
ગુજરાત વહીવટી સુધારા આયોગે ( GARC – Gujarat Administrative Reforms Commission) આજે તેમનો પાંચમો અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે. આ અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલ નાગરિક દેવો ભવ – સિટિઝન ફર્સ્ટના અભિગમને સાર્થક કરવા ભલામણ કરી છે. GARC દ્વારા કુલ 12 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલા પાંચમા ભલામણ અહેવાલમા જણાવાયું છે કે, સિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSO દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.ના માધ્યમથી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
એક જ વાર ભરવામાં આવેલી માહિતીને આધાર કે ડિજીલોકર સેવા સાથે જોડીને વિવિધ સેવાઓ માટે આપમેળે તેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા વિકસાવવાની પણ ભલામણ GARCના આ પાંચમાં અહેવાલમાં સૂચવવામાં આવી છે. આના પરિણામે લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર એકની એક માહિતી આપવામાંથી છુટકારો મળશે અને “એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો” નો ધ્યેય પાર પડે તેવી વ્યવસ્થાની પણ અહેવાલમાં ભલામણ કરાઈ છે.
GARCના પાંચમાં અહેવાલમાં આ વિચારને સુસંગત વિઝન “એક રાજ્ય – એક પોર્ટલ”થી અપનાવવાની ભલામણો કરવામાં આવી છે. GARCના આ પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે.
ગુડ ગવર્નન્સના મોડલ સ્ટેટની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં દરેક નાગરિકને એક જ ડિજિટલ ઇન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવીને ‘ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ સીટીઝન’નો મંત્ર સાકાર કરવાની દિશામાં આ અહેવાલને મહત્વપૂર્ણ બનાવવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જનસેવા કેન્દ્રો (JSK)ને આધુનિક બનાવવા, સેવાઓ મેળવવા માટેના પ્રતિક્ષા સમયમા ઘટાડો, દરેક જનસેવા કેન્દ્રોમાં માર્ગદર્શન ડેસ્ક ઉભી કરવી અને નાગરિક-મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભુ કરવામાં આવે તેથી સરકારના સિટીઝન ફર્સ્ટ ના અભિગમને અનુરૂપ નાગરિકોનો સરકાર સાથેનો અનુભવ વધુ સુખદ બને તે માટેની ભલામણો GARCએ કરી છે.
ગ્રામીણ વિસ્તારોમાં Village Computer Entrepreneurs (VCE)ની ભૂમિકા મજબૂત બનાવવામાં આવે અને શહેરી વિસ્તારોમાં ઝોન-વાઇઝ સેવા વિતરણ માટે Public-Private Partnership (PPP)ના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી સેવાઓ મળી રહે તે મુજબની ભલામણ પણ કરવામાં આવી છે.
પંચે રાઇટ ટૂ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત નાગરિક ચાર્ટરના નિયમિત ઓડિટ અને અપડેટ માટે માળખાકીય પ્રક્રિયા સુચવેલી છે. તે સાથે જ જનસેવા કેન્દ્રોમાં વધારાની સ્ટાફ પોઝિશનો, કર્મચારીઓ માટે તાલીમ અને નાગરિક સેવાના કલાકોમાં સ્પષ્ટતા જેવી તમામ ભલામણોથી લોકોને “Ease of Governance” મળે તેવું લક્ષ્ય GARCના પાંચમાં ભલામણ અહેવાલમાં સમાવિષ્ટ છે.
આ પણ વાંચોઃ માવઠાથી અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 દિવસમાં સર્વે કરાવવા સરકારનો આદેશ, જુઓ Video