સમગ્ર ગુજરાત જ્યારે નવારાત્રીમાં આદ્યશકિતની ઉપસના કરી રહ્યું હતું તેવા સમયે ગીર સોમનાથમાં (Gir somnath) અંધારી વાડીમાં માસૂમ ધૈર્યા અમાનુશી અત્યાચાર વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને આ કરનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો બાપ હતો જે રોજે રોજ આ માસૂમ પર જુદી જુદી વિધી કરીને તેને મોત તરફ ધકેલતો હતો. તાલાલાના (talal) ધાવા ગામે ધૈર્યા હત્યાકાંડને (Dhairya hatyakand) લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ પોલીસે સુરતથી સાહિબ રાવ વાનખેડે નામના શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે હત્યારા પિતાને તાંત્રિક વિદ્યા શિખવાડી હોવાની આશંકા છે. હત્યારાના ભાઈએ આ અંગેની કબૂલાત કરી છે. અગાઉ LCB પોલીસે ભરૂચ પાસેથી એક તાંત્રિકની અટકાયત કરી હતી. તાલાલા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ: તાલાલાના ધાવા ગામમાં 14 વર્ષની દિકરીની હત્યાનો કેસ, સુરતથી સાહિબ રાવ વાનખેડે નામના શખ્સની અટકાયત #TV9GujaratiNews pic.twitter.com/zwqU3Pf8dy
— Tv9 Gujarati (@tv9gujarati) October 14, 2022
સમગ્ર બનાવની વાત કરીએ તો, 14 વર્ષીય માસૂમ દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે. કાતિલ પિતાએ અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. એટલું જ નહીં માસૂમનું મૃત્યુ કોઈ ચેપીરોગથી થયાનું કુટુંબીજનોને જણાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ જમાઈ ભાવેશ અકબરી અને જમાઇના મોટાભાઈ દિલિપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા ભાવેશ અકબરી અને મોટા બાપુજી પોલીસ સકંજામાં છે.
સગા બાપે સહેજ પણ દયા રાખ્યા વિના દીકરી પર જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો તે અંગે વાંચતા કે સાંભળતા રૂંવાડા ઉભા થઈ જાય તેવી પરિસ્થિતિ છે કોઈ આટલી હદે પાશવી વર્તન કરે તે વ્યક્તિને બાપ કહેવું તે પણ શરમજનક છે. 14 વર્ષીય માસૂમ ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં તેના પિતાએ જ સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરી હતી એટલું જ નહીં અમાનુષી અત્યાચાર ગુજારીને તેના પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી. વળગાડ હોવાની આંશકાને પિતા જૂનાં કપડાં સાથે વાડીએ લઈ ગયા હતા.અને ત્યારબાદ કપડાં તથા અન્ય સામાન સળગાવી બે કલાક સુધી માસૂમને નજીક ઊભી રાખી હતી.જેને કારણે માસૂમના પગમાં તથા હાથમાં ફોડલા પડવા લાગતાં રાડો પાડી હતી. ત્યારે માસૂમને ધમકાવી શાંત કરી હતી. બાદમાં એ જ દિવસે આખી રાત વળગાડ કાઢવા માટેની વિધિ કરી હતી. તા.2 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે દિલીપ અકબરી તથા પિતા ભાવેશે માસૂમ ધૈર્યાને લાકડી તથા વાયર વડે માર મારી વાડીમાં આવેલા શેરડીના વાડની વચ્ચે લઈ ગયા. ત્યાં ધૈર્યાના માથાના વાળમાં ગાંઠો વાળીને તેની ઉપર લાકડી બાંધી તેની બન્ને બાજુ ખુરસી રાખી શેરડીની વાડમાં બેસાડી દીધી. બાદમાં બે-ત્રણ દિવસ સુધી માસૂમને ખાવા-પીવાનુ કે પાણી પણ ન આપ્યું. ક્યારેક ક્યારેક તેની હાલત જોવા બન્ને ભાઈ જતા હતા, પરંતુ માસૂમ દીકરી વાડમાં આંખો બંધ કરી કાંઈ બોલતી ન હતી.
2 ઓક્ટોબરના રોજ શરૂ થયેલોઆ અત્યાચાર સતત ચાલ્યો હતો અને તારીખ 7 ઓક્ટોબરના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સમયે બન્ને ભાઈઓ ફરી જોવા ગયા હતા એ સમયે માસૂમ ધૈર્યા મૃત્યુ પામી હતી અને તેના શરીરમાં જીવાત પડી ગયેલી હતી. આથી માસૂમ ધૈર્યાના મૃત્યુની કોઈને જાણ ન થાય એ માટે બંને ભાઈઓએ લાશને પ્લાસ્ટિકની કોથળી, કાપડાના બ્લેન્કેટ તથા ગોદડામાં વીંટીને અંતિમવિધિ કરવાનું નકકી કર્યું હતું. દીકરીનું કાસળ કાઢ્યા બાદ તેની માતાને પણ જાણ કરવામાં આવી નહોતી.
આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલ થઇ રહ્યાં છે કે 14 વર્ષીય માસૂમ દીકરી પર સાત દિવસ સુધી અમાનુષી અત્યાચાર કરતા પિતાનો જીવ કેમ ચાલ્યો ? આ અત્યાચારમાં સમગ્ર ઘટનાક્રમથી માસૂમની સુરત રહેતી માતાને જ અજાણ કેમ રાખી ? પિતાએ જણાવેલું દીકરીને વળગાડનું કારણ ખરેખર સાચું છે કે પછી અન્ય કોઈ કારણ છે ? પિતાએ તાંત્રિક વિધિ કોની પાસે કરાવી અને તાંત્રિક કોણ છે ? આવા અનેક સવાલોના જવાબો મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે.
વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ