અમદાવાદમાં તેના વિવિધ વિસ્તારમાં આવેલા ટી સ્ટોલ આગવુ મહત્વ ધરાવે છે. ચાની ચુસકી વિના અમદાવાદીઓના જાણે તમામ કામ અધૂરા રહે છે. અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જશો તમને ચાની ટપરી અવશ્ય મળી આવશે. તેમાં પણ કેટલીક ટપરીની ચા તો ખૂબ જ પ્રખ્યાત પણ હોય છે. ત્યારે અમદાવાદના સરદાર નગરમાં આવેલો એક ટી સ્ટોલ પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર મળ્યો છે. કેમ કે તેનું નામ છે ‘ભયાનક ટી સ્ટોલ’. અહીં લોકોને મળે છે. ચુડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા. જેને પીવાનો લોકોને આનંદ પણ આવે છે.
આ પણ વાંચો-ભરૂચમાં સગી માતાએ જ 5 વર્ષીય બાળકીની કરી હત્યા, તબીબની સજાગતાને કારણે સમગ્ર કિસ્સો સામે આવ્યો
અમદાવાદના આ સ્પેશિયલ ટી સ્ટોલની વાત કરીએ તો સ્થળનું નામ જાણીને પણ તમને ખૂબ જ નવાઇ લાગશે. અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં આવેલા ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં આ ટી સ્ટોલ ચાલે છે. 42 વર્ષીય અનિલ બજરંગી છારા ઉર્ફે ડોન બજરંગી છારા નામનો યુવક આ ટી સ્ટોલ ઘણા સમયથી ચલાવી રહ્યો છે. કોઇએ વિચાર્યુ પણ ન હોય તેવા ફ્લેવરની ચા તે અહી વેચી રહ્યો છે. અનિલ બજરંગી અહીં સ્પેશિયલ પ્રેતાત્મા ચા, સ્પેશિયલ કબ્રસ્તાન ચા, સ્પેશિયલ અસ્થિ ચા, ચુડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા વેચે છે. એટલું જ નહીં આ સ્ટોલ પર ભૂત કોફી અને કંકાલ બિસ્કિટ પણ મળે છે.
અનિલ છારા જન્મથી વિકલાંગ છે અને ધોરણ 10 સુધી માંડ ભણી શક્યા છે. તેમને ડોક્ટર બનવાની ઇચ્છા હતી. જો કે વિપરિત પરિસ્થિતિના પગલે તેઓ આગળ ભણી શક્યા નથી. તેઓ જીવનમાં કઇ વિશેષ કરવા માગતા હતા. જેથી તેમને આગળ જતા આ ‘ભયાનક ટી સ્ટોલ’નો વિચાર આવ્યો હતો.
અનિલ છારાના જણાવ્યા પ્રમાણે આ ટી સ્ટોલ તેમણે કોરોના લોકડાઉન પહેલા શરુ કર્યો હતો. કોરોનાકાળમાં સ્મશાનમાં ઘણા લોકો આવવાના કારણે તેમને વ્યવસાયમાં ખૂબ જ ફાયદો પણ થયો. સ્મશાનમાં અંતિમ ક્રિયામાં જોડાનારા લોકો તેમના ટી સ્ટોલની ચા જરુર પીતા. જો કે હવે થોડા સમયથી તેમના ગ્રાહક ઘણા ઓછા થઇ ગયા છે. જો કે જેટલુ મળે છે તેટલામાં અનિલ છારા હાલ સંતોષ માની રહ્યા છે.
અનિલ બજરંગી કહે છે કે, તેઓ પોતાના આ વ્યવસાયને આગળ વધારવા માગે છે. તેઓ દેશ અને વિદેશમાં ભયાનક ટી સ્ટોલની ફ્રેન્ચાઈઝી આપવા માગે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…