
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂના મોટા કટિંગ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ખંડુભાઈ હોલ પાસે બુટલેગર અનુપ ઠાકોર ઉર્ફે મેકો રતનસિંહ ઠાકોરે દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હોવાની માહિતી SMCને મળી હતી. આ બાતમીના આધારે SMCની ટીમ ખંડુભાઈ હોલ પાસે ગોઠવાઈ હતી અને દારૂ ભરેલી ગાડીની રાહ જોઈ રહી હતી.
થોડા સમય પછી, નંબર પ્લેટ વગરની એક કાળા રંગની ક્રેટા કાર દારૂ ભરીને ત્યાં પહોંચી. SMCની ટીમને જોતા જ ક્રેટા કારમાં સવાર બુટલેગરો ગભરાઈ ગયા અને ઝડપથી ઘટનાસ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો. SMC ટીમે તરત જ તેમનો પીછો શરૂ કર્યો. આ પીછો શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી ફિલ્મી દ્રશ્યોની જેમ ચાલ્યો હતો.
પીછો કરતી વખતે, ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટી પાસે SMCની ટીમે બુટલેગરોની કારને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, બુટલેગરોએ રોકાવવાને બદલે SMC ટીમના વાહન પર પોતાની ક્રેટા કાર ચડાવવાનો પ્રયાસ કર્યો, જે SMC ટીમ માટે જીવલેણ બની શક્યો હોત. પોતાની સુરક્ષા અને બુટલેગરોને રોકવા માટે, SMCના PI મિતેશ ત્રિવેદીએ તાત્કાલિક કાર્યવાહી કરતા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ કરવા છતાં, બુટલેગરો ચાલાકીપૂર્વક SMC ટીમની પકડમાંથી છટકી ગયા અને દારૂ ભરેલી ગાડી સાથે ફરાર થવામાં સફળ રહ્યા. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ ન હોવાના અહેવાલ છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે.
ઘટના બાદ SMCની ટીમે તાત્કાલિક સ્થળ પર પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી અને બુટલેગરોની વધતી હિંમત અંગે આ ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. SMC ટીમ હવે ફરાર થયેલા બુટલેગરોને પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરાર બુટલેગરો વિરુદ્ધ સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો કરવા બદલ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અને આવા દરોડા દરમિયાન પોલીસ પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક છે.
ભાવિક ગજ્જર સામે ભાજપ કોર્પોરેટરના ગંભીર આક્ષેપ