
અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક સામાન્ય બાબતમાં બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં આ બનાવ હત્યામાં પલટાઈ ગયો. જોકે વટવા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના વટવા પોલીસની કસ્ટડીમાં આવેલા દિલીપ પરમાર નામના આરોપીએ એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી છે. શહેરના વટવા વિસ્તારના ચાર માળિયામાં રહેતા દિલીપ પરમારની સગીર દીકરી મૃતક સાગર મકવાણા સાથે વાતચીત કરી રહી હતી.
આ દરમ્યાન મૃતકનો ભાઈ ત્યાંથી પસાર થતા મૃતક અને સગીરાને ઠપકો આપીને ઘરે મોકલી દીધા હતા. જ્યારે આરોપી દિલીપ પરમારને પણ દીકરીને સમજાવીને રાખવાની જાણ કરી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી દિલીપ પરમાર, જ્યારે મૃતક સાગર ઘરેથી નીકળતો હતો ત્યારે છરીના ઘા ઝીકીને સગીરાના પિતાએ હત્યા કરી દીધી હતી.
આ સમગ્ર ઘટનાને લઈ વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાગર મકવાણા 19 વર્ષનો છે અને છેલ્લા 3 વર્ષથી વટવામાં આવેલા ચાર માળિયામાં પોતાના ભાઈ સાથે રહેતો હતો. જ્યારે આરોપી દિલીપ પરમાર તેની સામે આવેલા બ્લોકમાં રહેતો હતો.
આરોપીની સગીર દીકરી અને સાગર છેલ્લા થોડા મહિનાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંન્ને એકબીજા સાથે વાત કરતા હોવાથી આરોપી દિલીપ પરમારને દીકરીને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યો હોવાની શંકા હતી.
મૃતક સાગરના ભાઇએ સગીર દીકરીના પિતાને પણ ઠપકો આપ્યો હતો. આજ વાતને લઇને દીકરીના પિતા દિલીપ પરમાર ઉશ્કેરાઈ ગયા હતા અને તેને સાગરની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેણે સાગરને છાતીના ભાગમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો : Ahmedabad : દિવસે સ્મશાન ગૃહમાં નોકરી કરી રાત્રીના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હતો યુવક, ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર હત્યા પાછળ બોલાચાલી અને મિત્રતાને કારણભૂત છે કે અન્ય પણ કોઈ કારણ છે તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
Published On - 8:24 pm, Sat, 28 October 23