Cyclone Tauktae : આગામી 24 કલાક રાજય માટે હજુ ભારે, અમદાવાદમાં સતત ધોધમાર વરસાદ ,ઉ.ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Cyclone Tauktae : રાજયમાં હાલ વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે. રાજયના અનેક ઠેકાણે હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

| Updated on: May 18, 2021 | 3:53 PM

Cyclone Tauktae : રાજયમાં હાલ વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે. રાજયના અનેક ઠેકાણે હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમદાવાદમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ શહેરમાં સુસવાટા સાથે પવન ફુંકાઇ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. રસ્તા પર વાહનવ્યવહારો થંભી ગયા છે. હાલ વાવાઝોડું અમદાવાદ શહેર પર પ્રકોપ વરસાવી રહ્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયના હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાક રાજય માટે ભારે હોવાનું કહ્યું છે.

વાવાઝોડું ધીમી પડયું છે, પણ 24 કલાક હજુ ભારે : હવામાન વિભાગ

રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ-તે’ વાવાઝોડું હાલ બોટાદની આસપાસ કેન્દ્રીત થયું છે, જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાનું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. પરંતુ, ભારે પવનને કારણે સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.

વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા
મોહંતીએ ઉમેર્યું હતું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે, તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.

વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં તંત્ર સજ્જ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે. તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં ભારે પવન સાથે અવિરત વરસાદ ચાલું

હાલ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરની હાલત કફોડી બની છે. અને ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. હજું પણ વરસાદનું જોર યથાવત છે. સાથે સુસવાટા મારતા પવનને લઇને લોકોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે સલામતીના ભાગરૂપે હાલ લોકો ઘરમાં પુરાઇ ગયા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">