ગુજરાતના CM રૂપાણીએ કર્યું લોકડાઉનની અફવાનું ખંડન, કહ્યું રાજ્યમાં લોકડાઉન નહીં થાય

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ આજે ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ આજે ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.

 

 

મુખ્યમંત્રી CM Rupaniએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં કહ્યું કે લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવવાનું નથી કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાના નથી.  રાજ્યના નાગરિકોને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.

 

કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે તો ઓનલાઈન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

 

CM Rupaniએ જણાવ્યું કે ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલાં રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. પરંતુ, આ કરવું જરૂરી હતું. તેમણે ઉમેર્યું હતું કે જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ધંધા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો.

 

જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે જાહેર જનતાને તકલીફ ન પડે એ મુજબ નિયમો હળવા પણ કરી દીધા હતા. ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

 

એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે. બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે. હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી.

 

અત્યારે કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઈ જશે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. માસ્કના દંડના પૈસા રૂપિયામાં સરકારને કોઈ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઈકોર્ટના આદેશ રૂપિયા 1,000 દંડ લઈ રહ્યા છીએ.

 

આ પણ વાંચો: ફાટેલા જીન્સ બાદ ઉત્તરાખંડના CM તીરથસિંહ રાવતનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું બે બાળકના લીધે ઓછું અનાજ મળ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati