વાગરાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડીવીઝનમાં સ્ટોર ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી ઓફિસર અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદાર સહીત ચાર ઈસમો બે વાહનોમાં રૂપિયા 20.09 લાખથી વધુના બ્રાસના વાલ્વની ચોરી કરતા વાગરા પોલીસે કંપનીના બંને કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્ટોકની ખરાઈ દરમ્યાન સમાન ગાયબ જણાતા સીસીટીવી ફૂટેજની તપાસમાં બે કર્મચારીઓનો ભાંડો ફૂટ્યો હતો. ઘટના બાબતે બિરલા ગ્રાસીમ કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નાગેશ સિંઘે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ સાથે મુદ્દામાલની રિકવરીની તજવીજ હાથ ધરી છે.
વાગરાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડીવીઝનના સ્ટોરમાં સમાન ગાયબ થયો હતો. કંપનીને ગત તારીખ-૧૯-૯-૨૨થી ૧૬-૧૦-૨૨ સુધી ચોરી થઇ હોવાનું સ્ટોક પત્રકના આધારે બહાર આવતા તપાસ શરૂ કરાઈ હતી. ભારથી કોઈ તસ્કર આવીને ચોરી કરી ગયા ન હોવાનું સ્પષ્ટ થતા કંપનીના અંદરના વ્યક્તિઓની તપાસ શરૂ કરાઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં તસ્કરોએ નહિ પણ સ્ટોર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા સ્ટોરમાં મુકવામાં આવેલ મટીરીયલ પૈકી બ્રાસના વાલ્વની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
કંપની દ્વારા દર મહિનાના પેહલા સપ્તાહમાં સ્ટોકની ગણતરી કરી પત્રક બનાવવામાં આવે છે.ચાલુ મહિને સ્ટોકમાં બ્રાસના કુલ 1430 વાલ્વ ગાયબ જણાયા હતા. જે અંગે કંપનીના સીસીટીવી ચેક કરતા સ્ટોર ડીપાર્ટમેન્ટમા ડેપ્યુટી ઓફીસર રાહુલ સતીષકુમાર શુક્લા તથા કંપનીમા જુગનુ ફેબરીકેટરના કોન્ટ્રાકટમા કામ કરતો મન્નાન મહમદ નિઝામુદ્દીન રીઝવીની ચોરીમાં ભૂમિકા બહાર આવી હતી.
બન્ને આરોપીઓએ અન્ય બે શખ્સો સાથે મળી ઇકો તથા લાલ કલરની સ્વીફટમાં રૂપિયા 20 લાખ ઉપરાંતના વાલ્વની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેઝમાં બહાર આવ્યા બાદ વાગરા પોલીસ મથકે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નાગેશ સિંઘે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.તપાસમાં બે કર્મચારીઓનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ સાથે મુદ્દામાલની રિકવરીની તજવીજ હાથ ધરી છે.