વડોદરાના વાઘોડિયાથી ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવની કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ, શક્તિસિંહ ગોહિલ સાથે કરી બેઠક
વડોદરાના વાઘોડિયાથી સતત 5 ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહેલા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે, જેનુ કારણ છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેની તેમની શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાત.. મધુ શ્રીવાસ્તવે અડધી કલાક સુધી શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક કરી હતી.
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાઓ તેજ બની છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે અડધી કલાક સુધી મિટીંગ પણ કરી હતી. ત્યારે લોકસભા પહેલા મધુ શ્રીવાસ્તવના કોંગ્રેસમાં જોડાવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી હોય તેવુ હાલ લાગી રહ્યુ છે.
2022માં અપક્ષ ચૂંટણી લડ્યા પરંતુ ભાજપના અશ્નિન પટેલ સામે હારી ગયા
આપને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ સૌપ્રથમ 1992માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને 1997 થી 2017 એમ સતત પાંચ ટર્મ સુધી વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. 2022માં પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા તેઓ લાલઘુમ થયા અને પાર્ટીમાંથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેઓ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને અપક્ષ MLA ધર્મેન્દ્રિસિંહ વાઘેલાની જીત થઈ હતી.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાંથી ફાડ્યો છેડો
ગત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ હતી અને તેમના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારથી તેઓ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને ભાજપમાંથી રાજીનામુ પણ આપી ચુક્યા છે. સતત 6 ટર્મથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે થોડા મહિનાઓ પહેલા જ વિધાનસભાની ટિકિટ મુદ્દે ભાજપ સામે તેમનો રોષ વ્યક્ત કરતા ધમકી ઉચ્ચારી હતી અને વડોદરા સાંસદ પર પોતાની ટિકિટ કાપવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી જ લાગી રહ્યુ હતુ કે 2024ની લોકસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ કંઈક નવાજૂની કરશે. જેના પણ હાલ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
આ પણ વાંચો: રાજસ્થાનની જેમ ગુજરાતના લોકોને ક્યારે મળશે રૂ.450માં ગેસ સિલિન્ડર, સરકાર પર કોંગ્રેસના વેધક સવાલ
દબંગ અને બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવનો વિવાદો સાથે પણ જૂનો નાતો
વિવાદોના પર્યાય ગણાતા મધુ શ્રીવાસ્તવનો વિવાદો સાથે બહુ જુનો નાતો છે. 2002ના રમખાણો સમયે બેસ્ટ બેકરીકાંડમાં પણ આ બાહુબલી નેતાની ભૂમિકા હોવાનો આરોપ લાગ્યો હતો. 2002ના રમખાણો સમયે વડોદરાની બેસ્ટ બેકરીને આગને હવાલે કરવામાં આવી હતી. એ સમયે બેકરી ચલાવતા શેખ પરિવારના 12 સભ્યો સહિત 14 લોકોના મોત થયા હતા. ત્યારે આ કેસના સાક્ષી એવા ઝાહિરા શેખ સહિત અન્યોને નિવેદન બદલવા માટે ધમકી આપવાનો પણ મધુ શ્રીવાસ્તવ પર આરોપ લાગ્યો હતો. જો કે પ્રારંભિક કોર્ટ કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો