રાજ્યની 18 કરતા વધુ શાળા પાસેથી તોડ કરનારા કથિત RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર- વીડિયો
રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનારા કહેવાતા RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની પોલીસે ધરપકડ કરી છે. CID ક્રાઈમે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપી તોડબાજ મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજ્યની 18 શાળાઓના સંચાલકો પાસેથી તોડપાણી કરનારા કહેવાતા RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી તોડબાજ મહેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ સુરતની શાળા સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તોડકેસમાં તેની ધરપકડ કરાઈ હતી.
મહેન્દ્ર પટેલની જે ક્રાઈમ કુંડળીમાં જે ખૂલાસા થયા છે તે પ્રમાણે અત્યાર સુધીમાં તે 18 શાળાઓના સંચાલકો પાસેથી તોડપાણી કરી ચુક્યો છે. આ શાતિર ભેજાબાજ પહેલા શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માગતો ત્યારબાદ શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરતો હતો. શાળા સંચાલકોને તે શાળામાં થતા નિયમોના ભંગ બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.
દક્ષિણ ગુજરાતની 18 શાળાઓને બનાવી નિશાન?
આરોપીએ કઇ કઇ શાળાઓમાં તોડ કરી કરોડો રૂપિયા પડાવ્યા છે. તેની વાત કરીએ તો
- આઇડિયલ સ્કૂલ, ગોડાદરા, સુરત
- આર.ડી.સોનાર સ્કૂલ, લીંબાયત, સુરત
- ન્યૂ મોર્ડન સ્કૂલ ગોડાદરા, સુરત
- શ્રી સાઇ અંગ્રેજી સ્કૂલ સચિન, સુરત
- યુનિટી સ્કૂલ, ભેસ્તાન, સુરત
- મહાવીર હિન્દી સ્કૂલ, વેડરોડ, સુરત
- કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત
- પરાશર સ્કૂલ, કામરેજ, સુરત
- સરસ્વતી સ્કૂલ, પલસાણા, સુરત
- ડી.એ.વી સ્કૂલ, જોળવા, પલસાણા, સુરત
- વિવેકાનંદ સ્કૂલ, પલસાણા, સુરત
- શારદા સ્કૂલ વરેલી, પલસાણા, સુરત
- લીટલ ફ્લાવર સ્કૂલ કડોદરા, સુરત
- ધ્યાન મંદિર સ્કૂલ, સુરત
- સુવિધા સંકુલ ધામ કીમ, સુરત
- સિવિધ સ્કૂલ લંબે હનુમાન રોડ, સુરત
- મિશનરી સ્કૂલ વલસાડ
- જય અંબે વિદ્યાલય, વાપી
તોડબાજ મહેન્દ્ર પટેલ પાસેથી 1.47 કરોડની મળી રોકડ
સીઆઈડી ક્રાઈમની તપાસમાં આરોપી પાસેથી 1.47 કરોડથી વધુની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે. તેની પાસેથી 400 થી વધુ ફાઈલો મળી છે. જેમણે પણ શાળાની મંજૂરી માગી હોય તેમની સાથે તે તોડ કરતો હતો. આરોપી મહેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની 18 શાળાઓનો તોડ કર્યો હતો. RTI જેવા કાયદાનો દુરુપયોગ કરીને ગાંધીનગર સેક્ટર 7માં કાળી કમાણી દ્વારા વૈભવી બંગલો ઉભો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ થતાં જ તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓની પણ સંડોવણી છે જેની કરોડોની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના અનેક લોકોની પણ સંડોવણી હોવાનું કહેવાય રહ્યું છે. મહેન્દ્ર પટેલ બાળ ફિલ્મ બતાવવાના બહાને શાળામાં ઘૂસતો હતો. એવી પણ શકયતા છે કે આરોપીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મળીને આ તોડકાંડને અંજામ આપ્યો હશે. જેથી હવે આ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આ તોડકાંડમાં અન્ય કોઇ મોટા માથાઓની સંડોવણી છે કે નહીં ? શું શિક્ષણ વિભાગના અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે ? કોના આશીર્વાદથી આરોપી 8 વર્ષથી આવી રીતે શાળાઓ સાથે તોડ કરી રહ્યો હતો ?
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
