ધોરાજીમાં માવઠાએ સંપૂર્ણ પાક ધોઈ નાખતા ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા- Video
દિવાળી બાદ ત્રાટકેલા માવઠાથી ધોરાજી સહિત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ જેવા પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે. આર્થિક બોજને કારણે લાચાર ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા છે.
રાજ્યમાં દિવાળી બાદ ત્રાટકેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન ગયુ છે. રાજકોટ, ગીર સમોનાથ અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને આ બગડેલા પાકમાંથી કંઈ જ ઉપજે તેમ નથી. જેના કારણે ખેડૂતોએ તેમના ખેતરોમાં પશુઓને ચરવા માટે છુટા મુકી દીધા છે.
માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે. માવઠામાં સંપૂર્ણ પાક સડી ગયો છે અને નાશ પામ્યો છે આથી આથી લાચાર ખેડૂતો હવે તેમનો બગડી ગયેલો પાક પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે. આવું જ કંઇક બન્યું રાજકોટના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં, કે જ્યાં ગોવિંદ ડાભી નામના ખેડૂતે ખેતરના ઉભા પાકમાં પશુઓ ચરવા મુકી દીધા. ખેડૂતે લીધેલા કપાસનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આથી ખેડૂતે તેમની 18 વીઘા જમીનમાં પશુઓ ચરવા છુટા મુકી દીધા છે. ખેડૂતને એક વીઘા દીઠ વાવેતરથી લઇને ઉત્પાદન સુધી અંદાજે 18 થી 20 હજારનો ખર્ચ થાય છે. પરંતુ આ ખર્ચ માથે પડ્યો છે. વરસાદમાં નાશ પામેલો પાક હવે પશુઓ ચરી રહ્યા છે. 30 થી 40 ભેંસો અને ઘેટાઓને ખેતરોમાં છુટા મુકી દેવાયા છે.