મોંઘવારી મુદ્દે કોંગ્રેસની જન આંદોલનની ચીમકી, 7 જુલાઇથી 17 જુલાઇ સુધી યોજશે સાયકલ યાત્રા

વધતી જતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે જન આંદોલનની ચીમકી આપી છ. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ સામે કોંગ્રેસ સાયકલ યાત્રા યોજશે.

મોંઘવારી મુદ્દે કોંગ્રેસની જન આંદોલનની ચીમકી, 7 જુલાઇથી 17 જુલાઇ સુધી યોજશે સાયકલ યાત્રા
અમિત ચાવડા

કોરોના મહામારીમાં સપડાયેલા મધ્યમ અને ગરીબ વર્ગ પર મોંઘવારીના મારને કારણે બેવડો માર પડી રહ્યો છે. એવામાં કોંગ્રેસે હવે આ મુદ્દે આંદોલન છેડવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ 7 જુલાઈથી 17 જુલાઈ સુધી “જન સંપર્ક અભિયાન” અંતર્ગત રસ્તાઓ પર ઉતરશે. કોંગ્રેસ હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સાયકલ યાત્રા કાઢીને વિરોધ કરવા જઈ રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના કાળ અને ત્યારબાદ જનતાનું દર્દ સમજવામાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવ્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે ‘રાજ્ય સરકારને ફક્ત જાહેરાતોમાં વ્યસ્ત છે, લોકોની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ રહી છે. લોકોની ચિંતા હોત તો આજે પ્રજાનું દુઃખ ભાજપા સરકાર સમજી હોત પરંતુ હાલની સરકાર લોકોને 2014 માં UPA સરકાર સમયની વાતો કરીને ભ્રમિત કરે છે. લોકોના મનમાંથી આ ભ્રમ દૂર કરી લોકોને જાગૃત કરવા માટે કોંગ્રેસ સાઇકલ યાત્રા સહિત અલગ અલગ કાર્યક્રમો આપશે.’

કોરોનાના આ કાળમાં પણ મોંઘવારી વધતી જઈ રહી છે. 2014 માં કપાસિયા તેલના ભાવ હાલની સ્થિતી કરતા ઓછા હતા જે આજે બેફામ વધ્યા છે. કઠોળ, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ રોજીંદી જીવનમાં વપરાતી વસ્તુઓ મોંઘી થઇ રહી છે. આવામાં તમને જણાવી દઈએ કે ફક્ત જૂન મહિનામાં 15 વખતપેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેમજ 2021માં સરકાર દ્વારા 57 વખત પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો કરાયો છે.

સંગઠન મુદ્દે બોલ્યા અમિત ચાવડા

આ ઉપરાંત સંગઠન મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે સંગઠનમાં જે લોકો છે તેઓ હાલ કામ કરી જ રહ્યા છે. પ્રદેશ સ્તરના નેતાઓ બદલાશે પણ કામ તો સ્થાનિક લેવલે કાર્યકર્તાઓએ જ કરવાનું હોય છે અને તેઓ કામ કરી જ રહ્યા છે.

તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર ન મળતા કિસાન સંઘ દ્વારા સીએમને લખાયેલા પત્રના મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે આ સરકાર જાહેરાતોની સરકાર છે. સરકારે સામાન્ય માણસની ચિંતા કરી નથી. આથિક પેકેજ મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે કેન્દ્ર સરકારે લોકડાઉનમાં 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આજે કોઈને એનો લાભ નથી મળ્યો.

અમિત ચાવડાએ આગળ જણાવ્યું કે સાયકલોન વખતે અમે સરકારને પણ કહ્યું હતું કે ખેતી સહિત અનેક ક્ષેત્રે વ્યાપક નુકસાન થયું છે. આજે લોકોને ખરેખર મદદની જરૂર ત્યારે સરકારે માત્ર જાહેરાત કરી સંતોષ માન્યો છે.

 

આ પણ વાંચો: Rajkot Fire: શાપર વેરાવળમાં બંગડીના કારખાનામાં ભીષણ આગ, વિશાળ ધુમાડાઓએ સર્જયા ભયાનક દ્રશ્યો

આ પણ વાંચો: Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા

Click on your DTH Provider to Add TV9 Gujarati