હજુ તો સમગ્ર દેશમાં ઈન્ટરનેટમાં (Internet) 5જીની સેવા લોંચ થઈ ગઇ છે, ત્યાંજ ગઠિયાઓએ કમાવવા નવા કીમિયા શરૂ કરી દીધા છે. સાઇબર ગઠિયાઓ દ્વારા લોકોને અલગ અલગ રીતે છેતરી સાઇબર ફ્રોડના (Cyber fraud) શિકાર બનાવવામાં આવી રહ્યા છે. તમારા સીમકાર્ડને 5જીમાં અપગ્રેડ કરાવવાની લાલચ આપવામાં આવે છે અને મેસેજમાં આવેલી લિંક કે ઓટીપીથી બેન્ક એકાઉન્ટમાંથી (Bank account) આ ગઠિયા રૂપિયા ટ્રાન્સફર કરી લે છે. આવા ફ્રોડથી બચવા અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઇમ ( Cyber Crime) પણ સતર્ક બની છે અને લોકોને કઈ રીતે બચવું તે અંગે જાણકારી પણ આપી રહી છે.
તમારું સીમ કાર્ડ 5જી માં અપગ્રેડ કરાવવું છે તો તમને આવેલી લિંક પર ક્લિક કરો અથવા તો આવેલા ઓટીપી નંબર અમને જણાવો. જો આવો કોઈ ફોન કે મેસેજ આવે તો તમે સાવધાન થઈ જજો. કેમકે સીમ કાર્ડને અપગ્રેડ કરાવવાના બહાના હેઠળ સાઇબર ગઠિયાઓ હવે સક્રિય થઈ ચૂક્યા છે. હાલ જે રીતે ઈન્ટરનેટનો જમાનો છે. લોકોને મેસેજ કે ફોન કરી અને સીમકાર્ડ 3G કે 4G છે જે 5Gમાં ફ્રીમાં અપગ્રેડ કરાવવાના મેસેજ મળે છે. ગઠિયાઓ જો સીમકાર્ડ અત્યારે અપગ્રેડ કરાવશો તો મફતમાં થઈ જશે. બાકી અપગ્રેડ માટે રૂપિયા આપવા પડશે તેવી લાલચ આપી લોકોને ઓટીપી અથવા લિંક આપે છે. જેના દ્વારા ગઠિયાઓ લોકોના ફોનનું એક્સેસ લઇને બેન્કમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે. લાખો લોકો પોતાનું સીમકાર્ડ અપગ્રેડ કરાવવા ઈચ્છિત હશે અને તેનો લાભ આ સાઇબર ગઠિયાઓ ઉઠાવે છે. જેનાથી સાવચેત રહેવા સાઇબર ક્રાઇમ લોકોને સલાહ આપી રહ્યું છે.
જે કોઈને મોબાઈલ પર લિંક આવે અથવા ઓટીપી આવે કે પછી ફોન પર કોઈ એપ ડાઉનલોડ કરવા માટે કહે તો ચેતવું જરૂરી છે. કેમકે સીધા જ આપણું બેન્ક એકાઉન્ટ હેક થઈ જાય છે અને તેમાંથી પૈસા ઉપડી જાય છે. ફોનમાં સાઇબર ગઠિયાઓ એપ પણ ડાઉનલોડ કરવા માટે કહે છે. જેનાથી આપણો મોબાઈલ તે સરળતાથી એક્સેસ કરી શકે છે અને આપણા બેન્કની ડિટેઇલ કે પાસવર્ડ સહિતની વિગતો તેઓ જાણી લે છે અને બાદમાં આપણા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરે છે.
મહત્વનું છે કે જે રીતે દિવસેને દિવસે સાઇબર ક્રાઇમને લગતા ગુના વધી રહ્યા છે ત્યારે હવે શહેરના લોકો આવા સાઇબર ફ્રોડથી ધીરે ધીરે અવેર થઈ રહ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો હજી સાઇબર ફ્રોડથી માહિતગાર નહિ હોવાથી વધુ પડતા સાઇબર ફ્રોડનાં શિકાર બની રહ્યા છે. બેન્કનાં નામે કે પછી લોન અપાવવા કે સબસીડી સહિતના મુદ્દાઓ થકી સાઇબર ગઠિયાઓ લોકોને લાલચ આપી તેનો શિકાર બનાવે છે. ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા લોકોને સતર્ક રહી આ પ્રકારની કોઈ પણ એપ, લિંક કે ઓટીપી કોઈ સાથે શેર ન કરવા અને પોતેજ સજાગતા દાખવી સાઇબર ફ્રોડથી બચવા અપીલ કરી છે.