6 મહાનગરપાલિકામાં BJPનો ભવ્ય વિજય, CONGRESSની કારમી હાર અને AAPનો ઉદય, જાણો પરિણામોનું વિશ્લેષણ

આ ચૂંટણીમાં BJPની 2 થી લઈને 30 બેઠકો વધી છે જયારે CONGRESSની 5 થી લઈને 37 બેઠકો ઘટી છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીએ  27 બેઠકો કબજે કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે.

  • Tv9 webdesk42
  • Published On - 22:47 PM, 23 Feb 2021
BJP's glorious victory in 6 Municipal Corporations of the state, crushing defeat of CONGRESS and rise of AAP, know the analysis of election results

રાજ્યની છ મહાનગરપાલિકામાં ફરી વાર BJPનો ભગવો લહેરાયો છે. રાજ્યની અમદાવાદ સહીતની તમામ 6 મહાનગરપાલિકા ભાજપે જીતી છે. તો સામે આ ચૂંટણીમાં  CONGRESSની કારમી હાર થઇ છે. તો આ તમામ વચ્ચે ગુજરાતના રાજકારણમાં સુરતમાંથી આમ આદમી પાર્ટી (AAP)નો ઉદય થયો છે. તો અમદાવાદમાં AIMIMએ પણ ખાતું ખોલાવ્યું છે. રાજ્યમાં આ 6 મહાનગરપાલિકાઓમાં 2015ની ચૂંટણીમાં શું હતું પરિણામ અને 2021માં આ પરિણામો વચ્ચે શું આવ્યો છે તફાવત,  આવો જાણીએ  રાજ્યની છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ

6 મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ 
રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો વિજય થયો છે, જયારે કોંગ્રેસના સુપડા સાફ થયા છે.ભાજપના  વિકાસ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગરે મુદ્દા પર જનતાએ ફરી  એક વાર ભાજપ પર મહોર મારી તો, તો કોંગ્રેસે ઉભા કરેલા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાએ ભાજપને નહિ પણ જાણે કોંગ્રેસને જ નુકસાન કર્યું હોય તેવા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપની 2 થી લઈને 30 બેઠકો વધી છે જયારે કોંગ્રેસની 5 થી લઈને 37 બેઠકો ઘટી છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીએ  27 બેઠકો કબજે કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આવો જોઈએ 2015ની સરખામણીએ 2021ની ચૂંટણીના પરિણામો

અમદાવાદ : ભાજપની 11 બેઠક વધી, કોંગ્રેસની 23 ઘટી
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ વર્ષ 2005 થી સતત જીતતો આવ્યો છે. જ્યારે કોંગ્રેસ 2005 બાદ  48 થી વધારે બેઠક મેળવી શક્યું નથી. વર્ષ 2015ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના વધતા પ્રભાવ વચ્ચે ભાજપે 192 માંથી 148  બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 48 બેઠકો જ મેળવી શકી હતી. 2021ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપ 159 બેઠક પર જીત્યું છે અને કોંગ્રેસ 25 અને અન્યના ફાળે 8 બેઠકો આવી છે. આમ 2015 કરતા ભાજપની 11 બેઠક વધી છે, જયારે કોંગ્રેસની 23 ઘટી છે. 

સુરત : ભાજપની 4 બેઠક વધી, કોંગ્રેસની 37 ઘટી, 27 બેઠક સાથે AAPનો ધડાકો  
સુરત મહાનગરપાલિકામાં 30 વોર્ડની 120 બેઠક માટે મતદાન થયું. વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપને પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપને માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો  હતો. જયારે કોંગ્રેસનો 37 બેઠક પર વિજય થયો હતો. પણ 2021ની  ચૂંટણી કોંગ્રેસ માટે નિરાશાજનક રહી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી, જયારે ભાજપને 93 બેઠક મળી અને 27 બેઠક સાથે AAPની એન્ટ્રી થઇ.

વડોદરા : ભાજપની બેઠકો 11 વધી, કોંગ્રેસની 6 બેઠકો ઘટી 
વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપ પાસે 58 બેઠક હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 13 બેઠક જ હતી. જ્યારે અન્ય પાર્ટી આરએસપી પાસે 4 બેઠકો હતી. 2021ની ચૂંટણીમાં ભાજપે 69 બેઠકો કબજે કરી અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી. આમ 2015 કરતા 2021 માં ભાજપની 11 બેઠકો વધી અને કોંગ્રેસની 6 બેઠકો ઘટી છે.

રાજકોટ : ભાજપની 30 બેઠક વધી, કોંગ્રેસની 30 બેઠકો ઘટી 
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં  પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. 2015ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કુલ 72 બેઠકોમાંથી ભાજપે  38 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ એવી થઇ કે રાજકોટમાં જાણે કોંગ્રેસનું  નાક કપાતા કપાતા રહી ગયું! આ ચૂંટણીમાં ભાજપે 72માંથી 68 બેઠકો જીતી અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી. 

ભાવનગર : ભાજપની 10 બેઠક વધી, કોંગ્રેસની 10 બેઠકો ઘટી 
ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીના  પરિણામોની વાત કરીએ તો કુલ 52 બેઠકોમાંથી ભાજપનો  34 બેઠકો પર અને કોંગ્રેસનો 18 બેઠકો પર વિજય થયો હતો.કોંગ્રેસ માટે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીના પરિણામ પણ રાજકોટની જેમ જ શરમજનક રહ્યા. 2021ની આ ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી, જયારે કોંગ્રેસને માત્ર 8 બેઠકો મળી છે.  

જામનગર : ભાજપની 2 બેઠકો વધી, કોંગ્રેસની 5 ઘટી 
જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં 64  બેઠકમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 16 બેઠકો મળી હતી.વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો જીતી અને કોંગ્રેસના ફાળે માત્ર 11 બેઠકો આવી. આમ જામનગરમાં ભાજપની 2 બેઠકો વધી જયારે કોંગ્રેસની 5 બેઠકો ઘટી.