્રધાન મોદી દ્વારકા સેક્ટર 10ના રામલીલા મેદાનમાં સાંજે 5.30 વાગ્યે રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેશે. આ મેદાનમાં 4 પુતળા બનાવવામાં આવ્યા છે, જેનું દહન કરવામાં આવશે. તેમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા સામેલ છે. ઉલ્લેખનીય છે કે 4 વર્ષ પહેલા જ આ મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી આવી ચૂક્યા છે.
ઈઝરાયેલ પહોંચેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે ફ્રાન્સ ઈઝરાયેલની સાથે ઉભું છે. 7 ઓક્ટોબરે થયેલો હુમલો વિશ્વ માટે આઘાતજનક છે. તમામ બંધકોને ભેદભાવ વિના મુક્ત કરવા જોઈએ. ઈઝરાયલની મદદ માટે દરેક પગલા ભરશે.
Heart Attack Death : રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં 20થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોયા છે.તો અમદાવાદ શહેર અને રાજ્યમાં લોકો નવલી નોરતાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ગરબાની તાલે રમતા ખેલૈયાઓમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.અને તેમાં પણ કોરોના બાદ નવરાત્રીની આટલી મોટી અને અદભુત ઉજવણી થતા ખેલૈયાઓને મોકો મળતા નવરાત્રીના ઉત્સવમાં મન મુકીને ગરબા રમી રહ્યા હતા. સ્વભાવિક છે કે લોકો કોરોનાની બાદ મન મૂકીને ગરબા રમ્યા હતા
ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં હમાસની 400 જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે હમાસના 3 ડેપ્યુટી કમાન્ડર માર્યા ગયા છે. હુમલામાં હમાસના ડઝનબંધ આતંકીઓ પણ માર્યા ગયા હતા. હમાસના ઘણા સૈન્ય મથકો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.
દશેરાનું (Dussehra 2023) પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધુરો મનાય છે. ત્યારે આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે.
RSSના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે દર વર્ષે વિશ્વમાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. G-20 સમિટ દરમિયાન ભારતીયોની પ્રશંસા કરવામાં આવી હતી. આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.
લલિત પાટીલ ડ્રગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. લલિત પાટીલની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ નદીમાં ફેંક્યું હતું. પોલીસે આ ડ્રગ્સને શોધવા માટે મધરાતથી ઓપરેશન શરૂ કર્યું હતું. મુંબઈ પોલીસની એક ટીમે ફરી એકવાર નાસિકમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નાસિક સટાણા રોડ પર લોહનેર થેંગોડા ગામમાં નદીના પટમાંથી પોલીસે કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
ભારતમાં નવરાત્રીની સાથે સાથે દુર્ગાપૂજાનું પણ એટલું જ મહત્વ રહેલુ છે. સમગ્ર દેશમાં નવરાત્રી અને દુર્ગાપૂજાનો તહેવાર ભાવભક્તિના આસ્થાથી ઉજવાય છે. અમદાવાદ શહેરમાં પણ નવરાત્રીની સાથે સાથે જ 24 જગ્યાએ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે. બંગાળી સમાજમાં માતાજીને દેવી સ્વરૂપે નહીં પરંતુ પુત્રી સ્વરૂપે આવકારવામાં આવે છે.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં આખલાઓએ આખો રોડ માથે લીધો હતો.ખંભાળિયાના ચાર રસ્તા નજીક નવા સિનેમા રોડ પર એકસાથે 10 આખલાએ દોડધામ કરતાં જોવા મળ્યા હતા.જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.તો રાત્રિના સમયે વાહનોની અવર-જવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ખંભાળિયામાં આખલાઓ કેવી રીતે આતંક મચાવી રહ્યા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
રાજ્યમાં સતત હાર્ટ એટેકથી મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 35 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. હિરેન લુણાવીયા નામના યુવક ગરબામાં રમતો હતો. તે સમયે તેને ચક્કર આવતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બીજા જ દિવસે હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતુ. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
Rajkot News : રાજકોટમાં ફરી એક વખત સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના હળાહળ કળયુગની ચાડી ખાય છે.ખૂબ જ નાની વયની માસૂમ દીકરીઓ પણ નરાધમોની હવસનો શિકાર બનવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.પરંતુ હદ તો ત્યારે થાય છે આ માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવનાર કોઈક પોતાનું જ કુટુંબીજન નીકળે છે.આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે.
Gir Somnath: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો વધતો હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે ગીરસોમનાથના તાલાલામાંથી જીવલેણ હાર્ટ એટેકથી વધુ 2 લોકોના જીવ ગયા. પ્રથમ ગાભા ગામની વાત કરીએ તો, એક યુવાન જ્યારે તેના ઘરમાં હતો. તે દરમિયાન જ અચાનક હાર્ટ એટેક આવી જતા મોત થયું. મૃતક યુવક 26 વર્ષીય નિકુંજ પરમાર હોવાનું સામે આવ્યું છે.
આ તરફ તાલાલામાં જ વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમા તાલાલાના જેબુનબેન નામના મહિલા જ્યારે હિરણ નદીમાં કપડાં ધોવા ગયા હતા તે સમયે અચાનક હાર્ટ એટેકથી ઢળી પડતા મોત નીપજ્યું છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં 15 જેટલા લોકોનું હાર્ટ એટકથી મોત થયું છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે.
Bhavnagar: દશેરાની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી અને માત્ર એક જ દુકાનમાંથી સેમ્પલ લઇને સંતોષ માન્યો. જ્યાં 100થી વધુ દુકાનો આવેલી હોય ત્યાં માત્ર એક જ દુકાનમાં કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ સવાલ સર્જાય. એક દુકાનમાં હાથ ધરાયેલા કાર્યવાહીમાં આરોગ્ય વિભાગે ફાફડા, જલેબી, ચોળાફળી અને ગાંઠીયા નમૂના લેબ ટેસ્ટિંગમાં મોકલ્યા.
આપને જાણીને આશ્ચર્ય થશે કે આ તમામ નમૂનાનો રિપોર્ટ મહિના પછી આવશે. એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ સર્જાશે. અર્થાત શહેરીજનો ખોરાક આરોગી ગયા બાદ રિપોર્ટ આવે તેનો શું અર્થ. હવે આવી સ્થિતિમાં અહીં સવાલ એ સર્જાય કે આરોગ્ય વિભાગને ખરેખર નાગરિકોના આરોગ્યની ચિંતા છે કે પછી દેખાડો કરવામાં રસ છે. સ્થિતિ આપની નજર સમક્ષ છે, હવે આપે જ નક્કી કરવાનું છે કે તમારૂ આરોગ્ય કેવી રીતે સ્વસ્થ્ય રહી શકે.
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજ દ્વારા મોટી કાર્યવાહી, ગૃહ પ્રધાને 372 તપાસ અધિકારીઓ (IO) ને સસ્પેન્ડ કર્યા, લાંબા સમયથી પેન્ડિંગ જુદા જુદા કેસોમાં યોગ્ય રીતે તપાસ ન કરવાને કારણે લેવામાં આવી કાર્યવાહી. છેલ્લા એક વર્ષથી 3229 કેસ પેન્ડિંગ હતા. ગૃહમંત્રીએ તમામ કેસ ડીએસપીને સોંપ્યા. ડીએસપીએ એક મહિનામાં કેસનો નિકાલ કરવો જોઈએ તેવી પણ સુચના અપાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટ્વિટ કર્યું કે, ગમે તેટલું મુશ્કેલ હોય, અમે શાંતિ છોડી શકતા નથી. અમે દ્વિ-રાજ્ય ઉકેલને છોડી શકતા નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયનો સુરક્ષા, ગૌરવ અને શાંતિથી જીવવાના સમાન હકદાર છે.
US President Joe Biden tweets, “As hard as it is, we cannot give up on peace. We cannot give up on a two-state solution. Israelis and Palestinians equally deserve to live in safety, dignity, and peace” pic.twitter.com/JH7egRpy33
— ANI (@ANI) October 23, 2023
ઈસ્લામાબાદ હાઈકોર્ટે એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને આગોતરા જામીન આપ્યા હતા, પરંતુ હવે આ કેસોની સુનાવણી આજે થશે.
કાર્યકર્તા મનોજ જરાંગે, જેમણે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવાનો મુદ્દો કેન્દ્રમાં લાવ્યો હતો, તેણે ધમકી આપી હતી કે જો સરકાર 24 ઓક્ટોબર સુધીમાં નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટા આપવામાં નિષ્ફળ જશે તો તેમનો વિરોધ વધુ તીવ્ર બનશે.
Published On - 6:37 am, Tue, 24 October 23