Banaskantha: કોરોના મહામારી બાદ સૌથી કફોડી પદ્ધતિ ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા બાળકોના વાલીઓની થઈ છે. એક તરફ શાળાઓ બંધ છે જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણના નામે માતબર ફી વસૂલી રહી છે. જેના કારણે જે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે.
તેમને બાળકો કઈ રીતે ભણાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. જ્યારે બીજી તરફ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળતા બાળકોને મામલે સરકાર પોતાની વાહવાહી કરી રહી છે. વિદ્યાર્થીઓનું ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફનું સ્થળાંતર ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં પરંતુ વાલીઓની આર્થિક સંકડામણ છે.
કોરોના મહામારીની સૌથી મોટી અસર ધંધા-રોજગાર પડી છે. અનેક એવા લોકો છે જેના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. જેના કારણે આવકના સ્ત્રોત બંધ છે. આવક બંધ થઇ જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છેમ ધંધા-રોજગાર ચાલુ હતા. ત્યારે વાલીઓ બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું વધુ પસંદ કરતા હતા. પરંતુ હવે આર્થિક સંકડામણ અને ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા વાલીઓ સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ આવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં ૩૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં સ્થળાંતર કર્યું છે. વાલીઓ પણ કહી રહ્યા છે કે આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ફી નું બહાનું બનાવી ખાનગી શાળાઓ લિવિંગ સર્ટિફિકેટ પણ આપતી નથી. જેના કારણે વાલીઓને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અનેક બાળકો બે વર્ષથી શિક્ષણ મેળવી શક્યા નથી.
ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ 2020 :- 2237 વિદ્યાર્થીઓ 2021 :- 1674 વિદ્યાર્થીઓ
ખાનગી શાળાઓથી સરકારી શાળામાં સ્થળાંતર કરતા બાળકો મામલે સરકાર વાહવાહી લૂંટી રહી છે. સરકારના સત્તાધીશો કહી રહ્યા છે કે ભૌતિક સુખ-સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના કારણે બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ પડી છે બનાસકાંઠાની એક પણ શાળામાં સરકાર દ્વારા કોઈ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નથી આવ્યું. તો બાળકો અને વાલીઓને એકાએક સરકારી શાળાનો મોહ ક્યાંથી લાગ્યો હશે ? જ્યારે બીજી તરફ સત્તાધીશોએ પણ સ્વીકારી રહ્યા છે કે આર્થિક સંકડામણને કારણે વાલીઓ સરકારી શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે.
કોરોના મહામારી બાદ અનેક પરિવારો એવા છે જે પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકે તેવી આર્થિક સ્થિતિ ધરાવતા નથી. જેના કારણે મજબૂર થઈ બાળકોને ખાનગી શાળા છોડાવી સરકારી શાળાઓમાં શિક્ષણ માટે સ્થળાંતર કરાવી રહ્યા છે.