
ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે. સમગ્ર રાજ્યમાં 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે 13 વિષયોના આધાર પર દરેક દિવસની ‘Theme Based’ ઉજવણી કરવામાં આવશે. યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 7 ઓક્ટોબરના રોજ વિધાનસભા પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે. રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને શાળા-કોલેજોમાં આ પ્રતિજ્ઞા લેવામાં આવશે. My.Gov. પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ સાથે વિકાસ સપ્તાહનો વિધિવત પ્રારંભ થશે.
યુવા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન યોજાશે. રાજ્યવ્યાપી ક્વિઝ સ્પર્ધા, શાળા અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાનમાળા અને અગત્યના સ્થળોએ પદયાત્રા યોજાશે. દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સાથે પોડકાસ્ટ અને મનોમંથન યોજાશે. અન્ય 50 સ્થળોએ પણ યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે.
આ દિવસે સહકાર વિભાગ દ્વારા GST સુધારા અને સહકારી ક્ષેત્રને આપવામાં આવેલા લાભ માટે 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે. વિષયો જેમ કે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન, આયુષ્માન ભારત, નાણાંકીય સમાવેશ, DBT અને સોલાર રૂફટોપ યોજનાનો સમાવેશ થાય છે. 4.5 લાખ કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટકાર્ડ લખાણ કરવામાં આવશે. 100 કોલેજ/યુનિવર્સિટીમાં વ્યાખ્યાન શ્રેણી પણ યોજાશે.
તા. 8 ઓક્ટોબરે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો રોજગાર મેળો યોજાશે. 50,000થી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. 25,000થી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્ર આપવામાં આવશે. ITI અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે 100થી વધુ MOU હસ્તાક્ષર થશે.
તા. 9 અને 10 ઓક્ટોબરે મહેસાણા ખાતે ઉદ્યોગ સાહસિકતા દિવસ અંતર્ગત MSME કોન્કલેવ, ઉદ્યોગમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રિવર્સ બાયર્સ સેલર મીટ અને પ્રાદેશિક પુરસ્કારોનું આયોજન થશે. અગ્રણી ઉદ્યોગપતિઓ અને યુવાનો વિકસિત ગુજરાત@2047માં યોગદાન કેવી રીતે આપી શકે તેના વિશે ચર્ચા કરશે. સ્ટાર્ટઅપ હેકાથોન, પિચિંગ સેશન અને ઉદ્યોગ સાહસિકોના પ્રદર્શન પણ યોજાશે.
તા. 11 ઓક્ટોબરે રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો પંચાયત કાર્યક્રમ યોજાશે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ માર્ગદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન અને ગ્રામ પંચાયત ઘરોનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે. રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં 1 કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ સાથે ગ્રામીણ વિસ્તાર માટે વિકાસ રથનું આયોજન અને તમામ સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ” લેવાશે.
તા. 12 અને 13 ઓક્ટોબરે નગરપાલિકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાઓના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સ્વદેશી મેળા, રીસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરીને સાર્વજનિક સ્થાપત્યનું સર્જન અને મહાનગરપાલિકાઓમાં ભીંત ચિત્રો બનાવવાનું આયોજન કરવામાં આવશે.
તા. 14 ઓક્ટોબરે કૃષિ વિકાસ દિન/રવિ કૃષિ મહોત્સવ યોજાશે. ખેડૂત માટે પાક પરિસંવાદો, માર્ગદર્શન, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળા અને નવીન ટેકનોલોજી આધારિત સ્ટોલ યોજાશે.
તા. 15 ઓક્ટોબરે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, જેમાં રૂ. 1 કરોડથી રૂ. 25 કરોડ સુધીના રૂ. 3,326 કરોડના કામોનો સમાવેશ થાય છે.
શિક્ષણ વિભાગ દ્વારા Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ અને રિસર્ચ પેપરનું આયોજન કરવામાં આવશે. યુનિવર્સિટીમાં લખપતિ દીદી અને ડ્રોન દીદીના સેમિનાર યોજાશે અને 10 Swami Vivekananda Competitive Examination Study Centreનું લોકાર્પણ કરવામાં આવશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 1,700 સે ગંભીર પ્રસૂતિ ધરાવતી માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાનની સમજ, નમોશ્રી યોજના હેઠળ 10,000થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન અને DBT ચુકવણી, PM Matru Vandana Yojana હેઠળ 6,000થી વધુ લાભાર્થીઓને DBT ચુકવણી, પોષણ કીટ વિતરણ, આયુષ્માન કાર્ડ વિતરણ અને TrueNAT મશીનોનું લોકાર્પણ યોજાશે. 24 મેડિકલ કોલેજોમાં CPR તાલીમ શિબિરોનું આયોજન થશે, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે વિશેષ કાર્યક્રમો યોજાશે, 34 મોડેલ CHC બનાવવાની યોજના છે, પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ અને SNSPA અભિયાનનું E-Book લોન્ચિંગ થશે.
માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 24 વર્ષ સફળ નેતૃત્વ પર પુસ્તિકાનું પ્રકાશન, My.Gov.India પોર્ટલ પરથી ક્વિઝ, ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન કરવામાં આવશે.