અમરેલીમાં માવઠાનો માર, ધોધમાર વરસાદથી રાજુલા-જાફરાબાદ પંથક જળબંબાકાર, ધાતરવડી ડેમના 19 દરવાજા ખોલાયા
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની અસર એટલી વધી ગઈ છે કે શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું છે.
મેઘરાજા અત્યારે ફુલ મુડમાં વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં રાજુલામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે ધાતરવડી ડેમ-2માં પાણીનું લેવલ જોખમના નિશાન સુધી પહોંચી જતા એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. પરિણામે ધાતરવડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામના લોકોમાં ભયનું વાતાવરણ છે. પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી
બીજી તરફ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાસેના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે. બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને અનેક વાહનો રસ્તા પર બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજુલાના ચોત્રા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ પરત ફરી હતી. જેના કારણે એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવામાં મુશ્કેલી પડી. ગામમાં બ્રિજ પાણીમાં ગરક થતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.
આખા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
સતત વરસતા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે પાકને પણ નુકસાન થવાની આશંકા છે. ખેડૂતો ચિંતિત છે કે વરસાદ જો આવી રીતે ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. કુલ મળી આખા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે અનેક ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે, રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. કણભા, રાજુલા, જાફરાબાદ અને બગસરા જેવા વિસ્તારોમાં હાલ સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે નદી-નાળા કે ડેમ નજીક ન જાય અને હવામાન વિભાગના સૂચનોનું પાલન કરે. આગામી 24 કલાક દરમિયાન અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(Input Credit: જયદેવ કાઠી)
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

