
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ પક્ષોમાં જોડ તોડની નીતિ જોવા મળી રહી છે.ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે.
લોકસભા ચૂંટણી પહેલા જોડતોડની નીતિ શરુ થઇ ગઇ છે. સૂત્રો પાસેથી મળી રહી છે કે વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણી સમયે જ પેટાચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાની પણ માહિતી છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જ હતા, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. જો કે હવે તેઓ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી જ ફરી ચૂંટણીમાં ઊભા રહે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14 જાન્યુઆરી પછી અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી શકે છે. જે પછી ફરી એકવાર આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે,ત્યારે ભાજપમાંથી ફરી ચૂંટણી લડીને તેમને ભાજપમાંથી ધારાસભ્ય બનાવવાની રણનીતિ ઘડાઇ રહી છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.
Published On - 10:42 am, Thu, 11 January 24