ગુજરાતમાં આવેલા આદિ જ્યોર્તિલિંગ અને કરોડો લોકોની આસ્થાના પ્રતિક દેવાધિદેવ સોમનાથ મહાદેવના (Somnath temple) ના ધામ અને ત્યાંના ગેસ્ટ હાઉસની સુવિધાના સંદર્ભે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર આંખ બંધ કરીને ભરોસો કરનાર અને કોઈપણ ટ્રીપ પ્લાનિંગ વેબસાઈટ પર જઈને આંધળું બુકિંગ કરનાર ટેક સેવી લોકોએ પણ જાગૃત થવા માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન બુંકિંગ કરાવતા ભાવિકોને કોઈ શખ્સ ઓનલાઇન (online fraud) લૂંટતો હોવાની ઘટના સામે આવી છે.
આ મંદિર પ્રતિવર્ષ કરોડો ભાવિકો આવતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને વાજબી ભાવે (Somnath Atithigruh) અતિથિગૃહમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે સોમનાથના ગેસ્ટ હાઉસના બુકિંગ અંગે (Somnath Guest House ) એક વ્યક્તિએ એવું ઓનલાઇન ફ્રોડ રચ્યું કે સોમનાથ આવતા ભાવિકોને છેતરાયા હોવાનો અનુભવ થયો હતો. ભાવિકોની આ ફરિયાદ અંગે જાણ થતા સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સોમનાથ ટ્રસ્ટના નામે છેતરપિંડી કરનારા બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઘટના ત્યારે બહાર આવી કે વિસાવદરના પ્રવાસીએ સોમનાથના મહેશ્વરી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જે પૈસા જમા કરાવ્યા તે પૈસા અન્ય વ્યક્તિના ખાતામાં જમા થયા હતા. આ પ્રકારની ત્રણેક ફરિયાદો સામે આવી હતી જેમાં ગેસ્ટ હાઉસના નાણા અન્ય કોઈએ બેંક ખાતામાં સેરવી લીધા હતા. આ અંગે મંદિર ટ્રસ્ટને જાણ થતા મેનેજર વિજયસિંહ ચાવડાએ ફેડરલ બેંકના ખાતા ધારક પિયુષ પટેલ તથા યસ બેંકના ખાતા ધારક સામે મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરૂપયોગ કરી રૂ. 24 હજાર 195 રૂપિયાની રકમની છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 406, 420 તથા આઈટી એક્ટની 66(c), 66 (d) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે (Somnath Temple) પ્રતિવર્ષ કરોડો યાત્રિકો આવતા હોય છે અને આ યાત્રિકોને રહેવા માટે ટ્રસ્ટ દ્વારા વાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અતિ્થિગૃહમાં રહેવા માટે ઓનલાઇન બુકિંગ પણ કરી શકાય છે. ત્યારે ઓનલાઇન છેતરપિંડી કરનારા શખ્સે ત્યારે આ અતિથિગૃહોમાં ઓનલાઇન બુકિંગ કરવા માટે google પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે એક ફ્રોડ દ્વારા પોતાનો નંબર સોમનાથના કી-વર્ડ સાથે યેનકેન પ્રકારે જોડીને તેના ખાતામાં પૈસા જમા થાય તે પ્રકારે છેતરિંડી કરી હતી. આવા બનાવો સોમનાથ બુકિંગ ઓફિસે આવનાર યાત્રીઓમાં સામે આવતા ટ્રસ્ટના જન્મ મેનેજર દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન મારફતે ભક્તોને સૂચિત પણ કરાયા છે કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સોમનાથના કરોડો યાત્રીઓ અને ઓનલાઇન થયેલ આ ફ્રોડની ગંભીરતા સમજતા યાત્રિકોને અંગત માર્ગદર્શન આપવા સાથે આ કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા નવસારીથી એક વ્યક્તિની અટક પણ કરવામાં આવી છે આ શખ્સે જણાવ્યું હતું કે તેણે બે વર્ષ પહેલાં નોકરી મેળવવા માટે પોતાના ડોક્યુમેન્ટ કોઈને આપેલા હતા જેનો દુરુપયોગ કરી કેરળમાં આ વ્યક્તિના નામે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને તેના નામે ઓનલાઇન ફ્રોડ થઈ રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ પોલીસ સોમનાથ જ્યોતિર્લિંગના નામનો દુરુપયોગ કરીને ભક્તોને ચૂનો ચોપડનાર આ ઠગ ટોળકીને આંતરરાજ્ય સીમાઓમાંથી શોધી કાઢવા માટે અનેક સ્તર પર તપાસ ચલાવી રહી છે.
વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9