અમદાવાદની શિવમ વિદ્યાલયે પહેલા તો નિયમોનો ઉલાળિયો કરી શાળાની ટેરેસ પર મોબાઈલ ટાવર લગાવ્યો. આ અંગે NSUIએ શિક્ષણાધિકારીને રજૂઆત કર્યા બાદ શિક્ષણાધિકારીએ 7 દિવસની અંદર મોબાઈલ ટાવર શાળા પરથી હટાવવાની શિવમ વિદ્યાલયને નોટિસ ફટકારી છે. છતા શિવમ વિદ્યાલયના સત્તાધિશો મનમાની કરી રહ્યા છે અને હજુ પણ મોબાઈલ ટાવર હટાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.
આ જ મુદ્દે NSUI દ્વારા આજે ફરી શાળામાં આચાર્યની ઓફિસમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા અને નક્લી નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો. આ તરફ NSUIના વિરોધને પગલે શાળાએ પણ વિદ્યાર્થીઓને સમય કરતા વહેલા જ ઘરે રવાના કરી દીધા હતા. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું શાળા મોબાઈલ ટાવર અંગે વિદ્યાર્થીઓને અંધારામાં રાખી રહી છે? શું આ જ કારણે પાપ છુપાવવા જ વિદ્યાર્થીઓ કંઈ સમજે એ પહેલા જ તેમને સમય કરતા વહેલા ઘરે રવાના કરી દેવાયા ?
જો કે સમગ્ર મામલે NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં સુધી શાળા દ્વારા મોબાઈલ ટાવર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસશે નહીં. NSUIની રજૂઆત છે કે નિયમ મુજબ કોઈપણ શાળા તેમના પરિસરમાં કે નજીકમાં ક્યાંય પણ મોબાઈલ ટાવર લગાવવાની મંજૂરી આપી શકે નહીં. મોબાઈલ ટાવરમાંથી નીકળતા ખતરનાક રેડિયેશન લોકોના સ્વાસ્થ્ય માટે ઘણા જોખમી હોય છે. આ રેડિયેશનના કારણે લાંબા ગાળે સ્કિન કેન્સર જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આ તમામ બાબતો જાણતી હોવા છતા શિવમ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે ટેરેસ પર જ મોબાઈલ ટાવર ખડો કરી દેવામાં આવ્યો છે અને ટાવર હટાવવા અંગે શિક્ષણાધિકારીએ નોટિસ આપી હોવા છતા તેની પણ ઉપેક્ષા કરી રહી છે. આ મામલે NSUI પણ કોઈ બાંધછોડ કરવાના મૂડમાં જણાતી નથી. ત્યારે જોવુ રહ્યુ કે આ હવે મોબાઈલ ટાવર હટે છે કે કેમ !
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:14 pm, Thu, 21 November 24