Positive Story : રોઝા અને સાડા ત્રણ વર્ષની દિકરી હોવા છતાં કોરોનાકાળમાં ફરજ પર અડગ રહ્યા અમદાવાદના આ નર્સ

Positive Story : અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન દરરોજ ચાલુ રોઝાએ ૬-૭ કલાક સુધી P.P.E. કીટ પહેરીને દર્દીઓની સેવા કરી. 

  • Updated On - 2:24 pm, Fri, 14 May 21 Edited By: Utpal Patel
Positive Story : રોઝા અને સાડા ત્રણ વર્ષની દિકરી હોવા છતાં કોરોનાકાળમાં ફરજ પર અડગ રહ્યા અમદાવાદના આ નર્સ
ઝેબાબેન

Coronavirus Update : આજે રમઝાન મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. અને દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો છે.વૈશ્વિક મહામારી કોરોનામાં સૌકોઇ એકસાથે મળીને તેનો સામનો કરી રહ્યા છે. માણસ ઉંચનીચ,ધર્મજાતિથી ઉપર માનવતા દેખાડી રહ્યા છે અને સેવાયજ્ઞમાં લાગ્યા છે.ત્યારે આ વચ્ચે એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે . અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન દરરોજ ચાલુ રોઝાએ ૬-૭ કલાક સુધી P.P.E. કીટ પહેરીને દર્દીઓની સેવા કરી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાએ રમઝાન માસમાં પૂર્ણ શ્રદ્ધાથી રોઝા કર્યાં. રોઝાની સાથે જ કોરોનામાં ફરજ પણ બજાવી. ઝેબાબહેનનું કહેવું છે કે, “રોઝા રાખ્યા હોય ત્યારે શારીરિક નબળાઇ ઘણી આવે છે. પરંતુ તેના કારણે હું સ્ટાફ નર્સ તરીકેની મારી ફરજથી પાછીપાની ન કરી શકું. મેં રોઝા રાખીને અલ્લાહ તાલાની બંદગી કરી છે તો અલ્લાહે પણ મને ફરજ દરમિયાન શક્તિ જરૂરથી આપી છે.”

Positive Story : Despite of keeping Roza Zebaben Staff nurse of Ahmedabad Civil hospital gives priority to work

આપની જણાવી દઇએ કે 30 વર્ષીય ઝેબાબેનને એક સાડા ત્રણ વર્ષની દિકરી છે અને તેમના માતા કેન્સરગ્રસ્ત છે.તેમના પતિ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં વ્યવસાય કરે છે. આવા સમયે તેમનું પરિવાર પાસે રહેવું જરુરી હોય પરંતુ ઝેબાબહેને કોરોનાની બીજી લહેરમાં પરિવારથી અલગ રહેવાનું પસંદ કર્યું અને પોતાના મૂલ્યોને પ્રાથમિકતા આપી. પડકારોને ગણકાર્યા વિના જુસ્સાભેર પોતાની ફરજનું પાલન કર્યું.

ઝેબા ચોખાવાલા રોઝા સાથે પી.પી.ઇ. કીટ પહેરીને કામ કરવાનો અનુભવ જણાવતા કહે છે કે, “સામાન્ય દિવસોમાં પણ ગરમીમાં ૭ થી ૮ કલાક પી.પી.ઇ. કીટ પહેરીને કામ  કરવું પણ અત્યંત પડકારજનક છે. ત્યારે રમઝાન માસમાં તો જેમણે રોઝા કર્યા હોય એ માણસ ૧૬ થી ૧૭ કલાક પાણી અને ભોજન વગર રહે છે. જેથી શરીરમાં ડિહાઇડ્રેશનનુ પ્રમાણ ઘણું વધી જતું હોય છે.

એવામાં પી.પી.ઇ. કીટ પહેરીની ડ્યુટી કરવી અત્યંત જોખમી અને મુશ્કેલ બની રહે છે. પરંતુ આવી પરિસ્થિતિમાં મેં પાછીપાની કરી નથી. મારા માટે દર્દીનો જીવ પહેલા મેં પોતે જ આ નોકરી પસંદ કરી છે અને દર્દીઓના જીવ બચાવવામાં હું નિમિત્ત બની શકું છું ત્યારે સ્વ ને ભૂલીને, પોતાની પીડાને ભૂલીને અમે બધા કોરોનાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છીએ.”

આગળ ઝેબા ચોખાવાલા જણાવે છે કે  રમઝાન માસમાં અમે સવારે ત્રણ વાગે ઉઠીને શહેરી કરતા અને સાંજે સાત વાગે ઇફતારી કરતા હતાં. ઘણી વખત ડ્યૂટીના કલાકો દરમિયાન જ મારે શહેરી અને ઇફતારી કરવી પડતી. પરંતુ હોસ્પિટલ તંત્રના સહયોગના કારણે તે મારા માટે સરળ બની રહ્યું. રોઝા રાખ્યા હોય ત્યારે ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે.

ઝેબાબહેને કહ્યું કે, “સિવિલ હોસ્પિટલમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇપણ પ્રકારની ઇમરજન્સીમાં આવતા દર્દીઓ કે જેમની સર્જરી કરવી અતિ આવશ્યક હોય, જીવન અને મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓના જીવ બચાવવા એ જ તમામ હોસ્પિટલ સ્ટાફની પ્રાથમિકતા હોય ત્યારે કોરોના સંક્રમણના ભય, શંકા તમામને નેવે મૂકીને માત્ર ને માત્ર દર્દીની સારવારમાં લાગી જવું પડે.”