અમરેલીના વૈજ્ઞાનિકોનું સંશોધન, ગણતરીની સેકન્ડોમાં દૂધમાં 8 પ્રકારની ભેળસેળ જાણી શકાશે: રાઘવજી પટેલ

અમરેલીના વૈજ્ઞાનિકોનું સંશોધન, ગણતરીની સેકન્ડોમાં દૂધમાં 8 પ્રકારની ભેળસેળ જાણી શકાશે:  રાઘવજી પટેલ
College of Dairy Science Amreli

કામધેનુ યુનિવર્સિટીની અંતર્ગત કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા નેનો ટેકનોલોજી આધારીત વિકસિત ‘ડીપસ્ટીક’ સંશોધનના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં દૂધની અંદર 8 પ્રકારની ભેળસેળ (adulteration) ઘરેબેઠાં જાણી શકાશે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 09, 2022 | 7:08 PM

Amreli: કામધેનુ યુનિવર્સિટીની અંતર્ગત કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીના (College of Dairy Science Amreli) વૈજ્ઞાનિકો દ્વારા નેનો ટેકનોલોજી આધારીત વિકસિત ‘ડીપસ્ટીક’ સંશોધનના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં દૂધની અંદર 8 પ્રકારની ભેળસેળ (adulteration) ઘરેબેઠાં જાણી શકાશે. આ વાત પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કરી હતી. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું કે, તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ-ICAR તરફથી ક્રિતજ્ઞ હેકેથોન 2.0 સ્પર્ધાનું રાષ્ટ્રીય સ્તર પર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતભરમાંથી 1974 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાથી ડીપસ્ટીક સંશોધનને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. જે બદલ કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીને એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દૂધમાં સ્ટાર્ચ, યુરિયા, ડીટર્જન્ટ, બોરિક એસિડ, હાઇડ્રોજન પ્ર્રોક્સાઇડ, એમોનિયમ સલ્ફેટ વગેરે અંદાજે 20થી વધારે પ્રકારની ભેળસેળ હોઇ શકે છે. દૂધમાં બે રીતે ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેમાં પાવડરની મદદથી સિન્થેટીક દૂધ તૈયાર કરવામાં આવે અથવા તો સામાન્ય દૂધમાં યુરિયા, બોરિક એસિડ, સ્ટાર્ચ વગેરે ઉમેરવામાં આવે છે. આમ કરવાથી દૂધનું વજન વધી જાય અને આવક પણ વધે છે. પરંતુ આવા પદાર્થોથી દૂધમાં ભેળસેળ કરવામાં આવતા માનવીના સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જેને અટકાવવા આ નવીન ડીપસ્ટીક સંશોધન ખૂબ મદદરૂપ થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોલેજ દ્વારા આ સંશોધન પેટન્ટ કરવા માટે સંબંધિત સંસ્થાને અરજી આપવામાં આવી છે. એક વાર પેટન્ટ મળી જશે પછી કોલેજ આ ટેકનોલોજી કોમર્શીયલ પ્રોડક્શન માટે આપી શકશે. જ્યારે ગામડાઓમાંથી દૂધ એકત્રીત કરતા હોય ત્યારે અથવા તો શહેરી વિસ્તારમાં લોકો દૂધવાળા પાસેથી દૂધ લેતા હોય ત્યારે સામાન્ય લોકો આ ડીપસ્ટીકની મદદથી ગણતરીની સેકન્ડમાં દૂધમાં ભેળસેળ છે કે નહી તે જાણી શકશે. હાલમાં લેબોરેટરીમાં જઇને દૂધની શુદ્ધતાની ચકાસણીની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે તેની સામે આ નવીન સંશોધન દૂધમાં ભેળસેળ છે કે, નહીં તે જાણવામાં કારગત નિવડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati