આણંદમાં કોન્સ્ટેબલે અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો ઘડ્યો પ્લાન, 2 મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે કરી અટકાયત
આણંદમાં હનીટ્રેપનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. અમદાવાદના શખ્સને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા માગવામાં આવ્યા. આ અંગે જાણ થતા જ ભાલેજ પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. હનીટ્રેપમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌહાણની સંડોવણી સામે આવી છે.

આણંદમાં મહેસુલી અધિકારી દ્વારા પોતાના ઉપરી અધિકારીની હનીટ્રેપ મામલાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં આણંદ પોલીસના એક કર્મચારી દ્વારા અમદાવાદના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આણંદ પોલીસે આરોપી પોલીસ કર્મચારી સહીત ચાર લોકોની ધરપકડ કરી છે.
બે મહિના પહેલા જ આણંદ જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને તત્કાલીન એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ દ્વારા એન.એની ફાઈલો ક્લિયર કરાવવા અને લાખો રૂપિયા કમાવા સારુ જિલ્લા કલેકટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેક મેલ કરવાનું ચાલુ કર્યું હતું. જોકે સમગ્ર મામલે એટીએસની તપાસમાં એડિશનલ કલેક્ટરની કાળી કરતુતોનો પર્દાફાશ થઈ જતા હાલ કેતકી કારાવાસમાં સજા ભોગવી રહી છે.
ત્યારે હવે પોલીસ મુખ્યાલયમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન કર્યો હતો. જોકે ભોગ બનનાર વેપારીની સમયસૂચકતાને કારણે આરોપી પોલીસ કર્મચારીના પેસા કમાવાના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.
આણંદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ હિંમત ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદના એક વેપારીનો મોબાઈલ નંબર મેળવી લઈને બાદમાં વિદ્યાનગરની યુવતી પાસે વેપારીને ફોન કરાવીને અવાર-નવાર વાતચીત કરી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવતી દ્વારા ગત 26મી ઓક્ટોબરના રોજ મારા ઘરે કોઈ નથી.
તેમ કહીને મળવા માટે આણંદની ચિખોદરા ચોકડી પાસે બોલાવ્યો હતો. ત્યાંથી ભાલેજ ખાતે આવેલી જનરલ હોસ્પિટલની પાછળની નુર ટાઉનશીપ સોસાયટીના ત્રીજા નંબરના અન્ય આરોપી સજ્જાદઅલીએ ભાડે રાખેલા મકાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવતી દ્વારા વેપારી સાથે અંગત પળો માણવાનો ઢોંગ રચ્યો હતો અને પોતાના મળતિયા પોલીસ કર્મી વિષ્ણુ ચૌહાણ, સજ્જાદઅલી સેયદ તેમજ વડોદરાની એક મહિલાને મોબાઈલમાં કોડવર્ડથી જાણ કરી દેતાં ત્રણેય જણાં સ્વીફ્ટ કાર લઈને નુર ટાઉનશીપ સ્થિત મકાને પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : બોરસદમાંથી ઝડપાયું ગેરકાયદેસર કતલખાનું, પોલીસે રેડ કરી એક ટેમ્પો, 3 કુહાડી અને 13 છરા કર્યા જપ્ત, જુઓ Video
અહીં વિષ્ણુએ પોલીસનો ડ્રેસ પહેર્યો હતો અને પોતાની ઓળખ આણંદ પોલીસમાં નોકરી કરતા કોન્સટેબલ તરીકે આપી હતી. બાદમાં ઘરમાં પહોંચેલી વડોદરાની મહિલાએ પોતાના મોબાઈલમાં વેપારીનો કઢંગી હાલતનો વીડિયો ઉતારી લીધો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કારમાં બેસાડીને કોઈ અન્ય સ્થળે લઈ જઈને તોડ કરવાની પેરવી હાથ ધરી હતી. જો કે રસ્તામાં વેપારીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ કારને ઘેરી લીધી હતી.
ભાલેજ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ આવી પહોચી હતી અને ચારેયને ઝડપી લઈને વેપારી સાથે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની પુછપરછ કરતા હનીટ્રેપનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ચારેયની વિધિવત ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.