
Gandhinagar : એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરી એક વખત ગુજરાતમાં આવવાના છે. તેઓ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં (Western Zonal Council meeting) ભાગ લેવા માટે ગુજરાત આવવાના છે. 27 ઓગસ્ટે રાત્રે 8:30 કલાકે અમદાવાદ પહોંચવાના છે.
ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લેવાના છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. જો કે કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઇ શક્યો ન હતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરુ થયુ છે. ત્યારે ફરીએક વાર આ બેઠક ગાંધીનગરમાં મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠક 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યે શરુ થવાની છે. આ બેઠક બપોરે 2 કલાક સુધી ચાલશે.
હોટેલે લીલા ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્વ મુદ્દા પર ચર્ચા થશે. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ તેમજ સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠકમાં અનેક અધિકારીઓ પણ હાજર રહેશે. અમિત શાહે ગત વખતે પણ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં ભાગ લીધો હતો. તે સમયે તેમણે બેઠક બાદ પોતાના લોકસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી.તેમણે પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. ત્યારે આ વર્ષે પણ તેઓ પોતાના મતવિસ્તારના પ્રશ્નોને લઇને ચર્ચા કરે તેવી શક્યતા છે. આ બેઠક પતાવ્યા બાદ તેઓ રાત્રે નવ કલાકે દિલ્હી પરત જવા રવાના થશે.
Published On - 12:28 pm, Fri, 25 August 23