કોરોના વિસ્ફોટ: અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીને દાખલ કરવામાં આવતા નથી!

  • Kunjan Shukal
  • Published On - 20:11 PM, 31 Mar 2021
કોરોના વિસ્ફોટ: અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીને દાખલ કરવામાં આવતા નથી!
SVP Hospital

અમદાવાદ: જીગ્નેશ પટેલ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક 2,200થી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં જાણે કે કોરોના વાઈરસનો મહાવિસ્ફોટ થયો છે. જો અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hospital)ની વાત કરવામાં આવે તો દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં એ તબક્કો આવી ગયો છે કે જેમાં એક જ દિવસમાં 100 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જો ધૂળેટીની વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે 129 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

હાલમાં રોજ 125 દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 493 દર્દી સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલમાં 60 ટકા જેટલા બેડ ભરાયા છે. ત્યારે 5 દિવસમાં જ 1,200 બેડ ફૂલ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરની SVP હોસ્પિટલ (SVP Hospital)માં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવતા નથી અને તેથી સિવિલ હોસ્પિટલમાં લોડ વધી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં પણ SVP હોસ્પિટલના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. હોસ્પિટલમાં બેડ વધારવાની પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદ સિવિલમાં માર્ચ 2020 જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

ત્યારે બીજી તરફ જોઈએ તો કોર્પોરેશનની SVP હોસ્પિટલના અધિકારીઓ જાણે કે સરકારને પણ ગાંઠતા ના હોય અને બેડ વધારવા માટે તેઓ તૈયાર ના થતાં હોય તેવા પ્રકારનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે કોરોનાના કેસોમાં સતત વધારો થયો હોવા છતાં SVP હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં ના આવતા હોય તે ખુબ જ શરમજનક બાબત ગણી શકાય.

 

આ પણ વાંચો: GANDHINAGAR : આવતીકાલથી મહારસીકરણ અભિયાન, 45 વર્ષથી વધુ વયના તમામને રસી મળશે