અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાન બદલ 2.22 લાખ ખેડૂતોને રૂ. 443.61 કરોડની સહાય ચૂકવવામાં આવી

અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાન બદલ 2.22 લાખ ખેડૂતોને રૂ. 443.61 કરોડની સહાય ચૂકવવામાં આવી
Symbolic image

કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગની બજેટ માંગણીઓ અંગે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન મંત્રીએ ઉમેર્યું કે, “ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી” એવા ખેતીના આ ગૌરવને પુનઃસ્થાપિત કરવાનું બીડું ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝડપ્યું છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Mar 29, 2022 | 7:01 PM

ખેતી (Agriculture) એ માત્ર વ્યવસાય નહીં પણ જીવન છે. કૃષિ આપણા દેશના આર્થિક વિકાસ (Economic development) ની કરોડરજ્જુ છે. મોટાભાગના વ્યવસાયોના પાયામાં કૃષિ, પશુપાલન અને સંલગ્ન ક્ષેત્રોનો મોટો ફાળો છે. દેશના ખેડૂતો (Farmer) ને પ્રાકૃતિક કૃષિની દિશા ચીંધીને દેશના વડાપ્રધાને ખેતીમાં ક્રાંતિકારી પ્રકરણની શરૂઆત કરી છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ (Agriculture Minister Raghavjibhai Patel) એ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો જાહેર કર્યો છે. રાજયના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી (Natural farming) અપનાવે અને તેના યોગ્ય પરિણામો મેળવે તે માટે રાજય સરકાર (State Government) કટીબદ્ધ છે.

કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગની બજેટ માંગણીઓ અંગે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન મંત્રીએ ઉમેર્યું કે, “ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી” એવા ખેતીના આ ગૌરવને પુનઃસ્થાપિત કરવાનું બીડું ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝડપ્યું છે. દેશના આ પહેલા એવા વડાપ્રધાન છે કે જેમણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવા, ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરનું કૃષિ મંત્રાલય આ માટે ભગીરથ પ્રયત્નો કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના કદમ સાથે કદમ મીલાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર રાજયના ખેડૂતને સમૃદ્ધ કરવા પુરા ખંતથી સતત પ્રયત્નશીલ રહી છે. જેના પરિણામે રાજયનો ખેડૂત કૃષિ ક્રાંતિની દિશા તરફ આગળ વધી રહ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, બાગાયતી ખેતી એ ફક્ત આજીવિકાનું સાધન જ નહીં પણ એક ઉદ્યોગ તરીકે અપનાવવામાં આવી રહ્યો છે. બાગાયતી ખેતી દ્વારા એકમ દીઠ ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સામગ્રીના ઉપયોગ થકી લાંબાગાળે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવી શકાય છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે, જેમાં જમીન સ્વાસ્થ્યની જાળવણી માટે સોઇલ હેલ્થ કાર્ડ, નવીન ટેક્નોલોજી સાથે ખેડુતોને જોડી રાખવા માટે કૃષિ મહોત્સવ, સૂક્ષ્મ પિયત પધ્ધતિને પ્રોત્સાહન, ઓછા સમયમાં અને કાર્યક્ષમ રીતે વધુ વિસ્તારમાં ખેત કાર્યો પુર્ણ કરી શકાય તે માટે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન, બજારની માંગ આધારિત હાઇટેક બાગાયત ખેતી, ખેત ઉત્પાદનોનું મુલ્યવર્ધન, સુગઠિત બજાર માળખુ, દુધ ઉત્પાદન અને પ્રોસેસીંગ સહિતની વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

મંત્રીએ કહ્યું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. ૭૭૩૭ કરોડ બજેટ જોગવાઇ સુચવવામાં આવી છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના સુભગ સમન્વયના કારણે વર્ષ ૨૦૦૪-૦૫માં ગુજરાતનું કૃષિક્ષેત્રનું એકંદર ઉત્પાદન રૂ.૨૬,૭૪૬ કરોડ હતું, તે વધીને વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૨.૦૫ લાખ કરોડ ઉ૫ર ૫હોંચ્યું છે.

ભારતમાં વિવિધ ખેતી પાકોના ઉત્પાદનમાં રાજ્યની અગ્રેસરતા

કૃષિ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં થયેલી સિધ્ધિની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, ભારતમાં વિવિધ ખેતી પાકોમાં રાજ્યની અગ્રેસરતા જોઈએ તો સમગ્ર દેશમાં ૭૭% દિવેલાના ઉત્પાદન ગુજરાત ઉત્પાદકતામાં પ્રથમ સ્થાન ધરાવે છે. મગફળીના વાવેતર તેમજ ઉત્પાદનમાં પ્રથમ અને ઉત્પાદકતામાં બીજા સ્થાને છે. દેશમાં મગફળીનાં કુલ વાવેતરમાં ગુજરાત રાજ્ય ૪૬.૬૮% જેટલો સિંહ ફાળો ધરાવે છે. તે જ રીતે કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જીરાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતનાં કુલ ઉત્પાદન નાં ૫૨% જેટલો હિસ્સો ગુજરાત રાજ્ય પકવે છે. રાઇની ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય પ્રથમ છે. તેવી જ રીતે વરિયાળી અને ચણાની ઉત્પાદકતામાં પણ ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે.

બિયારણની ગુણવત્તા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ બનાવાશે

મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં બિયારણ ઉપલબ્ધિ માટે ખેતીવાડી ખાતુ, ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી, ગુજરાત રાજય બીજ નિગમ, ગુજકોમાસોલ, નેશનલ સીડ કોર્પોરેશન અને અનેક ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ કાર્યરત છે. સરકારે બિયારણની ગુણવત્તા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ સરળ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, સૂક્ષ્મ સિંચાઇ પાણીના કરકસરયુક્ત ઉપયોગ હેતુ દીર્ઘદ્રષ્ટિ દર્શાવતા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૫માં ટપક અને ફૂવારા સિંચાઈ પધ્દ્ધતિ માટે “ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની”ની સ્થાપના કરી હતી.

ખેડૂતો માટે કુલ રૂ. 547 કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કર્યું હતું

કુદરતી આફતોમાં ખેડુતોને સહાય આપવા સંદર્ભે વિસ્તૃત વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં “તાઉતે” વાવાઝોડાને કારણે ૧૨ જીલ્લાઓમાં વ્યાપક નુકસાનને ધ્યાને લઇ “વાવાઝોડું કૃષિ રાહત પેકેજ-૨૦૨૧” અંતર્ગત ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ.૪૦૪.૮૮ કરોડની સહાય ચુકવણી કરવામાં આવી છે. સપ્ટેમ્બર-૨૧ માસમાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાન અન્વયે ચાર જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતો માટે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કરેલ. જે અન્વયે કુલ ૨.૨૨ લાખ ખેડૂતોને રૂ. ૪૪૩.૬૧ કરોડની સહાય ચૂકવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર-૨૧ માસના છેલ્લા પખવાડિયામાં સતત વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે કુલ ૯ જીલ્લાઓના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરેલ છે. જે અન્વયે આજ દિન સુધી ૩.૬૭ લાખ ખેડૂતોને રૂ. ૩૭૫.૪૨ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

ખેડૂતો પાસેથી રૂ.722 કરોડ 26 લાખના મૂલ્યનો પાક ટેકાના ભાવે ખરીદ કરાયા

મંત્રીએ ટેકાના ભાવની યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ખરીફ-૨૦૨૧માં ફેબ્રુઆરી -૨૨ અંતિત કુલ ૫૦,૦૬૧ ખેડૂતો પાસેથી રૂ. ૫૨૮.૧૭ કરોડના મૂલ્યની કુલ ૯૫૩૩૧.૮૨ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ૩.૩૮ લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી છે અને ૧૮૭ કેંદ્રો પરથી ખરીદી શરુ કરવામાં આવી છે. આ કેંદ્રો પરથી તા.૨૮-૩-૨૨ સુધીમાં ૬૯૪૧૯ ખેડૂતો પાસેથી રૂ.૭૨૨ કરોડ ૨૬ લાખના મૂલ્યનો ૧ લાખ ૩૮ હજાર મે.ટન જથ્થો ખરીદ કરવામાં આવ્યો છે.

કિસાન સમ્માન નિધિ યોજનામાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.10332.88 કરોડ જમા કરાયા

મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના અંતર્ગત દેશના પ્રત્યેક ખેડૂતને વાર્ષિક રૂ. ૬૦૦૦ સહાય આપવાની યોજના અંતર્ગત અત્યાર સુધી ગુજરાતના આશરે ૬૧.૭૩ લાખ જેટલા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.૧૦૩૩૨.૮૮ કરોડ જમા કરવામાં આવ્યા છે. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૨૬૦ કરોડની જોગવાઇ સુચવવામાં આવી છે.

ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ બજેટમાં રૂ. 81કરોડની જોગવાઇ

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંગે વિગત આપતા મંત્રીએ કહ્યું કે, “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ની સહાય કરવા રૂ. ૧૪૨ કરોડની જોગવાઇ સુચવવામાં આવી છે. તેવી જ રીતે કાંટાળા તારની વાડ યોજનામાં ક્લસ્ટર સાઇઝની મર્યાદા પાંચ હેકટરની કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૧૦૦ કરોડ જોગવાઈ કરવામાં આવી છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રૂ. ૮૧ કરોડની જોગવાઇ સુચવવામાં આવી છે.

આઈ-ખેડૂત પોર્ટલ પર વર્ષ 2021-22માં 27013 લાખ અરજીઓ મળી

આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા વિભાગની તમામ યોજનાઓનો પારદર્શક રીતે અમલ કરવામાં આવે છે. આઈ-ખેડૂત પોર્ટલ પર વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૭.૧૩ લાખ અરજીઓ મળી હોવાનું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત રાજયમાં છેલ્લા બે વર્ષમાં બે લાખથી વધારે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવ્યા છે. “દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના” અંતર્ગત વાર્ષિક રૂ.૧૦,૮૦૦/- ની સહાય આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે “ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ” ની રચના હેતુ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે.

ખેડૂતોને સ્માર્ટફોન પર સહાય આપવા રૂ.15.00 કરોડની જોગવાઇ

મંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ખેડૂતોને સ્માર્ટફોન પર સહાય આપવા રૂ.૧૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી. સ્માર્ટફોનની ખરીદી પર ૪૦ ટકા લેખે મહત્તમ રૂ.૬૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિનામૂલ્યે આપવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૫૪ કરોડની જોગવાઇ કરેલ છે. સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૩૧ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખેડુતલક્ષી કેટલીક નવી યોજનાઓ શરૂ કરવા જઇ રહી છે. જે અંતર્ગત “સનેડો” કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના“મેક ઈન ઈન્ડીયા” અને “વોકલ ફોર લોકલ” ના મીશનને બળ આપવા ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવા “સનેડો”-કૃષિ સાધનની ખરીદીમાં અંદાજિત ૪૦૦૦ ખેડૂતોને રૂ. ૨૫,૦૦૦ સુધીની સહાય આપવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે.

બાગાયતી યોજનાઓ માટે વર્ષ 2022-23માં કુલ રૂ. 369.45 કરોડની જોગવાઇ

મંત્રીએ ઉમેર્યું કે, વન્ય અને રખડતા પ્રાણીઓથી ઉભા પાકને નુકશાન થતું અટકાવવા ઝટકા મશીન-સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવા માટે રૂ. ૨૦ કરોડની નવી બાબતની જોગવાઈ સુચવવામાં આવી છે. તેવી જ રીતે નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના ઉપયોગ માટે અંદાજિત એક લાખ ચાલીસ હજાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા રૂ. ૩૫ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે. બાગાયતી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રૂ. ૩૬૯.૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં નવી બાબતો તરીકે કમલમ્‌ના વાવેતર વિસ્તારમાં વધારો કરવા રૂ. ૧૦ કરોડ જોગવાઇ સૂચવવામાં આવી છે. ૧૦ હજાર ખેડૂતો માટે “મિશન મધમાખી” કાર્યક્રમ હેઠળ રૂ.૧૦ કરોડ જોગવાઇ સૂચવેલ છે. “કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” પ્રોગ્રામ હેઠળ રૂ. ૬.૫૦ કરોડ જોગવાઇ સૂચવેલ છે. અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા રૂ. ૭.૧૬ કરોડ જોગવાઇ સુચવવામાં આવી છે.

કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે સમગ્રતયા કુલ રૂ. 7737 કરોડ બજેટ જોગવાઇઓ મંજૂર

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાષ્ટ્રકક્ષાએ મસાલા પાકોના ઉત્પાદનમાં ૧૨ ટકા હિસ્સો, ફળપાકના ઉત્પાદનમાં ૯ ટકા હિસ્સો, શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૬ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા બાગાયતી ઉત્પાદનોમાં “ગીરની કેસર કેરી” અને “કચ્છી ખારેક”નો સમાવેશ થાય છે. કૃષિ મંત્રીશ્રીએ કરેલી વિસ્તૃત છણાવટ સાથેની આ વિષદ ચર્ચાના અંતે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે સમગ્રતયા કુલ રૂ. ૭૭૩૭ કરોડ બજેટ જોગવાઇ-માંગણીઓ વિધાનસભા ગૃહે મંજૂર કરી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

આ પણ વાંચોઃ લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati