ગુજરાતમાં(Gujarat) ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી(Gram Panchyat Election) ઓબીસી અનામત (OBC Reservation) હટાવતા જ વિવાદ સર્જાયો છે.. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખ્યો છે.જેમાં ઓબીસી રિઝર્વ બેઠકોને સામાન્ય બેઠકો જાહેર કરીને ચૂંટણીના જાહેરનામાં સંબંધિત તાત્કાલિક કાર્યવાહીનો આદેશ પણ કર્યો છે.. પંચાયતની ચૂંટણીમાંથી ઓબીસી અનામતનો છેદ ઉડાવી દેતા રાજનીતિ ગરમાઈ છે.. ભાજપે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય સીટ પર OBC ઉમેદવારને ઉતારવાનો નિર્ણય કર્યો છે, જે ગત ચૂંટણીમાં OBCના ઉમેદવારો માટે અનામત હતી. ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે OBC સમાજને અનામત 10 ટકાને બદલે 27 ટકા મળે તેવી માંગ ઉઠાવી છે.
એક તરફ અલ્પેશ ઠાકોરે 27 ટકા OBC અનામતની માગ કરે છે તો બીજી તરફ ભાજપના અન્ય એક નેતા વરૂણ પટેલે EWS કેટેગરી માટે પણ ચૂંટણીમાં અનામત અપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. તો ભાજપે ફરી સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ ઓબીસી સમાજને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહી છે.ભાજપ શાસનમાં ક્યારેય પણ ઓબીસી સમાજના રિઝર્વેશન વગર કોઈ ચૂંટણી કરવાની યોજના નથી.
આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે મુખ્યપ્રધાનને પત્ર લખીને બંધારણ સાથે ચેડા કર્યાના આરોપ લગાવ્યા.તેમણે કહ્યું, ચૂંટણી પંચના આ નિર્ણયથી 10 ટકા ઓબીસી અનામત નહીં રહે.સુપ્રીમ કોર્ટના આદેશના છ મહિના બાદ પણ સરકારે કોઈ કાર્યવાહી નથી કરી.તો બીજી તરફ રાજ્ય સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું હોવાનું કહ્યું છે.મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ચૂંટણી પંચ પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત રાજય ચૂંટણી આયોગે તારીખ 10 મે 2022ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી રાજયમાં બાકી રહેલ 3252 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આ ચૂંટણીમાં ચૂંટણી આયોગ ના મત મુજબ ઓ.બી.સી બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તન કરવા અંગે સૂચન કરેલ છે.
મહત્વનું છે કે વર્ષ 2021માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતના અમલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી.19 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચીને વસ્તીના માપદંડના અનામત નક્કી કરવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ સરકારે કમિશનની રચના કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજી હતી.પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.