
દિવાળીનો તહેવાર ખુશીઓ વહેંચવાનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. જો કે આજકાલ ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ફટાકડા ફોડવામાં લોકો કાયદા-કાનુુનનું તો ભાન ભુલે જ છે, સાથે માનવતા પણ ભુલી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં પણ બની છે. જેમાં કેટલાક યુવકોએ તેમના ફટાકડા ફોડવામાં અનેરો આનંદ લેવાની મજાથી એક કિશોરીએ તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ઘટના અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મેઘા આર્કેડ નજીકની છે. જેમાં રાતના સમયે કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા છે. જો કે તેઓ ફટાકડા સામાન્ય રીતે જેમ ફોડવા જોઇએ તેમ ફોડતા નથી. તેઓ એક લોખંડની પાઇપની અંદર ફટાકડા નાખે છે અને આ ફટાકડા ફુટતા પાઇપ ઊંચે ઉછળીને નજીકમાં ઊભેલી બે કિશોરીઓ પૈકી એક કિશોરીના માથા પર જઇને વાગે છે. પાઇપ વાગતા જ કિશોરી તરત જ સ્થળ પર પડી જાય છે. કિશોરી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.
CCTV Captures Firecracker Accident That Led to Teenage Girl’s Death in Ahmedabad#AhmedabadFirecrackerTragedy #Ahmedabad #Gujarat #TV9Gujarati pic.twitter.com/KQ1Qv6xxRA
— Tv9 Gujarati (@tv9gujarati) October 24, 2025
હેના પુરોહિત નામની કિશોરીને માથા પર વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જો કે કમનસીબે આ કિશોરીનું મોત થયુ છે. યુવતીને જે રીતે આ પાઇપ વાગે છે એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સાબરમતી પોલીસે ફટાકડા ફોડતા ત્રણ યુવકો સામે ફરીયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ ઘટના પછી ફટાકડા ફોડતી વખતે સુરક્ષા નિયમોનું પાલન કરવું કેટલુ જરૂરી છે તે ગંભીરતા સામે આવી છે.
Published On - 12:02 pm, Fri, 24 October 25