અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો આઠ વર્ષનો શૌર્ય સારદા નામનો બાળક હાલ ચર્ચામાં છે. તે ધોરણ 4માં અભ્યાસ કરે છે. પરંતુ નાની ઉંમરમાં તેણે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં શૌર્યએ 1 મિનિટમાં 100 કરન્સી માંથી મોટા ભાગની કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેનાથી પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે.
શૌર્ય સારદાના પરિવારમાં તેની મોટી બહેન, માતા પિતા અને અન્ય પરિવારજનો છે. શૌર્યના પિતા વિરેન્દ્રભાઈની વાત માનીએ તો શૌર્યને ગણિતમાં વધુ રસ છે. જે કૌશલ્ય તેના પરિવારે ઓળખી બતાવ્યુ અને પછી શરૂ થઈ શૌર્યના સિદ્ધિ હાંસલ કરવાની સફર. શૌર્યએ પાંચ વર્ષની ઉમરે 200 કેપિટલમાંથી 198 કેપિટલ 5 મિનિટમાં ઓળખી બતાવી ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ બનાવ્યો છે. બાદમાં 7 વર્ષની ઉંમરે 500 વર્ષની તારીખ બતાવે અને તે દિવસનો વાર ઓળખી બતાવે છે. તેણે 5 મિનિટમાં સૌથી વધુ દિવસ ઓળખી બતાવી બીજો લિમ્કા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો છે.
શૌર્યએ હવે ત્રીજો રેકોર્ડ સર કર્યો. તેણે 1 મિનિટમાં જ 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ પાછળ શૌર્યની માતા હેમાબેને શૌર્યની ઘણી મહેનત છે. હેમાબેને TV9 સાથેની વાતચીતમાં તેમના પુત્રની આ સિદ્ધિથી ગર્વની અનુભૂતિ થતી હોવાનું જણાયું. સાથે જ અન્ય પરિવારને પણ તેમના બાળકની સ્કિલ ઓળખી તે દિશામાં આગળ વધારવા પણ જણાવ્યું. જેથી બાળકનું ભવિષ્ય વધુ સારું અને ઉજળું બની શકે.
શૌર્યના પિતા બિઝનેસમેન છે. તેમજ શૌર્યની માતા બુગી વુગી સિરિયલમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધી અને ભરતનાટ્યમમાં સારી સિદ્ધિ હાંસલ કરનારા છે. જેથી પરિવારના સપોર્ટ અને શૌર્યની કંઈક અલગ કરવાની પ્રબળ ઈચ્છા શક્તિને કારણે આજે તેણે ચાર મહિનાની મહેનત અને ટ્રેનિંગ બાદ આ સિદ્ધિ હાંસલ કરી છે. પરિવારના સપોર્ટ અને શૌર્યની લગનના કારણે અત્યારે શૌર્યએ આ ત્રણ ત્રણ રેકોર્ડ પોતાના નામે કરી ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે.