
અમદાવાદમાં મકાનનું સપનું અધૂરું રહેતા એક આધેડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મકાનના માલિકે મકાન તો વેચ્યું પરંતુ પૈસાની ઉઘરાણી કરીને મકાન પરત માંગતા આધેડને લાગી આવતા જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
ઘટના એવી છે કે નિકોલમાં આવેલા દિવ્ય જીવન લાઇફ સ્ટાઇલમાં રહેતા કિરણભાઈ ભૂતે પાંચ મહિના પહેલા પોતાના જ ફ્લેટમાં રહેતા ભાવેશભાઈ બરવાળીયા પાસેથી મકાન ખરીદ્યું હતું. કિરણભાઈએ ભાવેશભાઈને હપ્તે હપ્તે રૂપિયા 6.48 લાખ ચૂકવ્યા હતા અને સાથે બેંકના ત્રણ હપ્તા પણ ભરેલા હતા. બાકીની રકમ કિરણભાઈ અને તેના દીકરા એ લોન કરાવીને આપવાની હતી. જેના કારણે તેમણે લોન માટે મકાનના દસ્તાવેજો માંગ્યા હતા.
ત્યારે મકાન માલિક ભાવેશભાઈએ દસ્તાવેજો નહી આપીને મકાન ખાલી કરવાનું દબાણ કરીને ધમકીઓ આપતા હતા. જેથી પોતાની જિંદગીની કમાણી મકાનમાં રોકીને કિરણભાઈ માનસિક નિરાશ થઈ ગયા હતા. જેથી તેમને સ્યુસાઈડ નોટ લખીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો.
મૃતક કિરણભાઈ મૂળ રાજકોટના રહેવાસી છે. એક વર્ષ પહેલાં જ અમદાવાદ પરિવાર સાથે રહેવા આવ્યા હતા અને ઇલેક્ટ્રિકના વ્યવસાયથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ પરિવાર નિકોલની દિવ્ય જીવન લાઈફ સ્ટાઇલમાં ભાડે રહેતા હતા. ચાર માસ પહેલા જ ભાવેશ બરવાળીયાએ મકાન વેચાણ માટે મૂક્યું હોવાથી પરિવારે સંપર્ક કર્યો અને મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે બાદ મકાનનો 26.75 લાખમાં સોદો થયો હતો. કિરણભાઈ અને તેમના પરિવારે 6 લાખ રૂપિયા જેટલા રોકડ આપ્યા પરંતુ ભાવેશભાઈ અને તેમના પત્ની હેતલબેનએ મકાન ખાલી કરવાનું દબાણ શરૂ કર્યું. તેમને આપેલા પૈસા ચૂકવવાના બદલે ઘરમાંથી કાઢવા પોલીસને રજુઆત કરવા લાગ્યા હતા. જેથી પોલીસ અને મકાન માલિકના દબાણથી કંટાળીને કિરણભાઈએ આપઘાત કરી લીધો. નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : ફટાકડાના વેચાણ કે સંગ્રહ પહેલા જાણી લો ફાયર સેફ્ટીના આ નિયમો, નહીં તો થશે કાર્યાવહી
મકાનના વિવાદમાં નિકોલ પોલીસ પર પરિવારે આક્ષેપો કર્યા છે એટલું જ નહીં આપઘાત બાદ પણ પોલીસે આરોપીની ધરપકડ નહિ કરીને તેઓને છાવરયા હોવાનો આક્રોશ પરિવારે વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસે સ્યુસાઈડ નોટ અને મોબાઈલ FSL માં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.