ગુજરાતમાં ગાંજાની ઘૂસણખોરી યથાવત ! અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યો લાખોનો હાઇબ્રિડ ગાંજો, જુઓ Video
અમેરિકા, કેનેડા, સ્પેન થાઈલેન્ડ જેવા વિદેશો માંથી 1 કરોડ 70 લાખ ની કિંમત નો જંગી હાઇબ્રિડ ગાંજો મગવવામાં આવ્યો. રમકડાં સહિતની ચીજ વસ્તુઓની આડમાં ગાંજો મોકલવામાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપવામાં આવ્યો હાઇબ્રિડ ગાંજો.
ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ સઘન બનાવતા ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે નત નવા રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે. એમ ડી ડ્રગ્સ, ચરસ હેરોઇન હશિષ જેવા ડ્રગ્સ પકડવાની ઝુંબેશ પોલીસ દ્વારા વ્યાપક બનતા નશાખોરો દ્વારા હવે વિદેશથી પોસ્ટ મારફતે હાઇબ્રિડ ગાંજો મંગાવવાની નવી એમ ઓ અપનાવવામાં આવી છે.
આવીજ રીતે મંગાવાયેલ રૂપિયા 1 કરોડ 70 લાખની કિંમત ના હાઇબ્રિડ ગાંજાના 37 પાર્સલ અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ માંથી કબ્જે કરી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગાંજો મોકલનાર અને મંગાવનાર ની શોધખોળ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ સેલના 30 જેટલા સભ્યોની ટીમે કરી કાર્યવાહી
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે અમદાવાદના શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજાના જથ્થાના પાર્સલ પડેલ છે. હાઇબ્રિડ ગાંજાના પાર્સલ અમેરિકા, કેનેડા, સ્પેન, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવેલ છે. સાયબર ક્રાઇમ સેલના 30 જેટલા સભ્યોની ટીમે ગઈ કાલે કસ્ટમ વિભાગની ટીમને સાથે રાખી,FSL અને પંચો રૂબરૂ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજા ભરેલ જથ્થાના 37 પેકેટ શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત 1 કરોડ 70 લાખ અને કુલ વજન 5 કિલો 670 ગ્રામ અને 17 મિલિગ્રામ થાય છે.
આ હાઇબ્રિડ ગાંજો, રમકડાં, કિડ્સ ટ્રાવેલ બેગ, એર પ્યોરીફાયર, કુકીઝ જેવા પદાર્થોના પેકિંગની આડમાં મોકલવામાં આવ્યા હતા, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ ના DCP ડો લવીના સિંહા એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વાપી સહિતના શહેરોમાં રહેતા લોકો દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઓરિસ્સા થી દેશી ગાંજો આવતો
મોટા ભાગનો જથ્થો અમદાવાદના લોકો દ્વારા મંગાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાં વિસ્તારના આ લોકો છે તે અત્યારે કહી નહીં શકાય કારણ કે એ દિશામાં તપાસ જારી છે. ગાંજાનું સેવન કરનાર નશાના બંધાણીઓ માટે મુખ્યત્વે ઓરિસ્સા થી દેશી ગાંજો આવતો હોય છે પરંતુ પોલીસની ભીંસ વધતા હવે નશાખોરો ડાયરેકટ ઓનલાઈન વિદેશ થી હાઇબ્રિડ ગાંજો મંગાવવા લાગ્યા છે.
કોના દ્વારા જથ્થો મોકલવામાં આવ્યો ?
ભૂતકાળમાં પણ આજ રીતે વિદેશથી મંગાવવામાં આવેલ હાઇબ્રિડ ગાંજા નો જથ્થો અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા સમયે શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપવામાં આવ્યો હતો, જે લોકો દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેના સુધી તો પોલીસ પહોંચી હતી,પરંતુ કોના દ્વારા એ જથ્થો મોકલવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
સુરક્ષા એજન્સીઓ થી બચવા પોસ્ટ વિભાગનો ઉપયોગ
જોકે આ 1 કરોડ 70 લાખ ની કિંમત નો ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યો તે દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું DCP લવીના સિંહા એ જણાવ્યું હતું. દેશ અને રાજ્યના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા સુરક્ષા એજન્સીઓ થી બચવા પોસ્ટ વિભાગ જેવો એક સલામત માર્ગ અપનાવ્યો છે, પરંતુ સુરક્ષા એજન્સીઓએ હવે આ નવા રૂટને બ્લોક કરવા કોઈ ચોક્કસ રણનીતિ ઘડવી પડશે.