UPSCના રીઝલ્ટ પછી ગુજરાત કેડરની ફાળવણી થતા હું દુ:ખી થઇ ગયો હતો : હિમાંશુ શુક્લા

UPSCના રીઝલ્ટ પછી ગુજરાત કેડરની ફાળવણી થતા હું દુ:ખી થઇ ગયો હતો : હિમાંશુ શુક્લા
Himanshu Shukla

એક સમયે જ્યાં આવવાની જરાય ઇચ્છા નહોતી તે ગુજરાત છોડતા પહેલાં તેમણે ભારે હૈયે કેટલીક વાતોનો દિલ ખોલીને જવાબ આપ્યાં હતા. જોકે, તે tv9ના સાથે કરેલી પર્સનલ વાતચીત હતી. પરંતુ વાતચીતના અંતે તેમની પાસે આ વાતો લોકો સુધી પહોંચે તે માટે લખવાની મંજૂરી લઇ લીધી હતી.

Mihir Bhatt

| Edited By: Utpal Patel

Dec 28, 2021 | 4:51 PM

“UPSC ની પરીક્ષા સારા રેન્કથી પાસ કરી લીધી અને જ્યારે કેડરની ફાળવણી કરવામાં આવી ત્યારે રેન્ડમલી મારૂં નામ ગુજરાત કેડરમાં આવ્યું. ગુજરાત જોતા જ હું મનોમન દુખી થઇ ગયો. મારે ગુજરાત નહોતું આવવું ” આ શબ્દો છે, સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જઇ રહેલાં વર્ષ 2005 બેચના આઈ.પી.એસ હિમાંશુ શુક્લાના. હિમાંશુ શુક્લાનું વ્યક્તિત્વ અને તેમના ઓપરેશન કોઇનાથી છુપા નથી. ભરૂચ ડબલ મર્ડર કેસ સમયે ત્યાંના સ્થાનિક તત્કાલીન પોલીસ અધિકારીઓએ તો તેમને કટાક્ષમાં જેમ્સ બોન્ડનું બિરૂદ આપી દીધું હતુ. હિમાંશુ શુક્લા માટે ત્યારે કટાક્ષમાં કહેવાયેલી વાત હવે સાચી પડવા જઇ રહી છે. તે ખરેખર “જેમ્સ બોન્ડ” બનવા જઇ રહ્યાં છે.

એક સમયે જ્યાં આવવાની જરાય ઇચ્છા નહોતી તે ગુજરાત છોડતા પહેલાં તેમણે ભારે હૈયે કેટલીક વાતોના દિલ ખોલીને જવાબ આપ્યાં હતા. જોકે, તે tv9ના સાથે કરેલી પર્સનલ વાતચીત હતી. પરંતુ વાતચીતના અંતે તેમની પાસે આ વાતો લોકો સુધી પહોંચે તે માટે લખવાની મંજૂરી લઇ લીધી હતી.

સવાલ – ગુજરાત કેડર કેમ પસંદ કરી હતી?

જવાબ- ના, મેં ક્યારેય ગુજરાત કેડર પસંદ નહોતી કરી. હકિકતમાં જ્યારે રેન્ડમલી મને ગુજરાત કેડર આપવામાં આવી તો હું દુ:ખી થઇ ગયો હતો. મનોમન ઘણો દુ:ખી હતો. કારણ, ત્યારે એક્શન હોય તેવા રાજ્યોમાં જવાની ઇચ્છા હતી. 2005માં જમ્મુ કાશ્મિરમાં જે આતંકી ઘટનાઓ થતી હતી તેના સમાચારો જોઇ મનોમન ત્યાં જ જવાનું નક્કી કર્યુ હતુ. આતંકીઓ સાથે બાથભીડવી હતી. બીજુ હૈદરાબાદમાં ટ્રેનિંગમાં હતા તો ત્યાંનું પણ ક્રાઇમ જોયું હતુ એટલે બીજી પસંદ ત્યાંની હતી. ગુજરાત તો શાંતિપ્રિય રાજ્ય છે તેવું સાંભળ્યુ હતુ. “પછી જ્યારે મારૂં પોસ્ટિંગ ગુજરાત થયું અને પ્રોબેશનમાં વડોદરા હતો ત્યારે એક રાતે 2 વાગ્યે એક મહિલાને બિન્દાસ એક્ટિવા લઇને જતા જોઇ. ત્યારે વધારે દુ:ખ લાગ્યું કે, યાર, અહિંયા આટલી શાંતી છે, મહિલાઓ રાત્રે નિશ્ચિંત થઇને ફરી શકે છે. કોઇ ક્રાઇમ જ નથી. હું શું કરીશ અહીંયા ?!”

સવાલ- લાગે છે કે, ગુજરાત સિવાય બીજી કોઇ રાજ્યમાં ગયા હોત તો RAWના ડેપ્યુટેશન પર જવાનો મોકો મળતો?

જવાબ- ના, ગુજરાતે ઘણું બધુ આપ્યું. હું ગુજરાતની શાંતિ જોઇને અહીંયા આવવા માંગતો નહોતો. મારે એક્શનમાં રહેવાની ઈચ્છા હતી. પરંતુ 2006માં ગુજરાતમાં આવ્યાં બાદ સિરિયલ બ્લાસ્ટની ઘટના બની. કુદરતે તક આપી અને બ્લાસ્ટની ઇન્વેસ્ટિગેશન ટીમનો ભાગ બન્યો. ત્યારના સિનિયર અધિકારીઓ સાથે સરહદ પાર કરીને (પોલીસ હદની વાત કરતા) આરોપીઓની ઓળખ કરવાની અને પકડવાના ઓપરેશને મારી ઇચ્છાઓ પુરી કરી. દેશ વિરોધી પ્રવૃતિઓને અટકાવવા ગુજરાતમાં રહેલી કામગીરી કરી જે ખુશી મળી તે વર્ણવી શકાય નહીં. પણ કદાચ આજે ગુજરાતમાં કરેલી કામગીરીથી જ ઇચ્છિત જગ્યાએ જવાનો મોકો મળ્યો.

સવાલ- RAWમાં કોઇ સ્પેશિયલ ધ્યેય સાથે જાવ છો?

જવાબ- ધ્યેય (ગોલ) કહીશ તો બધા હસવા લાગશે. પણ એક ચોક્કસ ધ્યેય છે. સત્તાવાર રીતે પાંચ વર્ષનો સમય હોય છે રો (રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ)માં. આ સમયમાં નક્કી કરેલો ટાર્ગેટ પુરો કરવાનો પ્રયાસ કરીશ. હિમાંશુ શુક્લાએ આ વાતચીત દરમિયાન પોતાના ટાર્ગેટનું નામ તો ન કહ્યું, પરંતુ તેમને નજીકથી ઓળખનારા લોકો માને છે કે, દેશનો મોસ્ટ વોન્ટેડ જ તેમનો ટાર્ગેટ હોઇ શકે છે.

સવાલ- ગુજરાત છોડતા કેવી લાગણી અનુભવો છો?

જવાબ- 15 વર્ષ પહેલા અહીંયા આવતા જે દુ:ખ લાગતું હતું તેનાથી વધારે દુ:ખ હવે અહીંયાથી જતા લાગી રહ્યું છે. 15 વર્ષમાં ગુજરાતની ભૂમિ પર ઇજ્જત કમાવામાં સફળ રહ્યો છું. જિંદગીના મહત્વના વર્ષો અહીંયા વિતાવ્યા છે માટે જતા દુ:ખ લાગે છે અને સામે નવા એડવેન્ચરથી એક્સાઇટ પણ છું. ભવિષ્યમાં રોનો ટેન્યોર પુરો થતા ગુજરાત પાછું આવવું કે કેમ તે આગળનો સમય જ નક્કી કરશે. But now I love Gujarat….

આ પણ વાંચો : 11,040 કરોડ રૂપિયાનું ‘ઓઇલ પામ મિશન’ દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવશેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર

આ પણ વાંચો : Gandhinagar: ભરતીના મુદ્દે સચિવાલય બહાર વિદ્યા સહાયકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારે ઠાલા વચન આપ્યાનો કર્યો આક્ષેપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati